Pakistan Cyber Attack On Indian Defense Sites: પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીનો જવાબ આપતાં પાકિસ્તાન હેકર્સે ભારતીય ડિફેન્સ વેબસાઈટ હેક કરી છે. રક્ષા કર્મીઓની ગોપનીય માહિતી લીક થઈ હોવાનો દાવો ભારતીય સેનાએ કર્યો છે.
સંરક્ષણ સંસ્થાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના હેકર્સ દ્વારા સાયબર અટેક કરી સંરક્ષણ કર્મચારીઓની સંવેદનશીલ માહિતી, જેમાં તેમના લોગિન સહિતની વિગતો હેક કરવામાં આવી છે. તેમજ તેની સાથે ચેડા પણ કર્યા છે. પાકિસ્તાન સાયબર ફોર્સ નામના એક ભૂતપૂર્વ હેન્ડલે દાવો કર્યો છે કે હેકર્સે મિલિટરી એન્જિનિયર સર્વિસિઝ અને મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસના સંવેદનશીલ ડેટા ઍક્સેસ કર્યો છે.
વેબસાઈટને ઓફલાઈન કરાઈ
સૂત્રોએ જણાવ્યું હતું કે આ હેકર્સે સંરક્ષણ મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના ઉપક્રમ આર્મર્ડ વ્હીકલ કોર્પોરેશન લિમિટેડની વેબસાઇટને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. હેકિંગના પ્રયાસથી થયેલા કોઈપણ સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડની વેબસાઇટને ઓડિટ માટે ઓફલાઈન કરવામાં આવી છે.
સાયબર નિષ્ણાતોની ચાંપતી નજર
સાયબર સુરક્ષા નિષ્ણાતો હેકિંગથી વધુ નુકસાન ન થાય તે હેતુ સાથે સાવચેતીના પગલાં હાથ ધર્યા છે. ખાસ કરીને પાકિસ્તાન સાથે જોડાયેલા જોખમો, પ્રાયોજિત હુમલાઓ શોધવા માટે સાયબરસ્પેસ સક્રિયપણે નજર રાખી રહ્યા છે. વધુમાં વેબસાઈટ હેકિંગના પ્રયાસોને ટાળવા માટે સુરક્ષા માળખાને મજબૂત બનાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાની હેકર્સ કર્યો દાવો
પાકિસ્તાન સાયબર ફોર્સ હેન્ડલને હવે બ્લોક કરી દેવામાં આવ્યું છે. તેણે આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડના વેબપેજના ફોટો પોસ્ટ કર્યા હતા, જ્યાં ભારતીય ટેન્કના ફોટો સાથે ચેડાં કરી પાકિસ્તાની ટેન્કથી બદલી દેવામાં આવ્યો હતો. હેન્ડલે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસની વેબસાઇટ પર 1,600 યુઝર્સના 10 જીબીથી વધુ ડેટાની ઍક્સેસ છે.