ભારત ઈરાનના ચાબહાર પોર્ટના વિકાશનું કાર્ય સંભાળશે

Reena Brahmbhatt
3 Min Read

તહેરાન, તા. 13 : ભારતે ઈરાનના ચાબહારમાં શહીદ બેહેશ્તી પોર્ટને 10 વર્ષ માટે લીઝ પર લીધું છે. ભારત અને ઈરાન વચ્ચે સોમવારે આ સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હવે પોર્ટનું સમગ્ર સંચાલન ભારત પાસે રહેશે. આ બંદર દ્વારા ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર માટે નવો માર્ગ મળશે. પાકિસ્તાનની જરૂરિયાત પણ ખતમ થઈ જશે. ભારતનાં આ કુટનીતિક પગલાંને ચીન અને પાકિસ્તાન માટે મોટા આંચકા સમાન ગણવામાં આવે છે. આ બંદર ભારત અને અફઘાનિસ્તાનને વેપાર માટે વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે. સોદા હેઠળ ભારતીય કંપની ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (આઈપીજીએલ) ચાબહાર બંદરમાં 12 કરોડ ડોલરનું રોકાણ કરશે.

પહેલીવાર ભારતે કોઈ વિદેશી બંદરનું સંચાલન પોતાનાં હસ્તક લીધું છે. આ અવસરે સોનોવાલે કહ્યું હતું કે, આ કરાર ઉપર હસ્તાક્ષર સાથે અમે ચાબહારમાં ભારતની દીર્ઘકાલીન ભાગીદારીનો પાયો નાખ્યો છે. આ કરારથી ચાબહાર બંદરની વ્યવહારુતા અને દૃશ્યતા ઉપર અનેકગણો પ્રભાવ પડશે.તેમના કહેવા અનુસાર ચાબહાર ભારતનું કેવળ નિકટત્તમ બંદર જ નથી બલ્કે સમુદ્ર દૃષ્ટિથી એક ઉત્કૃષ્ઠ બંદર પણ છે. સોનોવાલે પોતાના ઈરાની સમકક્ષ સાથે બેઠક યોજીને આ કરારને સાકાર કર્યો હતો. ચાબહાર પોર્ટના કરાર માટે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને ઈરાન મોકલવામાં આવ્યા હતા. ભારત અને ઈરાન ચાબહાર પર બે દાયકાથી કામ કરી રહ્યા છે.

- Advertisement -

IAS English

ચાબહાર એ ભારતનું પહેલું બંદર છે, જે વિદેશમાં લીઝ પર લેવામાં આવ્યું છે.ભારત વિશ્વભરમાં પોતાનો વેપાર વધારવા માગે છે. ચાબહાર પોર્ટ આમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારત આ બંદરની મદદથી ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ સાથે સીધો વેપાર કરી શકે છે. ઈરાન અને ભારતે 2018માં ચાબહાર પોર્ટ વિકસાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અગાઉ ભારતથી અફઘાનિસ્તાનમાં કોઈપણ સામાન મોકલવા માટે પાકિસ્તાનમાંથી પસાર થવું પડતું હતું. જો કે,બંને દેશ વચ્ચેના સરહદી વિવાદને કારણે ભારત પાકિસ્તાન સિવાય અન્ય વિકલ્પ શોધી રહ્યું હતું. ચાબહાર બંદરના વિકાસથી, અફઘાનિસ્તાનને માલ મોકલવા માટે આ શ્રેષ્ઠ માર્ગ છે. ભારત આ માર્ગ દ્વારા અફઘાનિસ્તાન પણ ઘઉં મોકલી રહ્યું છે. ચાબહાર પોર્ટ પર અટલ બિહારી વાજપેયી સરકારના સમયથી કામ ચાલી રહ્યું છે. 2003માં બંને દેશ વચ્ચે આ અંગે વાતચીત થઈ હતી. આ પછી ચાલી રહેલા તણાવને કારણે ઈરાન સાથે અમેરિકાની વાતચીત અધવચ્ચે જ અટકાવવી પડી હતી. ત્યારબાદ 2013માં યુપીએ સરકાર દરમ્યાન પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આ માટે 800 કરોડ રૂપિયાના રોકાણની વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં ઈરાનની મુલાકાત લીધી ત્યારે આ અંગેની વાતચીત આગળ વધી હતી.

- Advertisement -
Share This Article