Iran President Apology Retraction: કેમ ઈરાની રાષ્ટ્રપતિ પેજેશ્કિયાને ખાડી દેશોની માફી માંગ્યાના ૨૪ કલાકમાં જ પોતાનું નિવેદન બદલવું પડ્યું?

Arati Parmar
3 Min Read

Iran President Apology Retraction: ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેજેશ્કિયાને કહ્યું છે કે તેમની વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. ગલ્ફ દેશો પર હુમલા રોકવા અને માફી માંગવા સાથે જોડાયેલા નિવેદન પર મસૂદે આ સ્પષ્ટતા કરી છે. પેજેશ્કિયાને શનિવારે ખાડી દેશો પરના હુમલા રોકવાની વાત કહીને માફી માંગી હતી, પરંતુ ઈરાની સેના અને IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) એ આ વાત ન સ્વીકારીને હુમલા ચાલુ રાખ્યા છે. તેહરાનમાં મસૂદની આ માફીની ભારે ટીકા થઈ રહી છે, જેના કારણે તેમના બદલાયેલા નિવેદનને દબાણ હેઠળ લેવાયેલા નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યું છે.

મસૂદ પેજેશ્કિયાને રવિવારે કહ્યું, ‘મારી વાતોનો દુશ્મનોએ ખોટો અર્થ કાઢ્યો છે, જેઓ પડોશીઓ વચ્ચે ફૂટ પાડવા માંગે છે. અમે વારંવાર કહ્યું છે કે પડોશીઓ સાથે અમારા સારા સંબંધો હોવા જોઈએ. અમે હુમલાનો જવાબ આપવા માટે મજબૂર છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે અમારે કોઈ પડોશી દેશ સાથે ઝઘડો છે અથવા અમે તેમને પરેશાન કરવા માંગીએ છીએ.’

- Advertisement -

ઈરાની રાષ્ટ્રપતિએ અગાઉ શું કહ્યું હતું?

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને શનિવારે ટેલિવિઝન પર એક સંદેશમાં કહ્યું હતું કે, ‘મારે તે પડોશી દેશોની માફી માંગવી જોઈએ જેના પર હુમલો થયો છે. પડોશી દેશો પર હુમલો કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે હવે તે દેશો પર કોઈ હુમલો કરીશું નહીં, જ્યાં સુધી સામેથી હુમલો થતો નથી.’

ઈરાનના રાષ્ટ્રપતિના આ નિવેદન પર જ્યુડિશિયરી ચીફ અને IRGC ના અધિકારીઓએ કડક પ્રતિક્રિયા આપી હતી. ઈરાની સેનાએ રાષ્ટ્રપતિના આદેશની વિરુદ્ધ જઈને હુમલા ચાલુ રાખ્યા. આ ઘટનાથી ઈરાનના શાસનમાં બે ફાંટા પડ્યા હોવાની અને રાષ્ટ્રપતિ પર ભારે દબાણ હોવાની વાત સામે આવી છે. પરિણામે, રાષ્ટ્રપતિએ હવે એવું કહેવું પડ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે સમજવામાં આવ્યું છે.

- Advertisement -

ઈરાનનો પડોશી દેશો સાથે ટકરાવ

ઇઝરાયેલ અને અમેરિકાએ 28 ફેબ્રુઆરી થી ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. ત્યારબાદ ઈરાને ઇઝરાયેલની સાથે સાથે ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા. ઈરાને સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, યુએઈ અને બહેરીન પર હુમલા કર્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ઈરાનમાં પણ પડોશી ખાડી દેશો પર હુમલો કરવાની રણનીતિ પર એકમત દેખાઈ રહ્યો નથી.

ઈરાન પર ઇઝરાયેલના હુમલામાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. એક અઠવાડિયાની આ લડાઈમાં અત્યાર સુધીમાં કરોડો ડોલરની ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. વળી, ઈરાનમાં મોટા પાયે લોકોના જીવ પણ ગયા છે. ઈરાનમાં 1500 થી વધુ લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં 165 જેટલી સ્કૂલની બાળકીઓ પણ સામેલ છે.

- Advertisement -
Share This Article