USA Texas Floods: અમેરિકામાં વરસાદી તાંડવ: ટેક્સાસમાં 28 બાળકો સહિત 100થી વધુના મોત, રાહત અને બચાવ યથાવત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

USA Texas Floods: અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં ચોથીથી છઠ્ઠી જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે 28 બાળકો સહિત 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઈમરજન્સી ટીમો પૂરી તાકાત સાથે બોટ અને હેલિકોપ્ટરની મદદથી સતત શોધ કરી રહી છે.

કેર કાઉન્ટીના અધિકારીઓના જણાવ્યાનુસાર, અસરગ્રસ્ત કેર કાઉન્ટીમાં કેમ્પ મિસ્ટિક અને અન્ય ઘણાં સમરના કેમ્પ છે. કેર કાઉન્ટીમાં શોધકર્તાઓને 28 બાળકો સહિત 84 લોકોના મૃતદેહ મળ્યા છે, જેના કારણે ટેક્સાસમાં મૃત્યુઆંક 104 થયો છે.

- Advertisement -

‘ટ્રમ્પ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ શકે છે’

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, ‘સ્થાનિક અને ફેડરલ હવામાન સેવાઓએ પૂર પહેલા કેર કાઉન્ટી સમુદાયને પૂરતી ચેતવણી આપી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયાના અંતમાં ટેક્સાસમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ શકે છે. પરંતુ આ સંદર્ભમાં હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.’

- Advertisement -

ટેક્સાસના ઇતિહાસની સૌથી ભયાવહ તારાજી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેક્સાસના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું ભયાનક પૂર આવ્યું છે. મૃત્યુઆંક 104 થયો છે. જેમાં 28 બાળકો પણ સામેલ છે. ટેક્સાસમાં મિસ્ટિક સમર કેમ્પમાં આવેલી 10 બાળકીઓ સહિત 41 જણ ગુમ છે. વહીવટી તંત્ર તમામની શોધ અને બચાવ કામગીરી કરી રહ્યું છે. આ કેમ્પમાં 750 બાળકીઓએ ભાગ લીધો હતો. જેમાં ઘણી પૂરમાં તણાઈ ગઈ છે. હજી પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. જેથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.

- Advertisement -

ચાર કલાકમાં ચાર મહિનાનો વરસાદ

અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ, ટેક્સાસના હિલ કન્ટ્રી અને એડવર્ડ્સ પ્લેટુ પ્રદેશોમાં માત્ર ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો હતો. એવો અંદાજ છે કે શુક્રવારે આ વિસ્તારમાં લગભગ 1.8 લાખ કરોડ ગેલન વરસાદ પડ્યો હતો. કેર કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં 10થી 15 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે રાષ્ટ્રીય હવામાન સેવાએ 8 ઇંચ વરસાદનો અંદાજ લગાવ્યો હતો. આ ભારે વરસાદને કારણે, ગુઆડાલુપ નદીનું સ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ સુધી વધ્યું હતું. જેના લીધે પૂરની તારાજી સર્જાઈ હતી. વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે,1700થી વધુ ટીમો તહેનાત કરવામાં આવી છે. લગભગ 850 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Share This Article