Micron Sanand Plant 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ ફેબ્રુઆરીએ ગુજરાતના સાણંદમાં બનીને તૈયાર થયેલા સેમીકન્ડક્ટર પ્લાન્ટનું શુભારંભ કરશે. વડાપ્રધાનના કાર્યક્રમ માટે શુક્રવારે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. માઈક્રોન ટેકનોલોજીનો સેમીકન્ડક્ટર પ્લાન્ટ અમદાવાદના સાણંદમાં સ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી બાદ ભારતમાં સેમીકન્ડક્ટર ચિપના નિર્માણનું જે સપનું જોયું હતું તે હવે પૂર્ણ થઈ ગયું છે. સાણંદમાં માઈક્રોનનો ક્લીનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લીનરૂમની યાદીમાં સામેલ છે. આના નિર્માણમાં ફ્રાન્સના એફિલ ટાવર કરતા સાડા ત્રણ ગણું વધુ સ્ટીલ લાગ્યું છે.
૧૦૦ સ્વિમિંગ પૂલ જેટલું કોંક્રિટ
માઈક્રોન ટેકનોલોજીના અધ્યક્ષ અને સીઈઓ સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર માઈક્રોનના સાણંદ પ્લાન્ટમાં પ્રથમ ફેઝમાં ૫ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ક્લીનરૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં એફિલ ટાવર કરતા સાડા ત્રણ ગણું વધુ લોખંડ તથા ઓલિમ્પિક કદના ૧૦૦ સ્વિમિંગ પૂલ જેટલા કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેહરોત્રાના જણાવ્યા અનુસાર સેમીકન્ડક્ટરની ચિપ બનાવવા માટે અત્યંત સ્વચ્છ રૂમ જરૂરી છે. સાણંદ પ્લાન્ટના પ્રથમ ફેઝમાં નિર્મિત ક્લીનરૂમનો વિસ્તાર ૫ લાખ ચોરસ ફૂટ છે. મેહરોત્રાએ જણાવ્યું કે ઓપરેશન થિયેટર કરતા પણ વધુ સ્વચ્છ હોય છે ક્લીનરૂમ, એક નાના કણ કે તાપમાનમાં ૧ ડિગ્રીના પરિવર્તનથી પણ મશીનનું કાર્ય અટકી શકે છે.
ઓપરેશન થિયેટર કરતા સાફ હવા
માઈક્રોન ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે સાણંદના માઈક્રોન પ્લાન્ટમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર વિશાળ ક્લીનરૂમ બનાવવામાં આવ્યો છે. આ ક્લીનરૂમમાં રહેલી હવા ઘણીવાર ઓપરેશન થિયેટર કરતા પણ વધુ સ્વચ્છ હોય છે. અહીં એક વાળ પણ ચિપને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે તેને અત્યંત સ્વચ્છ રાખવો જરૂરી છે. ક્લીનરૂમને સ્વચ્છ રાખવા માટે ફિલ્ટર કરેલી હવાને ઉપરથી નીચે (વર્ટિકલી) સમાન માત્રામાં મોકલવામાં આવે છે. આ હવા અસ્ત-વ્યસ્ત હોતી નથી અને એક સમાન લયમાં પ્રવાહિત થાય છે. ક્લીનરૂમનો નીચેનો ફ્લોર પણ જમીનની સપાટીથી થોડો ઊંચાઈ પર બનાવવામાં આવ્યો હોય છે, જેની નીચે હવા પસાર થાય છે અને કૂલિંગ, પાવર તથા ડેટાનું કાર્ય ચાલતું રહે છે.
એક ડિગ્રી તાપમાનથી બગડી શકે છે મશીન
માઈક્રોન ટેકનોલોજીના નિવેદન અનુસાર ક્લીનરૂમમાં તાપમાનમાં લગભગ એક ડિગ્રીનો તફાવત પડે, તો પણ મશીનના કાર્યમાં તે વિક્ષેપ પહોંચાડી શકે છે. તેથી તાપમાનને નિરંતર અત્યંત સૂક્ષ્મ સ્તર સુધી નિયંત્રિત કરવામાં આવે છે, કારણ કે મેમરી ટેસ્ટર મશીનોથી તાપમાનમાં મોટા પાયે વધારો થાય છે. એક સૂક્ષ્મ કણ પણ જો ચિપમાં પ્રવેશ કરી જાય, તો વર્ષો પછી પણ તે પ્રોડક્ટમાં નુકસાન પેદા કરી શકે છે. અહીં પાવર, કૂલિંગ તથા હવા માટે પૂરતી બેકઅપ પ્રણાલી રાખવામાં આવી છે, જેનાથી કોઈ એક સિસ્ટમમાં કોઈ વિક્ષેપ હોય, તો કામકાજ પૂર્વવત રાખી શકાય. માઈક્રોનના વૈશ્વિક ગોલ્ડ સ્ટાન્ડર્ડ અનુસાર આ ક્લીનરૂમને ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે.

