United Nations layoffs: અમેરિકા સહિત 41 દેશોએ ફંડ રોક્યા, યુનાઈટેડ નેશન્સે 14,000 કર્મચારીઓને કાઢવાનો નિર્ણય લીધો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

United Nations layoffs: ટ્રમ્પની આગેવાની હેઠળ અમેરિકાએ બધે મૂકેલા કાપની અસર હવે છેક યુનાઈટેડ નેશન્સ (યુએન) સુધી વર્તાઈ રહી છે. આજે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે યુએન તેના હાલના સ્ટાફમાં 20 ટકાનો (અંદાજે 14 હજાર લોકો)નો ઘટાડો કરવા મજબૂર બન્યુ છે. યુએનની ઓફિસો, એજન્સીઓ અને ઓપરેશન્સને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ જુન સુધીમાં 20 ટકા સ્ટાફની છટણી કરે.

ઉલ્લેખનીય છે કે યુએનમાં 22 ટકા જેટલો ફાળો આપતું અમેરિકા ટ્રમ્પની આગેવાનીમાં તેના હિસ્સાના ફંડની ચૂકવણી કરવામાં રીતસર ઠાગાકૈયા કરી રહ્યુ છે. જ્યારે ચીન પણ 20 ટકા જેટલો ફાળો યુએનમાં આપે છે. ગયા વર્ષે યુએનના 193 સભ્ય દેશોમાંથી 152 સભ્ય દેશોએ તેને સંપૂર્ણ ફંડ પૂરુ પાડ્યું હતું. પરંતુ અમેરિકા સહિત 41 દેશોએ તેમનો ફાળો આપ્યો ન હતો. જેથી યુએનના ફાળામાં 22 ટકા હિસ્સો ધરાવતા અમેરિકાએ યોગદાન ન આપતાં યુએનની કામગીરી પર માઠી અસર પડી રહી છે.

- Advertisement -

ટ્રમ્પે ફંડની સમીક્ષા કરવા આપ્યો હતો આદેશ

તેમાં પણ ટ્રમ્પે 4 ફેબ્રુઆરીના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવ્યું હતું કે યુએન સહિત તમામ આંતરરાષ્ટ્રીય સંગઠનોને આપવામાં આવતા ફંડની કે અમેરિકાની હિસ્સેદારીની આગામી 180 દિવસમાં સમીક્ષા કરવામાં આવે. યુએન કંટ્રોલર ચંદ્રમૌલી રામનાથને આ સ્ટાફ કટથી અસર પામનારી એજન્સીઓને જણાવ્યું હતું કે આ પ્રકારનો જોબ કટ યુએનના હાલના 3.72 અબજ ડોલરના બજેટમાં 12થી 20 ટકા ઘટાડો કરવાના એન્ટોનિયો ગુટેરસના લક્ષ્યાંકનો હિસ્સો છે. નોંધનીય છે, યુએન પહેલી વાર ફંડિંગની અછતનો સામનો કરી રહ્યું નથી, અગાઉ ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે.

- Advertisement -

અમેરિકાએ બંધ કર્યું ફંડિંગ

યુએનની વિવિધ એજન્સીઓના અધિકારીઓએ પણ કોઈને કોઈ રીતે મોટાપાયે છટણી હાથ ધરવાની યોજના બનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે મુખ્યત્વે અમેરિકાએ બંધ કરેલા ફંડિંગના કારણે આ સ્થિતિ આવી છે. અમેરિકા તેના હિસ્સાનું ફંડ આપી રહ્યું નથી. અમેરિકાનું આ પ્રકારનું વલણ જારી રહ્યું તો વ્યાપક પાયા પર ચાલતા સહાય કાર્યક્રમોને પણ અસર પહોંચવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ડબલ્યુફપીએ જણાવ્યું હતું કે તે 30 ટકા સુધી સ્ટાફ ઘટાડે તેમ મનાય છે. યુએન રેફ્યુજી એજન્સી યુએનએચસીઆરના વડાએ જણાવ્યું હતું કે તે હેડક્વાર્ટર અને રિજનલ ઓફિસના ખર્ચમાં 30 ટકા અને સીનિયર લેવલની પોઝિશનમાં 50 ટકા ઘટાડો કરે તેવી સંભાવના છે.

- Advertisement -
Share This Article