Trump Military Deployment USA: વોશિંગ્ટન બાદ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈલિનોઈસના સૌથી મોટા શહેર શિકાગો પર નિયંત્રણ મેળવવાની તૈયારી કરી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે પેન્ટાગોન છેલ્લા કેટલાક અઠવાડિયાથી શિકાગો માટે મિલિટ્રી ડિપ્લોયમેન્ટ પ્લાન પર કામ કરી રહ્યું છે. આ યોજના હેઠળ, ગુના, ગેરકાયદેસર ઈમિગ્રેશન અને હોમલેસનેસ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
શિકાગો યુએસનું ત્રીજું સૌથી મોટું શહેર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બરથી જ શિકાગોમાં હજારો નેશનલ ગાર્ડ્સ તહેનાત કરવામાં આવી શકે છે. ટ્રમ્પે શુક્રવારે પોતે આનો સંકેત આપતા કહ્યું હતું કે, શિકાગોમાં ગડબડ ચાલી રહી છે. તમારી પાસે એક અયોગ્ય મેયર છે. ખૂબ જ અયોગ્ય અને અમે કદાચ આગલી વખતે તેને ઠીક કરી દઈશું. તે એટલું મુશ્કેલ પણ નહીં હશે. શિકાગો યુએસનું ત્રીજું સૌથી મોટું શહેર છે, જે ઇલિનોઈસ રાજ્યમાં સ્થિત છે.
શિકાગોમાં લશ્કરી હસ્તક્ષેપ લાંબા સમયથી પ્લાનિંગમાં
અધિકારીઓનો હવાલો આપતા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, શિકાગોમાં લશ્કરી હસ્તક્ષેપ લાંબા સમયથી પ્લાનિંગમાં હતો અને તેને ICE ઓપરેશન્સ સાથે જોડવામાં આવી રહ્યો છે, જે હેઠળ શહેરમાં રહેતા દસ્તાવેજ વિના રહેતા ઈમિગ્રન્ટ્સની તલાશ કરવામાં આવશે અને તેમને ડિપોર્ટ કરવામાં આવશે. જોકે, ટ્રમ્પના આ નિવેદનની ટીકા પણ ખૂબ થઈ રહી છે. ઈલિનોઇસના ગવર્નર જેબી પ્રિટ્ઝકરે પ્રમુખ પર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
રાજ્યો અને શહેરો પર કબજો કરવાની યોજના
ઈલિનોઈસના ગવર્નરે કહ્યું કે, ‘લોસ એન્જલસ અને વોશિંગ્ટનને પોતાની સત્તાવાદી નીતિઓ માટે ટેસ્ટિંગ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કર્યા બાદ ટ્રમ્પ હવે ખુલ્લેઆમ અન્ય રાજ્યો અને શહેરો પર કબજો કરવાની યોજના બનાવી રહ્યા છે. પ્રિટ્ઝકરના મતે ટ્રમ્પનો ઉદ્દેશ્ય સમુદાયોમાં ભય ફેલાવવાનો અને પબ્લિક સેફ્ટી સિસ્ટમને ડિસ્ટેબલાઈઝ કરવાનો છે, જેથી તેઓ સત્તાનો વધુ દુરુપયોગ કરી શકે.’
શિકાગોના મેયરે ગંભીર ચિંતા વ્યક્ત કરી
શિકાગોના મેયર બ્રેન્ડન જોનસને પણ ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પ્રમુખના અપ્રોચમાં સમસ્યા એ છે કે તે કોઓર્ડિનેશન વિના, બિનજરૂરી અને અસંતુલિત છે.જોકે, અહેવાલમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શિકાગોના અધિકારીઓએ ટ્રમ્પની ચેતવણીને ગંભીરતાથી લીધી છે, પરંતુ ફેડરલ સરકારે, એટલે કે ટ્રમ્પના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ ઔપચારિક વાતચીત નથી કરી. ગવર્નરના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, અત્યાર સુધી ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગવર્નર ઓફિસ સાથે કોઈ કોઓર્ડિનેશન કરવામાં નથી આવ્યું.
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે Home Rule Actનો ઉપયોગ કરીને વોશિંગ્ટન ડીસી પોલીસ ડિપાર્ટમેન્ટને સીધા ફેડરલ કંટ્રોલમાં લઈ લીધો હતો. ત્યારબાદ રાજધાનીમાં લગભગ 2,000 નેશનલ ગાર્ડ્સ તહેનાત કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે આ પગલાને ‘લિબરેશન ડે’ ગણાવ્યો હતો.