Indian Railways ticket reschedule: ભારતીય રેલવે પ્રવાસીઓ માટે એક મોટો સુધાર લઈને આવી રહ્યું છે, જેના કારણે હવે કન્ફર્મ રેલવે ટિકિટની તારીખ બદલવાની સુવિધા મળી રહેશે. આ ફેરફારનો સૌથી મોટો ફાયદોએ છે કે ટિકિટની તારીખ બદલવાથી પ્રવાસીઓ પાસેથી કેન્સલેશન ચાર્જ લેવામાં આવશે નહીં.
એટલે કે, જો કોઈ કારણસર તમારી 20 નવેમ્બરની અમદાવાદની કન્ફર્મ ટિકિટનો પ્રવાસ 5 દિવસ લંબાય, તો નવી ટિકિટ બુક કરાવવાની જરૂર નથી. તમે 20 નવેમ્બરની તમારી કન્ફર્મ ટિકિટને ઓનલાઈન રિ-શેડ્યુલ કરીને 25 નવેમ્બરના રોજ અમદાવાદ જઈ શકશો.
વર્તમાન વ્યવસ્થામાં ટૂર પ્લાન બદલાતા તમારે તમારી ટિકિટ રદ કરાવવી પડે છે અને પછી મુસાફરીની આગામી તારીખ માટે નવેસરથી ટિકિટ બુક કરાવવી પડે છે. આમાં, ટિકિટ રદ કરાવવાના પૈસા કપાઈ જાય છે. સાથે જ, આગામી તારીખે કન્ફર્મ ટિકિટ મળી જ જાય તેની પણ કોઈ ગેરંટી હોતી નથી.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
ભારતીય રેલવે કન્ફર્મ ટિકિટની રિ-શેડ્યુલિંગ (મુસાફરીની તારીખ બદલવા) માટે મોટો ફેરફાર કરી રહ્યું છે, જેનાથી પ્રવાસીઓને મોટી રાહત મળશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, હવે કન્ફર્મ ટિકિટની મુસાફરીની તારીખ ઓનલાઈન બદલવા પર પૈસા કપાશે નહીં કે કોઈ ચાર્જ લાગશે નહીં.
વર્તમાન વ્યવસ્થા યોગ્ય ન હોવાનું સ્વીકારતા તેમણે કહ્યું કે, હાલમાં ટિકિટ રદ કરીને તારીખ બદલવી પડે છે, જેમાં પ્રવાસીઓના ઘણા પૈસા કપાઈ જાય છે. આથી પ્રવાસીઓના હિતમાં આ ફેરફારો કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
જાન્યુઆરી મહિનાથી નવો નિયમ લાગુ
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાહેરાત કરી કે જાન્યુઆરી 2026થી ઓનલાઈન ટિકિટની મુસાફરીની તારીખ બદલી શકાશે. જોકે, તારીખ બદલવા છતાં કન્ફર્મ ટિકિટના બદલે કન્ફર્મ ટિકિટ મળવાની ગેરંટી નહીં હોય. ટિકિટ ઉપલબ્ધતાના આધારે મળશે. જો નવા પ્રવાસના ભાડામાં કોઈ તફાવત હશે, તો તે રકમ પ્રવાસીએ ચૂકવવી પડશે. આ નિર્ણય લાખો પ્રવાસીઓને મોટી રાહત આપશે, જેઓ હાલમાં તારીખ બદલવા બદલ મોટી કેન્સલેશન ફી ચૂકવે છે.