India-US Trade Agreement 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવા પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમતિ દર્શાવી છે.
આવી સ્થિતિમાં અમેરિકા ભારત પર ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેશે. એવું માનવામાં આવે છે કે આ જાહેરાત પછી મહિનાઓથી અમેરિકા અને ભારતના સંબંધોમાં બનેલી ખેંચતાણ પર વિરામ લાગી શકે છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોતાની પોસ્ટમાં લખ્યું છે, “સોમવારે પીએમ મોદી સાથે વાત કરી અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. આમાં વેપાર, યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવું અને અમેરિકા સાથે વેનેઝુએલાથી પણ વધુ તેલ ખરીદવાની વાતો સામેલ હતી.”
ટ્રુથ સોશિયલ પર પોતાની પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું, “વડાપ્રધાન મોદી સાથેની મિત્રતા અને સન્માનના કારણે તેમની વિનંતી પર અસરકારક રીતે તાત્કાલિક અમે અમેરિકા અને ભારત વચ્ચે એક વેપાર સમજૂતી પર સંમતિ સાધી છે. આ હેઠળ અમેરિકા ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેશે.”
ટ્રમ્પે ભારત પર આરોપ લગાવ્યો હતો કે તે રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં મદદ કરી રહ્યું છે.
ટ્રમ્પે ગયા વર્ષે ઓગસ્ટમાં રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો હતો જે પહેલાથી અસ્તિત્વમાં રહેલા 25 ટકા ઉપરાંતનો હતો.
આનાથી કુલ ટેરિફ 50 ટકા સુધી પહોંચી ગયો હતો. આ વિશ્વભરમાં કોઈપણ દેશ વિરુદ્ધ અમેરિકાનો સૌથી વધુ ટેરિફ હતો.
ટ્રમ્પે સોમવારે કહ્યું કે ભારત અમેરિકા વિરુદ્ધ પોતાના ટેરિફને શૂન્ય સુધી ઘટાડશે અને સાથે જ 500 અબજ ડોલરથી વધુ મૂલ્યના અમેરિકી ઉત્પાદનો, જેમાં ઉર્જા, ટેક અને કૃષિ ઉત્પાદનો સામેલ છે, તેની ખરીદી માટે ‘બાય અમેરિકન’ નીતિ અપનાવશે.
ટ્રમ્પ અને મોદીના નિવેદનોમાં તફાવત
ટ્રમ્પની જાહેરાત બાદ તરત જ મોદીએ એક્સ (X) પર લખ્યું, “મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. એ જાણીને અમે ખુશ છીએ કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18 ટકા ટેરિફ લાગશે. આ શાનદાર જાહેરાત માટે ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ખૂબ-ખૂબ આભાર.”
ટ્રમ્પે જે જાહેરાત કરી અને પીએમ મોદીએ જે કહ્યું, તેમાં તફાવત છે. ટ્રમ્પે કહ્યું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરશે પરંતુ પીએમ મોદીએ એવું કહ્યું નથી.
ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકી સામાન પર ટેરિફ શૂન્ય સુધી લઈ જશે પરંતુ મોદીએ એવું કહ્યું નથી. ટ્રમ્પે કહ્યું ભારત 500 અબજ ડોલરની કિંમતના અમેરિકી ઉત્પાદન ખરીદશે પરંતુ ભારતે હાલમાં આવો કોઈ વાયદો જાહેરમાં કર્યો નથી.
દક્ષિણ એશિયાની જિયોપોલિટિક્સ પર ઊંડી નજર રાખનારા માઈકલ કુગલમેને એક્સ પર લખ્યું છે, “ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે મોદીએ રશિયન તેલની ખરીદી બંધ કરવા પર સંમતિ આપી છે. મને આ વાત પર ઊંડી શંકા છે.”
“જોકે નવેમ્બરમાં રશિયા પર અમેરિકાના નવા પ્રતિબંધો લાગ્યા બાદ ભારતે રશિયન તેલની આયાતમાં ઘટાડો ચોક્કસ કર્યો છે. અમેરિકા-ભારત વેપાર સમજૂતીને લઈને હજુ પણ ઘણું સ્પષ્ટ નથી. શું ભારત કૃષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને ખોલશે? પહેલા કોઈ સમજૂતી ન થવાનું એક મોટું કારણ આનો જ વિરોધ હતો.”
આ સિવાય ટ્રમ્પે કહ્યું કે ભારત 500 અબજ ડોલરની કિંમતનો અમેરિકી ઉત્પાદન ખરીદશે. આને લઈને પણ લોકોને શંકા છે. 2024માં બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર 212 અબજ ડોલરનો હતો.
બ્રિટિશ અખબાર ફાઈનાન્શિયલ ટાઈમ્સ સાથે બ્રિજ ઈન્ડિયા થિંક-ટેન્કના સ્થાપક પ્રતીક દત્તાણીએ કહ્યું કે ભારતે ગયા વર્ષે અમેરિકાથી માત્ર 41.5 અબજ ડોલરનો સામાન ખરીદ્યો હતો તેથી આ 500 અબજ ડોલર સુધી પહોંચવું શક્ય નથી. ખાસ કરીને ત્યારે જ્યારે ટ્રમ્પ માત્ર કોમોડિટી વેપારની વાત કરી રહ્યા છે.
