Zelensky India Visit: પુતિન પછી ઝેલેન્સ્કી આવશે ભારત પ્રવાસ, અમેરિકાની નીતિઓને મળશે પડકાર?

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Zelensky India Visit: ભારત અને રશિયાની મિત્રતા જગજાહેર છે. જ્યારે-જ્યારે અમેરિકાએ ભારતને આંખો બતાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે-ત્યારે રશિયા પોતાના મિત્ર દેશ સાથે મજબૂતીથી ઊભું રહે છે. રશિયા સાથે યુદ્દ લડી રહેલા યુક્રેન સાથે પણ ભારતનો સંબંધ સંતુલિત છે. કારણ સ્પષ્ટ છે કે, ભારત શરૂઆતથી જ કહે છે કે તે તટસ્થ છે. આ વર્ષના અંતે રશિયન પ્રમુખ પુતિન ભારત આવશે. વળી, ભારતમાં પણ યુક્રેનના રાજદૂતે ઝેલેન્સ્કીની ભારત મુલાકાતનો સંદેશ આપ્યો છે.

વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કીને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું

- Advertisement -

શનિવારે (23 ઓગસ્ટ) ભારત અને યુક્રેન વચ્ચેના સંબંધોનું એક નવું ચિત્ર જોવા મળ્યું. યુક્રેનના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દિલ્હીના કુતુબ મિનારને યુક્રેનના ધ્વજના રંગોથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકે કહ્યું કે, ભારત અને યુક્રેન વચ્ચે ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારી તરફ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે અને બંને પક્ષો હાલ તારીખ નક્કી કરવા પર કામ કરી રહ્યા છે. પ્રમુખ ઝેલેન્સકીની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો માટે એક મોટી સિદ્ધિ હશે.’

વર્ષના અંતે પુતિન પણ કરશે મુલાકાત

- Advertisement -

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત અંગે પણ ઘણી ચર્ચા થઈ રહી છે. થોડા અઠવાડિયા પહેલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પુષ્ટિ કરી હતી કે, પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત કરશે. રશિયન સમાચાર એજન્સી ઇન્ટરફેક્સે તેના અહેવાલમાં સુધારો કર્યો છે અને કહ્યું કે, પુતિનની ભારત મુલાકાત 2025ના અંતમાં થશે. પુતિનની મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર નારાજગી વ્યક્ત કરી છે અને ભારત પર ટેરિફમાં 50% વધારો કર્યો છે. ભારતે ટ્રમ્પના આ પગલાને ‘અતાર્કિક’ ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય અન્યાયી, બિનજરૂરી અને અતાર્કિક છે.’

‘પીછેહઠ નહીં કરે ભારત’

- Advertisement -

વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે (23 ઓગસ્ટ) સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે સંભવિત વેપાર કરાર પરની વાટાઘાટોમાં ભારત તેની શરતોથી પાછળ નહીં હટે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સરકાર ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા માટે કોઈપણ કિંમતે ઊભી રહેશે અને કોઈપણ પ્રકારનો કરાર તેમના નુકસાનમાં નહીં રહે.

જયશંકરે એક કાર્યક્રમમાં કહ્યું કે, હાલમાં ભારત-અમેરિકા સંબંધો સામે ત્રણ મોટા પડકારો છે. વેપાર અને ટેરિફનો મુદ્દો, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી અને પાકિસ્તાન સંબંધિત બાબતોમાં વોશિંગ્ટનનો હસ્તક્ષેપ.

આવો પ્રમુખ પહેલાં ક્યાંય નથી જોયો

તેમણે કહ્યું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ શૈલી અગાઉના અમેરિકન પ્રમુખો કરતા સંપૂર્ણપણે અલગ છે. જયશંકરના મતે, ‘દુનિયાએ ક્યારેય કોઈ અમેરિકન પ્રમુખ જોયો નથી જે આટલી ખુલ્લેઆમ અને જાહેરમાં વિદેશ નીતિનું સંચાલન કરે છે. આ પરિવર્તન ફક્ત ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ આખું વિશ્વ તેનો સામનો કરી રહ્યું છે.’

Share This Article