RBI UDGAM Portal: અવારનવાર લોકો જૂના બેંક એકાઉન્ટને સમય જતાં ભૂલી જાય છે. ક્યારેક નોકરી બદલાઈ, ક્યારેક શહેર બદલાયું, તો ક્યારેક નવું એકાઉન્ટ ખુલી ગયું અને જૂનું છૂટી ગયું. પરંતુ જે પૈસા તે ખાતામાં હતા, તે ત્યાં જ સુરક્ષિત રહે છે. હવે RBI આવા જ ભૂલી ગયેલા ખાતાઓ વિશે લોકોને જાગૃત કરી રહ્યું છે.
જો તમને પણ એવું લાગતું હોય કે તમારા કોઈ ખાતામાં અનક્લેમ્ડ (બિનવારસી) પૈસા પડ્યા છે, તો તમે તે પૈસા પાછા મેળવી શકો છો. જોકે, તેના માટે તમારે પહેલા એ જાણવું પડે છે કે કયા ખાતામાં તમારા અનક્લેમ્ડ પૈસા પડ્યા છે.
તમારા નામે કોઈ બેંક ખાતામાં કોઈ પૈસા અનક્લેમ્ડ પડ્યા છે કે નહીં, તે જાણવા માટે તમારે ક્યાંય દોડધામ કરવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠા જ RBI ના UDGAM પોર્ટલ પર જઈને આ વાતની જાણકારી ખૂબ જ સરળતાથી મેળવી શકો છો.
UDGAM પોર્ટલ પર ઘણી બેંકોનો ડેટા મળે છે. આનાથી તમારે અલગ-અલગ બેંકોના ચક્કર મારવાની જરૂર પડતી નથી. તેના માટે તમારે https://udgam.rbi.org.in/unclaimed-deposits/ પર જઈને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
ત્યારબાદ લોગિન કરો અને ‘Individual’ ટેબ પસંદ કરો. પછી તમારું નામ, બેંકનું નામ અથવા ‘All’ પસંદ કરો અને ઓળખની વિગતો ભરો. સર્ચ કરતા જ સિસ્ટમ જણાવશે કે તમારા નામે ક્યાંય કોઈ અનક્લેમ્ડ ડિપોઝિટ છે કે નહીં.
જો વિગતોમાં દેખાય કે કઈ બેંકમાં તમારા પૈસા અનક્લેમ્ડ પડ્યા છે, તો તેને પાછા મેળવવું ખૂબ જ સરળ કામ છે. તેના માટે તમે તમારી બેંકની કોઈ પણ બ્રાન્ચમાં જઈ શકો છો. ત્યાં તમારે જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે. ત્યારબાદ પૈસા તમારા ખાતામાં મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.
આ દસ્તાવેજોની વાત કરીએ તો, આધાર, પાન, વોટર આઈડી અથવા પાસપોર્ટ જેવા KYC ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના હોય છે. જેવું એકવાર વેરિફિકેશન પૂરું થઈ જાય છે, કે તરત જ વ્યાજ સહિતના પૈસા તમારા એક્ટિવ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

