Kheda BJP Leaders Join Congress: ખેડા જિલ્લાના રાજકારણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કઠલાલ તાલુકાના અંદાજે ૨૦૦ જેટલા હોદ્દેદારો અને સક્રિય કાર્યકરોએ ભાજપની વર્તમાન નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરીને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આ પક્ષ પલટામાં ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભી અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા મહેશભાઈ ડાભી જેવા મજબૂત ચહેરાઓ સામેલ છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આટલી મોટી સંખ્યામાં પાયાના કાર્યકરોનું પક્ષ છોડવું એ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.
પાયાના કાર્યકરોની અવગણના અને તાનાશાહીના ગંભીર આક્ષેપો
ભાજપ છોડનારા આગેવાનોએ પક્ષના આંતરિક વહીવટ પર ગંભીર આક્ષેપો કર્યા છે. લખન ડાભીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૨૨ વર્ષથી ભાજપમાં નિષ્ઠાપૂર્વક સક્રિય હતા, પરંતુ હાલમાં પક્ષમાં તાનાશાહી જેવું વાતાવરણ છે. કાર્યકરોનું સન્માન જળવાતું નથી અને જે લોકોએ વર્ષો સુધી પક્ષને લોહી-પરસેવો સીંચીને મજબૂત કર્યો છે, તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે. કઠલાલ તાલુકા ભાજપમાં જૂના અને વફાદાર કાર્યકરોને સાઈડલાઈન કરીને નવા લોકોને મહત્વ આપવામાં આવતા આ આક્રોશ ફાટી નીકળ્યો છે.
પીઠાઈ બેઠક પર ભાજપના સંગઠનનું સામૂહિક રાજીનામું
કઠલાલ તાલુકાની પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ભાજપના સંગઠનમાં ભંગાણ પડ્યું છે. આ બેઠક વિસ્તારના વર્તમાન અને પૂર્વ તાલુકા પંચાયત સભ્યો તેમજ અનેક ગામોના સરપંચોએ પણ સામૂહિક રીતે રાજીનામા ધરી દીધા છે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં આ તમામ લોકોએ કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ભાજપની નીતિઓથી કંટાળીને હવે પાયાના કાર્યકરો પણ પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને આવનારા સમયમાં હજુ પણ અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે તેવી શક્યતા છે.
ચૂંટણી ટાણે બદલાતા સમીકરણો અને ભાજપની મુશ્કેલી
ખેડા જિલ્લો હંમેશાથી રાજકીય રીતે ઘણો સક્રિય રહ્યો છે, ત્યારે ચૂંટણીના ઠીક પહેલા થયેલા આ પક્ષ પલટાથી ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ‘નો-રિપીટ’ થીયરી અને નવા ચહેરાઓને મહત્વ આપવાની ભાજપની રણનીતિ સામે આંતરિક અસંતોષ વકર્યો છે. આ અસંતોષને કારણે જો વધુ કાર્યકરો પક્ષ છોડે તો તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે. હાલ તો કઠલાલના આ આદેશથી ખેડા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોવાનો દાવો કરી રહી છે.

