Bageshwar Dham Accident: બાગેશ્વર ધામમાં મંગળવારે (8 જુલાઈ) વહેલી સવારે એક ધર્મશાળાની દિવાલ પડવાના કારણે ઉત્તર પ્રદેશની એક મહિલા શ્રદ્ધાળુનું મોત નિપજ્યું હતું અને 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક પોલીસ અને તંત્રએ ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા અને મામલાની તપાસ શરૂ કરી દીધી. વળી, આ પહેલાં 3 જુલાઈએ પણ ધામ પરિસરના ટેન્ટમાં તૂટી જવાથી એક વડીલનું મોત નિપજ્યું હતું. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુરૂ પુર્ણિમા પર તમામ શ્રદ્ધાળુઓને ઘરે જ રહેવાની અપીલ કરી હતી.
ઈજાગ્રસ્તોના પરિવારે જણાવી ઘટના
ઈજાગ્રસ્તોના પરિજનોએ જણાવ્યું કે, તેઓ ધર્મશાળામાં સૂતા હતા, ત્યારે અચાનક દિવાલ તેમના ઉપર પડી. અધિકારીઓએ જણાવ્યું કે, દિવાલ પડવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ હાલ સ્થિર છે અને તેમની સારવાર શરૂ છે. તેમણે એવું પણ કહ્યું કે, મૃતકના પરિજનોને વળતર આપવામાં આવશે.
થોડા દિવસો પહેલાં ટેન્ટ તૂટ્યો હતો
આ પહેલાં 3 જુલાઈએ પણ બાગેશ્વર ધામ પરિસરમાં એક દુર્ઘટના બની હતી. 3 જુલાઈની સવારે આશરે 7 વાગ્યે આરતી બાદ બાગેશ્વર ધામ પરિસરમાં ટેન્ટ તૂટ્યો હતો. વરસાદથી બચવા માટે ટેન્ટની નીચે શ્રદ્ધાળુઓમાંથી એક વડીલના માથામાં લોખંડનું એન્ગલ પડવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં નાસભાગ મચવાથી 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ટેન્ટ નીચે દબાવાથી 20 લોકોના મોત
પ્રત્યક્ષદર્શી આર્યન કમલાપુરીએ જણાવ્યું હતું કે, અમે બધા સ્ટેજ પાસે ઊભા હતા. જોકે, વરસાદના કારણે પાણીથી બચવા અમે ટેન્ટમાં આવી ગયા. પાણી ભરાવાના કારણે ટેન્ટ નીચે પડી ગયો જેના કારણે નાસભાગ મચી ગઈ. ટેન્ટની નીચે આશરે 20 લોકો દબાઈ ગયા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીની સ્પષ્ટતા
આ અકસ્માત પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, કોઈએ ખોટા સમાચાર ફેલાવી દીધા કે, ત્રણ શેડ પડી ગયા, તેથી તે પોસ્ટ સવારથી વાઈરલ થઈ રહી છે. અમારા પંડાલથી દૂર જ્યાં જૂનો દરબાર લાગતો હતો, જ્યાં વરસાદના કારણે પૉલિથીનનો પંડાલ લગાવવામાં આવ્યો હતો, તેમાં પાણી ભરાઈ જવાના કારણે નીચે સૂતેલા ઉત્તર પ્રદેશના વ્યક્તિ અને અન્ય ભક્તોની ઉપર પડ્યો. એક સજ્જન વધુ ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા અને ત્યાં તેમનું મોત નિપજ્યું. બાકીના લોકોને સામાન્ય ઈજા થઈ હતી અને તમામ ધામ પણ આવી ગયા છે.