Career options in medicine after 12th: NEET વિના મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટેના શ્રેષ્ઠ કોર્સ, જાણો સંપૂર્ણ યાદી

Arati Parmar
By Arati Parmar 5 Min Read

Career options in medicine after 12th: જો તમે પણ 12મા ધોરણ પછી મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતા હોવ, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. જોકે NEET (UG) પાસ કરવું અને MBBS કરવું એ મોટાભાગના વિદ્યાર્થીઓનું લક્ષ્ય છે, પરંતુ તે એકમાત્ર વિકલ્પ નથી. દર વર્ષે, લાખો વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપે છે, પરંતુ ફક્ત થોડા જ સફળ થાય છે. જે લોકો NEET પાસ નથી કરી શકતા, પરંતુ હજુ પણ મેડિકલ ક્ષેત્રમાં કામ કરવા માંગે છે, તેમના માટે NEET વિના ઘણા ઉત્તમ કોર્સ ઉપલબ્ધ છે, જે તેમને વધુ સારી કારકિર્દી બનાવવાની તક આપે છે. ચાલો જાણીએ કે મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે કયા કોર્સ ઉપલબ્ધ છે.

NEET પાસ કર્યા પછી મેડિકલ કોર્ષ

MBBS

MBBS કરવા માટે, ઉમેદવારોએ NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પાસ કરવી આવશ્યક છે. આ કોર્ષ લગભગ 5.5 વર્ષ ચાલે છે, જેમાં 4.5 વર્ષનો અભ્યાસ અને 1 વર્ષની ઈન્ટર્નશિપનો સમાવેશ થાય છે. MBBS પૂર્ણ કર્યા પછી, તમે ડોક્ટર બની શકો છો અને સર્જન અથવા મેડિકલ રિસર્ચર જેવા કારકિર્દી વિકલ્પો પણ અપનાવી શકો છો.

BDS (બેચલર ઓફ ડેન્ટલ સર્જરી)

BDS કોર્સ માટે NEET પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આ કોર્સ કુલ 5 વર્ષ ચાલે છે, જેમાં 4 વર્ષનો શૈક્ષણિક અભ્યાસ અને 1 વર્ષની ઈન્ટર્નશિપનો સમાવેશ થાય છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી, ઉમેદવારો પ્રોફેશનલ ડેન્ટીસ્ટ તરીકે કામ કરી શકે છે.

BMS

આ એક ગ્રેજ્યુએશન લેવલનો પ્રોફેશનલ કોર્સ છે જે આયુર્વેદિક દવા અને સર્જરીના ક્ષેત્રોમાં ઉમેદવારોને તાલીમ આપે છે. તે લગભગ 5.5 વર્ષ (4.5 વર્ષનો શૈક્ષણિક અભ્યાસ + 1 વર્ષની ઈન્ટર્નશિપ) ચાલે છે. આ કોર્સ માટે 12મા ધોરણ સાયન્સ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી) સાથે પાસ કરેલું હોવું જોઈએ. ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રવેશ માટે NEET પરીક્ષા જરૂરી છે.

NEET પાસ કર્યા વિના મેડિકલ કોર્ષ

નર્સિંગ

નર્સ બનવા માટે, તમારે નર્સિંગ કોલેજમાંથી ANM અથવા GNM કોર્સ પૂર્ણ કરવો આવશ્યક છે. ANM (Auxiliary Nurse Midwife) એ 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ છે જે સહાયક નર્સ અને મિડવાઇફ બનવા માટે તાલીમ પૂરી પાડે છે. આ કોર્સ માટે આર્ટ્સ અથવા સાયન્સ સાથે 12 પાસ હોવું જરૂરી છે. GNM (General Nursing and Midwifery) એ 3.5 વર્ષનો ડિપ્લોમા કોર્સ છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી, તમે હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરી શકો છો. આ કોર્સ માટે આર્ટ્સ અથવા સાયન્સ સાથે 12 પાસ હોવું જરૂરી છે, અને અંગ્રેજીમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ હોવા જરૂરી છે.