તેમણે એ પણ કહ્યું કે ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી પહેલાથી જ ઓછી કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ રશિયા સાથેના તેના સંબંધોને જોતા તેને સંપૂર્ણપણે સમાપ્ત કરવું મુશ્કેલ છે. 2022માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ ભારત સસ્તા રશિયન ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ખરીદદાર બની ગયો હતો.
અમેરિકાના વિદેશ મંત્રાલયમાં સલાહકાર રહેલા ઈવાન એ ફેઈજેનબૌમે એક્સ પર લખ્યું છે કે ભારત નજીકના ભવિષ્યમાં ભાગ્યે જ 500 અબજ ડોલરનો અમેરિકી સામાન ખરીદી શકશે.
ટ્રમ્પની અપેક્ષાઓ
તેમણે લખ્યું છે કે, “2024માં અમેરિકી સામાનની ભારતમાં નિકાસ 41.5 અબજ ડોલરની હતી. 2024માં અમેરિકાની ભારતમાં સર્વિસ એક્સપોર્ટ 41.8 અબજ ડોલર હતી. એટલે કે કુલ 83 અબજ ડોલરથી 500 અબજ ડોલર સુધી લગભગ 500 ટકાનો વધારો, સાચું કહીએ તો કંઈક વધારે જ અનુમાન લાગે છે. અમેરિકા-ભારત વેપાર લાંબા સમયથી પોતાની ક્ષમતા કરતા ઓછો રહ્યો છે, તેથી મહત્વકાંક્ષા રાખવી સારી વાત છે.”
ઈવાને લખ્યું છે, “અસલી પેંચ વિગતોમાં છુપાયેલો છે. મને આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે કે ભારત સરકાર રશિયન તેલ સાથે જોડાયેલી કોઈ પણ પ્રતિબદ્ધતાને સ્પષ્ટ રીતે લેખિત સ્વરૂપમાં સ્વીકારશે.”
ફાઈનાન્શિયલ ટાઈમ્સ સાથે જ પેરિસ સ્થિત જેક્સ ડેલોર્સ ઇન્સ્ટિટ્યૂટમાં વેપાર અને આર્થિક સુરક્ષાના સલાહકાર નિકોલસ કોહલર-સુઝુકીએ કહ્યું કે ટ્રમ્પનો આ દાવો કે ભારત તમામ ટેરિફને શૂન્ય સુધી લાવવા પર સહમત થઈ ગયું છે, અશક્ય જણાય છે.
તેમણે કહ્યું કે ટેરિફને શૂન્ય સુધી ઘટાડવા પર ભારતની સંમતિ શંકાસ્પદ છે કારણ કે દોહાથી લઈને અત્યાર સુધીની વેપાર વાર્તાઓમાં તેનું વલણ હંમેશા સાવધ રહ્યું છે. ખાસ કરીને કૃષિ ઉત્પાદનોને લઈને.
અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના કોલમિસ્ટ સદાનંદ ધુમેએ એક્સ પર લખ્યું છે, “મારું અનુમાન છે કે ભારત અમુક અમેરિકી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને શૂન્ય કરી દેશે, જેને ટ્રમ્પ સ્વતંત્ર રીતે એ રીતે રજૂ અને પ્રચારિત કરી શકશે કે ભારતે અમેરિકી વસ્તુઓ પર ટેરિફ શૂન્ય કરી દીધો છે.”
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગયા મહિને યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે થયેલી વેપાર સમજૂતી અને તે પહેલા બ્રિટન સાથે એફટીએ (FTA) ને કારણે સંભવતઃ ટ્રમ્પ પર ભારત સાથે સોદો કરવાનું દબાણ વધ્યું હશે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પે ભલે ઘણા દાવા કરી દીધા છે પરંતુ લેખિત સમજૂતીના અભાવમાં સાવધ રહેવું જરૂરી છે.
કોર્નેલ યુનિવર્સિટીમાં ટ્રેડ પોલિસીના પ્રોફેસર ઈશ્વર પ્રસાદે ન્યૂયોર્ક ટાઈમ્સને કહ્યું, “આ સમજૂતી ભારતને એક પ્રમુખ આર્થિક અને ભૌગોલિક-રાજકીય (જીઓપોલિટિકલ) સાથી તરીકે ફરીથી પોઝિશનમાં લઈ આવશે. ખાસ કરીને જો આને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની તાજેતરની સમજૂતી પહેલા અંતિમ ઓપ આપવામાં આવે છે.”
