Realme Oppo Sub brand: સ્માર્ટફોન બનાવતી ચીની કંપની Realme ને હવે ઓપ્પોની સબ-બ્રાન્ડ તરીકે સામેલ કરવામાં આવી રહી છે. બુધવારે રિયલમીએ જણાવ્યું કે તેને BBK Electronics હેઠળ આવતી વધુ એક ચીની કંપની Oppo ની સબ-બ્રાન્ડ બનાવવામાં આવી રહી છે. ખર્ચમાં કાપ મૂકવા માટે કંપનીઓએ આ મોટો નિર્ણય લીધો છે. આનાથી બંને કંપનીઓને પોતાના સંસાધનો (resources) એકસાથે લાવવામાં અને ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. ભારત સહિત અનેક દેશોમાં રિયલમીના સ્માર્ટફોન્સને ખૂબ પસંદ કરવામાં આવે છે, ત્યારે લોકોના મનમાં સવાલ છે કે શું હવે માર્કેટમાં Realme ના ફોન આવતા બંધ થઈ જશે? ચાલો વિગતે જાણીએ.
Oppo ની સબ-બ્રાન્ડ તરીકે કામ કરશે રિયલમી
અહેવાલ મુજબ, રિયલમીને ઓપ્પોની સબ-બ્રાન્ડ બનાવવામાં આવી રહી છે. ભારત, દક્ષિણ-પૂર્વ એશિયા અને યુરોપમાં આ કંપનીઓના સ્માર્ટફોન વેચાય છે અને લોકપ્રિય છે. જણાવી દઈએ કે રિયલમી એ ચીની કન્ઝ્યુમર હાર્ડવેર દિગ્ગજ BBK ઈલેક્ટ્રોનિક્સની કંપની છે, જેની હેઠળ Oppo અને Vivo જેવી બ્રાન્ડ્સ પણ આવે છે.
શું બંધ થઈ જશે રિયલમીના સ્માર્ટફોન?
જો તમને લાગતું હોય કે હવે માર્કેટમાં રિયલમીના સ્માર્ટફોન આવતા બંધ થઈ જશે, તો એવું નથી. રિયલમીના સ્માર્ટફોન હજુ પણ લોન્ચ કરવામાં આવશે અને તે ‘રિયલમી’ ના નામે જ માર્કેટમાં એન્ટ્રી લેશે. પરંતુ, રિયલમી હવે એક સ્વતંત્ર બ્રાન્ડને બદલે ઓપ્પોની સબ-બ્રાન્ડ તરીકે કામ કરશે. આ વ્યવસ્થા ‘નથિંગ’ ની સબ-બ્રાન્ડ CMF અથવા ‘વીવો’ ની સબ-બ્રાન્ડ iQOO જેવી જ હશે. તેના ફોન, ટેબ્લેટ અને ઓડિયો પ્રોડક્ટ્સ રિયલમીના નામે જ વેચાશે.
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?
રિયલમીએ પોતાનો પહેલો સ્માર્ટફોન સૌથી પહેલા ભારતમાં જ લોન્ચ કર્યો હતો. સબ-બ્રાન્ડ તરીકે કામ કરવાનો નિર્ણય કંપનીએ ‘કોસ્ટ કટિંગ’ એટલે કે પૈસા બચાવવા માટે લીધો છે. ઓપ્પોની સબ-બ્રાન્ડ બનવાથી બંને બ્રાન્ડ્સ એકબીજાના રિસોર્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે, જેનાથી કંપનીનો પ્રોફિટ વધશે.
સેમસંગ અને વીવોને મળશે પડકાર
વર્ષ ૨૦૨૫ ના ત્રીજા ત્રિમાસિક રિપોર્ટ મુજબ, ભારતમાં બીજી સૌથી મોટી સ્માર્ટફોન કંપની ઓપ્પો હતી. આ લિસ્ટમાં વીવો પહેલા અને સેમસંગ ત્રીજા નંબરે હતી, જ્યારે રિયલમી છઠ્ઠા નંબરે હતી. હવે ઓપ્પોની સબ-બ્રાન્ડ બન્યા પછી આ બંને બ્રાન્ડ્સ મળીને ભારતની સૌથી મોટી સ્માર્ટફોન કંપની બની શકે છે. આનાથી સેમસંગ અને વીવો માટે મોટો પડકાર ઉભો થશે.

