Satluj river floods Pakistan Punjab: ભારત દ્વારા સતલુજ નદીમાં પાણી છોડાતાં પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનના પંજાબમાં આવેલા બહાવલનગર શહેરમાં પૂરના કારણે જનજીવન ખોરવાયુ હતું. તેમજ હજારો એકરમાં ઉભો પાક નષ્ટ પામ્યો હતો. જેમાં બે લોકો પૂરમાં તણાઈ ગયા હોવાના પણ અહેવાલ છે. બાબા ફરિદ બ્રિજ અને ભુકન પાટણ નજીક સ્થિત ગામડાંઓમાં આવેલા પૂરમાંથી 1122 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 928 લોકો અને હજારો પશુઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં આ ચોમાસામાં વરસાદ અને પૂરના કારણે અત્યારસુધી 788 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખૈબર પખ્તૂનખ્વા, POK, અને પંજાબમાં પૂરના કારણે વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચિનાબ અને સિંધુ નદીઓમાં પૂરનું જોખમ વધ્યું છે. જ્યારે ગંદાસિંહવાલામાં સતલુજ નદીમાં ભારતે પાણી છોડતાં પૂર આવ્યું છે.
ગામડાંઓ પૂરમાં તણાયા
સતલુજ નદીમાં પાણીનો પ્રવાહ વધતાં નીચાણવાળા ગામડાંઓ પૂરમાં તણાયા છે. બાબા ફરિદ બ્રિજ અને ભુકન પાટણની નજીક ગામડાઓમાં પાણી ફરી વળતાં લોકોને સુરક્ષિત બહાર કાઢવા બચાવ કામગીરી હાથ ધરાઈ છે. સ્થાનિક વહીવટી તંત્રે જણાવ્યું હતું કે, આગામી 48 કલાકમાં ગંદાસિંહ વાલામાં પૂરની આશંકા છે. સતલુજ નદીમાં જળ સ્તર 21 ફૂટથી વધ્યું છે. જળ પ્રવાહ 1,30,000 ક્યુસેકથી વધ્યો છે. જેનાથી રાવી અને ચિનાબ નદી પણ ગાંડીતૂર બની છે. મૂશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ વણસી શકે છે.
ભારતના કારણે પાકિસ્તાનમાં પૂર
પાકિસ્તાન મીડિયાએ ભારતથી ચિનાબની સહાયક નદી તવીમાં પાણીનું સ્તર વધતાં પૂર આવ્યું હોવાનો દાવો કર્યો છે. જેનાથી ગુજરાત, મંડી બહાઉદ્દીન, ચિનિઓત, અને ઝંગ સહિત ક્ષેત્રના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. પાકિસ્તાનના પૂર આયોગે ચેતવણી આપી છે કે, ચિનાબ અને સિંધુ નદીઓમાં મંગળવાર સુધી પૂર આવી શકે છે. ભારતે પાકિસ્તાનને પૂર અંગે જાણકારી આપી હતી. ભારતે પાકિસ્તાનને કહ્યું હતું કે, તવી નદીમાં સંભવિત ભીષણ પૂરની સંભાવના છે. આ નદી જમ્મુથઈ પાકિસ્તાનના પંજાબમાં પ્રવેશ કરે છે. આ સૂચનાના આધારે પાકિસ્તાનના અધિકારીઓએ પોતાના લોકોને પૂર વિશે ચેતવણી આપી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.