B.Sc. મેડિકલ લેબ ટેકનોલોજી (MLT)

B.Sc. MLT એ ગ્રેજ્યુએટ-લેવલનો કોર્સ છે જે વિદ્યાર્થીઓને મેડિકલ લેબમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ અને લેબોરેટરી ટેકનિકમાં તાલીમ આપે છે. આ કોર્સનો સમયગાળો આશરે 3 વર્ષનો છે. તેમાં સાયન્સ (ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી) માં 12મું ધોરણ પાસ કરવું જરૂરી છે. કેટલીક કોલેજો પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓ લે છે, જ્યારે અન્ય મેરિટના આધારે પ્રવેશ આપે છે.

ફાર્મસી

ફાર્મસીમાં ડ્રગ સેફ્ટી, ડ્રગ ડિસ્કવરી, મેડિકલ કેમિસ્ટ્રી, ઈન્ડસ્ટ્રિયલ ફાર્મસી અને અન્ય વિષયોના કોર્સ ઓફર કરવામાં આવે છે. ફાર્માસિસ્ટ બનવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે, 12મા ધોરણ પછી B.Pharmacy પ્રોગ્રામ એક આશાસ્પદ વિકલ્પ છે. આ પ્રોગ્રામમાં પ્રવેશ માટે NEETની પરીક્ષાની જરૂર નથી. તે વિદ્યાર્થીઓને દવાઓની રચના, ઉત્પાદન, ઉપયોગ અને સલામતી વિશે મૂળભૂત જ્ઞાન પ્રદાન કરે છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી, ઉમેદવારો કેમિકલ ટેકનિશિયન, ડ્રગ ઈન્સ્પેક્ટર, હેલ્થ ઈન્સ્પેક્ટર અથવા ફાર્માસિસ્ટ જેવા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ માટે B.Pharmacy ઉપલબ્ધ છે.

ફિઝીયોથેરાપી

ફિઝીયોથેરાપી એ મેડિકલ સાયન્સનું એક ક્ષેત્ર છે જે ગરમી, વીજળી, યાંત્રિક દબાણ અને સ્નાયુઓના તણાવ જેવા શારીરિક બળોનો ઉપયોગ કરીને બીમારીઓની સારવાર કરે છે. NEETની પરીક્ષા આપ્યા વિના આ એક સારો કારકિર્દી વિકલ્પ માનવામાં આવે છે. બેચલર ઓફ ફિઝીયોથેરાપી એક ગ્રેજ્યુએશન પ્રોગ્રામ છે, BPT પૂર્ણ કરવાથી ઉમેદવારો માટે ઘણા કારકિર્દી વિકલ્પો ખુલે છે.

વેટરનરી ડોક્ટર

પશુચિકિત્સા વિજ્ઞાન પ્રાણીઓના રોગોની સારવાર સાથે જોડાયેલ છે. પશુ આરોગ્ય અને સારવારમાં કારકિર્દી બનાવવામાં રસ ધરાવતા ઉમેદવારો 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી બેચલર ઓફ વેટરનરી સાયન્સનો કોર્સ કરી શકે છે. આ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ 5.5 વર્ષ ચાલે છે, જેમાં છેલ્લા છ મહિના માટે ઈન્ટર્નશિપ જરૂરી હોય છે. B.V.Sc. પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓ વેટરનરી સાયન્સના ડોક્ટર બને છે. પછી તેઓ વિવિધ ક્ષેત્રોમાં કામ કરી શકે છે.

સાયકોલોજી

સાયકોલોજી એ મન અને વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. આ કોર્ષમાં માનવ વિકાસ, રમતગમત, આરોગ્ય, ક્લિનિકલ અને સામાજિક વર્તણૂક જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ઉમેદવારો NEET વગર 12મા ધોરણ પછી સાયકોલોજીમાં બીએ ઓનર્સનો અભ્યાસ કરી શકે છે. તે ત્રણ વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી છે. આ પછી, ઉમેદવારો સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં સરળતાથી નોકરી મેળવી શકે છે.

Share This Article