H-1B visa fee hike USA: અમેરિકાએ H-1B વિઝા ફી વધારી, નવા અરજદારોને હવે 88 લાખ ચૂકવવા પડશે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

H-1B visa fee hike USA: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ‘ટેરિફ બોમ્બ’ બાદ હવે ભારતીયો પર H-1B ‘વિઝા બોમ્બ’ પણ ફૂટ્યો છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વીઝા પર લાદવામાં આવેલી એક લાખ ડોલર (આશરે 88 લાખ રૂપિયા)ની જંગી ફી આજથી, એટલે કે મંગળવાર, 21 ઓક્ટોબરથી લાગુ થઈ ગઈ છે. આ નિર્ણયની સૌથી મોટી અસર ભારતીયો પર થશે, કારણ કે લગભગ 70 ટકા H-1B વીઝા ભારતીય પ્રોફેશનલ્સને જ મળે છે.

કોને ચૂકવવી પડશે 88 લાખની ફી? 

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર, આ નવી ફી એવા લોકો માટેની નવી H-1B અરજીઓ પર લાગુ થશે જેઓ હાલમાં અમેરિકાની બહાર છે અને જેમની પાસે માન્ય H-1B વીઝા નથી. આ ઉપરાંત, જે કર્મચારીઓ માટે અરજી કરવામાં આવી હોય અને નિર્ણય આવે તે પહેલાં તેમને અમેરિકા છોડવું પડે, તેમને પણ આ ફી ચૂકવવી પડશે.

- Advertisement -

કોને સૌથી મોટી રાહત? 

અમેરિકામાં રહેતા ભારતીયોને મોટી રાહત આ માર્ગદર્શિકામાં સૌથી મોટી રાહત એવા લોકોને આપવામાં આવી છે જેઓ પહેલેથી જ અમેરિકામાં હાજર છે. USCIS એ સ્પષ્ટ કર્યું છે કે આ જંગી ફી “સ્ટેટસમાં ફેરફાર” (Change of Status) પર લાગુ નહીં થાય. આનો અર્થ એ છે કે જે વિદ્યાર્થીઓ F-1 (સ્ટુડન્ટ વીઝા) પરથી H-1B સ્ટેટસમાં બદલી રહ્યા છે અથવા જે હાલના H-1B ધારકો પોતાના વીઝાનું વિસ્તરણ (Extension) કરાવી રહ્યા છે, તેમને આ 88 લાખ રૂપિયાની ફી ચૂકવવી પડશે નહીં. આ સ્પષ્ટતાથી અમેરિકામાં અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને ત્યાં કામ કરતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

USCIS શું સ્વીકાર્યું?  

સરકારી શટડાઉનની અસર USCIS એ સ્વીકાર્યું છે કે અમેરિકામાં ચાલી રહેલા સરકારી શટડાઉનને કારણે અરજદારોને જરૂરી દસ્તાવેજો મેળવવામાં વિલંબ થઈ શકે છે. એજન્સીએ કહ્યું છે કે જો કોઈ અરજદાર સાબિત કરી શકે કે માત્ર શટડાઉનને કારણે જ તે સમયસર અરજી દાખલ કરી શક્યો નથી, તો તેને “અસાધારણ પરિસ્થિતિ” ગણીને માફી આપવા પર વિચારણા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે H-1B વીઝાની નિયમિત 65000 અને માસ્ટર્સ કેપની 20000ની મર્યાદા માટેની અરજીઓ પહેલેથી જ પ્રાપ્ત થઈ ચૂકી છે. આથી, આ નવો નિયમ આગામી વીઝા સીઝન પર મોટી અસર કરશે.

Share This Article