Supreme Court cough syrup deaths PIL: સુપ્રીમ કોર્ટે શુક્રવારે (10મી ઑક્ટોબર) મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી બાળકોના થયેલા કથિત મૃત્યુના મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL)ને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે હાલની રાજ્ય ડ્રગ્સ સેફ્ટી સિસ્ટમ્સ આવા કેસોનો સામનો કરવા માટે પૂરતી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ, ન્યાયાધીશ ઉજ્જલ ભૂયાન અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચે આ પીઆઈએલ પર સુનાવણી હાથ ધરી હતી.
સોલિસિટર જનરલના વાંધા બાદ અરજી રદ
આ પીઆઈએલ એડવોકેટ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં સીબીઆઈ તપાસ ઉપરાંત ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના વેચાણ અને ગુણવત્તા પર રાષ્ટ્રવ્યાપી કડક દેખરેખ રાખવાની માંગ કરવામાં આવી હતી. બેન્ચે શરૂઆતમાં અરજી પર નોટિસ જાહેર કરવાનું વિચાર્યું હતું, પરંતુ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉઠાવેલા વાંધાઓ સાંભળ્યા બાદ અરજીને ફગાવી દેવાનો નિર્ણય લીધો હતો.
સોલિસિટર જનરલે કોર્ટમાં દલીલ કરી હતી કે, ‘અરજદારે કોઈ નક્કર આધાર વિના, ફક્ત મીડિયા રિપોર્ટ્સના આધારે કેસ દાખલ કર્યો છે… તમિલનાડુ અને મધ્ય પ્રદેશે આ મામલે ગંભીર વલણ અપનાવ્યું છે, જેને ઓછું આંકી શકાય નહીં.’
અરજદાર દ્વારા અગાઉ પણ 8-10 જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી હોવાનું ધ્યાનમાં લીધા બાદ બેન્ચે આ અરજીને રદ કરી દીધી હતી.
પશ્ચિમ બંગાળમાં ‘કોલ્ડ્રિફ’ સિરપ પર પ્રતિબંધ
આ ગંભીર ઘટના બાદ પશ્ચિમ બંગાળમાં પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન (BCDA) એ રાજ્યમાં ‘કોલ્ડ્રિફ કફ સિરપ’ના વેચાણ અને ખરીદીને તાત્કાલિક ધોરણે રોકવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચના ગુરુવારે તમામ છૂટક અને જથ્થાબંધ દવા વિક્રેતાઓને જાહેર કરવામાં આવી હતી.
કફ સિરપથી મૃત્યુનો મામલો શું છે?
આ સમગ્ર વિવાદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે ‘કોલ્ડ્રિફ’ સિરપના સેવનથી બાળકોના થયેલા મૃત્યુ સાથે જોડાયેલો છે. મધ્ય પ્રદેશના છિંદવાડાના પારસિયામાં ‘કોલ્ડ્રિફ’ સિરપ પીવાથી 20 બાળકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે રાજસ્થાનમાં પણ આ સિરપના કારણે ત્રણ બાળકોના મોત થયા છે. પ્રથમ મૃત્યુ ચોથી સપ્ટેમ્બરના રોજ થયા હતા, જેમાં બાળકોનું મૃત્યુ કિડની ફેલ્યોરને કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું.