“ભારતમાં આ રાજકીય રીતે ખૂબ જ સંવેદનશીલ છે, તેમ છતાં મોદી અમેરિકી કૃષિ નિકાસ પર લાગેલા પ્રતિબંધો હટાવવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. આ સમજૂતી ભારત અને અમેરિકાને આર્થિક અને ભૌગોલિક-રાજકીય રીતે ફરીથી એક જ દિશામાં લઈ આવશે. જોકે અમેરિકી માઈગ્રેશન નીતિઓ અને ટેરિફ બંને દેશો વચ્ચે ચોક્કસપણે જટિલ મુદ્દા બનેલા રહેશે.”
ટ્રમ્પની આ જાહેરાતની અસર ભારત પર શું થશે?
અમેરિકી મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગ સાથે કેપિટલ ઈકોનોમિક્સના ડેપ્યુટી ચીફ શિલાન શાહે કહ્યું કે આ કપાત ચીનના વિકલ્પ તરીકે ભારતને એક આકર્ષક મેન્યુફેક્ચરિંગ સેન્ટર તરીકે ઘણું મજબૂત કરશે.
શાહે કહ્યું, “આનાથી 2026માં ભારતના જીડીપી વૃદ્ધિ દરમાં લગભગ 0.2 થી 0.3 ટકા પોઈન્ટનો વધારો થઈ શકે છે. તે સાત ટકાની નજીક પહોંચી જશે જ્યારે કેપિટલ ઈકોનોમિક્સે 2026 અને 2027 બંને માટે 6.5 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે.”
શાહ માને છે કે આના જીઓપોલિટિકલ પ્રભાવ પણ હોઈ શકે છે. ભારતમાં ઘણા લોકો વ્યૂહાત્મક રીતે બિન-જોડાણવાદી રહેવાનું પસંદ કરે છે પરંતુ અત્યારે સ્થિતિ તેવી નથી. એવામાં ભારત ફરીથી અમેરિકી જૂથ તરફ ઝૂકે તેવી શક્યતા છે.
કોટક મહિન્દ્રા એએમસીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે બ્લૂમબર્ગને કહ્યું કે અસલી પડકાર વિગતોમાં છુપાયેલો છે પરંતુ આનાથી રૂપિયા, શેર અને વ્યાજ દરના બજારો પર લટકી રહેલી તલવાર હટી ગઈ છે. તેમણે કહ્યું કે આશા છે કે આ બંને દેશો માટે ફાયદાનો સોદો સાબિત થશે કારણ કે સહયોગથી તેમને ઘણું બધું હાંસલ થઈ શકે છે.
અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે અને નવા ટેરિફથી કાપડ, ચામડું, પગરખાં અને ઘરેણાં જેવા શ્રમ-પ્રધાન ઉદ્યોગોને નુકસાન પહોંચ્યું હતું. તાજા વેપાર આંકડા અનુસાર, ઓક્ટોબરમાં નિકાસ વર્ષ-દર-વર્ષ લગભગ 12 ટકા ઘટી જ્યારે વેપાર ખાધ રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ.
દિલ્હી સ્થિત થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના ડિરેક્ટર અજય શ્રીવાસ્તવ કહે છે કે ભારતે આના પર અત્યારે જશ્ન મનાવવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવએ પોતાની નોંધમાં લખ્યું છે, “ભારતે રાષ્ટ્રપતિ ટ્રમ્પની વેપાર જાહેરાતનો જશ્ન મનાવવામાં ઉતાવળ ન કરવી જોઈએ. ટ્રુથ સોશિયલ પોસ્ટ ઘણા મોટા પ્રશ્નોને અનુત્તરિત છોડે છે. કયા ઉત્પાદનોને સામેલ કરવામાં આવ્યા છે, સમય મર્યાદા શું છે અને શું ભારતે ખરેખર શૂન્ય ટેરિફ પર સંમતિ આપી છે, ખાસ કરીને કૃષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં.”
અમેરિકાથી 500 અબજ ડોલરની ખરીદીનો આંકડો પણ અસ્પષ્ટ છે. ભારત વર્તમાનમાં અમેરિકાથી વાર્ષિક 50 અબજ ડોલરથી પણ ઓછી આયાત કરે છે, જે સંકેત આપે છે કે આ નક્કર પ્રતિબદ્ધતા કરતા વધુ એક આકાંક્ષા છે. જ્યાં સુધી કોઈ સંયુક્ત નિવેદન ન આવે ત્યાં સુધી આને અંતિમ સમજૂતીને બદલે એક રાજકીય સંકેત તરીકે જોવો જોઈએ. આ સમયે ઉત્સવ નહીં, પરંતુ સાવચેતીની જરૂર છે.”
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ટ્રમ્પની ટ્રુથ પોસ્ટને એક્સ પર શેર કરતા લખ્યું છે, “રશિયન તેલની ખરીદી બંધ. અમેરિકી નિકાસ પર ટેરિફ નહીં. ભારતની નિકાસ પર 18 ટકા ટેરિફ. ભારત અમેરિકાથી 500 અબજ ડોલરની કિંમતની ઉર્જા, ટેકનિક, કૃષિ ઉત્પાદન અને કોલસાની આયાત કરશે. ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા ક્યાં ગઈ?”

