India outward remittance decline: વિદેશમાં શિક્ષણ પાછળના ખર્ચમાં ઘટાડો તથા આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઘટી જતા ભારતમાંથી વિદેશમાં રેમિટેન્સ વર્તમાન વર્ષના ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે ૧૭.૭૦ ટકા ઘટી ૨.૬૦ અબજ ડોલર રહ્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની લિબરલાઈઝડ રેમિટેન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળના આઉટવર્ડ રેમિટેન્સમાં આ ઘટાડો જોવા મળ્યો છે.
અમેરિકામાં વિઝા પર મર્યાદાઓને કારણે વર્તમાન વર્ષમાં ભારત ખાતેથી અમેરિકાની યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા ડેટા પ્રમાણે, ઓગસ્ટ ૨૦૨૪માં રેમિટેન્સની રકમ ૩.૨૧ અબજ ડોલર રહી હતી. પરવાનગી પાત્ર કરન્ટ અથવા કેપિટલ એકાઉન્ટ ટ્રાન્ઝકશન્સ માટે એલઆરએસ હેઠળ એક નાણાં વર્ષમાં રેસિડેન્ટ ભારતીય ૨.૫૦ લાખ ડોલર રેમિટ કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસ પેટે આઉટવર્ડ રેમિટેન્સની માત્રા વાર્ષિક ધોરણે ૧૯.૬૦ ટકા ઘટી ૧.૬૨ અબજ ડોલર રહી છે, જ્યારે શિક્ષણ માટેનો આઉટફલોસ ૨૩.૪૦ ટકા ઘટી ૩૧.૯૧ કરોડ ડોલર રહ્યો છે. ગયા વર્ષના ઓગસ્ટમાં આ આંક ૪૧.૬૪ કરોડ ડોલર રહ્યો હતો.
વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં એકંદર આઉટવર્ડ રેમિટેન્સ ૧૨.૦૨ અબજ ડોલર રહ્યુ હતું જે વાર્ષિક ધોરણે ૬.૫૦ ટકા ઓછું છે.