સુભાષ બ્રિજની ઘટના બાદ AMCનો મોટો નિર્ણય, હવે સેન્સરથી ચકાસાશે અમદાવાદના જૂના બ્રિજની મજબૂતાઈ
Ahmedabad bridge health monitoring system: અમદાવાદમાં સુભાષ બ્રિજ પર તિરાડો પડવાની ઘટના બાદ શહેરના જૂના અને જર્જરિત બ્રિજની સુરક્ષા અંગે ચિંતા વધી હતી. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બ્રિજની સ્થિતિ પર સતત નજર રાખવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ માટે આશરે ₹50 કરોડના ખર્ચે બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં શહેરના આશરે 14 જૂના બ્રિજ પર વિવિધ પ્રકારના સેન્સર લગાવવાનું આયોજન છે.
મેન્યુઅલ તપાસને બદલે સેન્સરથી દેખરેખ
અત્યાર સુધી બ્રિજની સ્થિતિ જાણવા માટે મુખ્યત્વે મેન્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવતું હતું. જોકે, સુભાષ બ્રિજની જર્જરિત હાલત સામે આવ્યા બાદ તપાસની પદ્ધતિ સામે સવાલો ઊભા થયા હતા. હવે સેન્સરની મદદથી બ્રિજની સ્થિતિ અંગે સતત માહિતી મેળવવાનો પ્રયાસ કરાશે.
ત્રણ મહિનાના ડેટા પરથી લેવાશે નિર્ણય
બ્રિજના અલગ-અલગ સ્પાન પર આશરે 13 પ્રકારના સેન્સર લગાવવામાં આવશે. તેના દ્વારા સતત ત્રણ મહિના સુધી મળતા ડેટાનું વિશ્લેષણ કરીને રિપોર્ટ તૈયાર કરાશે. આ રિપોર્ટના આધારે બ્રિજનું સમારકામ કરવું, તેની મજબૂતાઈ વધારવી કે જોખમી બ્રિજને તોડી પાડવો તે નક્કી કરવામાં આવશે.
આ બ્રિજ પર થશે મોનિટરિંગ
પ્રથમ તબક્કામાં એલિસ, સરદાર, નેહરુ, ગાંધી અને દધીચિ ઋષિ બ્રિજ સહિતના જૂના બ્રિજ પર સેન્સર લગાવવાની યોજના છે. આ ઉપરાંત ઇન્કમટેક્સ, ગુજરાત કોલેજ, હેલ્મેટ, શિવરંજની અને એઈસી (સોલા) ફ્લાયઓવર સહિતના સ્થળોનો પણ સમાવેશ થાય છે. વાસણા-પીરાણા, રાજેન્દ્ર પાર્ક સહિતના બ્રિજ પર પણ મોનિટરિંગ કરાશે.
શું માપશે સેન્સર?
સેન્સર દ્વારા બ્રિજમાં થતું વાઇબ્રેશન, તિરાડો, તાપમાન, ભેજ, પવનની ગતિ અને દિશા, નદીના પાણીનું સ્તર, ભૂકંપના આંચકા તથા બ્રિજ પરથી પસાર થતાં વાહનોનું ભારણ માપવામાં આવશે.
ટેન્ડર પ્રક્રિયાને કારણે પ્રોજેક્ટમાં વિલંબ
જોકે, આ પ્રોજેક્ટની કામગીરી હજુ શરૂ થઈ શકી નથી. સેન્સર માટેના એસઓઆર (SOR) નક્કી ન થતાં ખર્ચનો ચોક્કસ અંદાજ સ્પષ્ટ થયો નથી. છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ નથી. તેથી સિસ્ટમ ક્યારે કાર્યરત થશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે. પ્રથમ તબક્કો સફળ થયા બાદ શહેરના અન્ય ફ્લાયઓવર પર પણ સેન્સર લગાવવાની યોજના છે.

