Donald Trump new hat controversy: અમેરિકાના રાજકારણમાં ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા ચર્ચામાં રહે છે, ક્યારેક પોતાના નિવેદનોના કારણે તો ક્યારેક પોતાના નિર્ણયોના લીધે. હાલ તેઓ પોતાની ટોપીના કારણે ચર્ચામાં છે. તેમની લાલ રંગની ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ ટોપી ચર્ચાનો વિષય બની છે. ટ્રમ્પની આ નવી ટોપી તેના પર લખેલા સંદેશના લીધે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
ટોપી પર લખ્યો છે આ સંદેશ
નવી લાલ ટોપી પર મોટા અક્ષરોમાં લખ્યું છે કે, ‘Trump Was Right About Everything’ અર્થાત ‘ટ્રમ્પ દરેક બાબત પર સાચા હતા’ 22 ઓગસ્ટ, 2025ના રોજ ટ્રમ્પે આ ટોપી પહેરી 2026 ફીફા વર્લ્ડ કપની જાહેરાત કરી હતી. ટોપી પર લખાયેલા આ સંદેશ પર લોકો અનેક તર્ક-વિતર્ક આપી રહ્યા છે. આ સિવાય ટોપી પર ‘Trump 2028’ લખ્યું હતું. જે ટ્રમ્પની ફરી એકવાર પ્રમુખ બનવાની ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ટ્રમ્પે ટોપી મારફત આપ્યો રાજકીય સંદેશ
ટ્રમ્પની ટોપીમાં ‘ટ્રમ્પ 2028’ મેસેજ એક ફેશન સ્ટેટમેન્ટ નહીં, પણ સીધો રાજકીય સંદેશ આપી રહ્યો છે. ટ્રમ્પ 2028માં પ્રમુખની ચૂંટણી માટે ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી શકે છે. તેઓ હાલ પોતાના કાર્યકાળ દરમિયાન અમેરિકાના બંધારણમાં 22મો સુધારો કરી શકે છે. જે કોઈપણ વ્યક્તિને બેથી વધુ વખત પ્રમુખ બનતાં અટકાવે છે.
વૈશ્વિક સ્તરે મજાકનો વિષય બન્યા ટ્રમ્પ
અમેરિકામાં ટ્રમ્પની આ ઈચ્છા અને વર્તમાન નિર્ણયોની ભારે ટીકા થઈ રહી છે. એક અમેરિકને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, વિશ્વના નેતાઓ સમક્ષ ટ્રમ્પની મેડ ઈન ચાઈના ટોપીઓનું પ્રદર્શન હાસ્યજનક છે. તે હવે વૈશ્વિક સ્તરે મજાકનું કારણ બન્યા છે. આ ટોપીએ રાજકારણમાં ચર્ચાનો નવો દોર શરૂ કર્યો છે. એક સર્વે અનુસાર, 49 ટકા રિપબ્લિક સમર્થન માને છે કે, ટ્રમ્પ ત્રીજા કાર્યકાળ માટે યોગ્ય છે. જ્યારે ડેમોક્રેટ્સ તેને ગેરબંધારણીય ગણાવી વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પની આ નવી ટોપી હવે માત્ર કપડાંનો ટુકડો નથી રહી, પણ રાજકારણનું નવુ હથિયાર બની છે. તેમના બ્રાન્ડની ઓળખ બની છે. તેમના સમર્થકોમાં ટોપીના મેસેજને લઈને ઉત્સાહ છે. જ્યારે અન્ય વિરોધીઓ માટે માથાનો દુઃખાવો બન્યો છે.