July Car Sales: જુલાઈ મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ઉદ્યોગના અંદાજ મુજબ, ગયા મહિને ફેક્ટરીઓમાંથી ડીલરશિપ સુધી અંદાજે 4,69,000 પેસેન્જર કાર, યુટિલિટી વાહનો અને વાન મોકલવામાં આવ્યા, જે ગયા વર્ષની સરખામણીએ 34 ટકા વધુ છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો માસિક રેકોર્ડ છે. આ પહેલાંનો રેકોર્ડ ગયા વર્ષે ઑક્ટોબરમાં 4,60,000 યુનિટનો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રારંભથી વેચાણમાં એપ્રિલમાં 25 ટકા, મેમાં 27 ટકા અને જૂનમાં 24 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડામાં ઇલેક્ટ્રિક કારના વેચાણનો પણ સમાવેશ થાય છે.
GST દરોમાં ઘટાડા બાદ વાહનો સસ્તા બનવા અને મજબૂત માંગના કારણે વાહનોના વેચાણમાં વધારો થયો છે. નવા મોડલ્સ, ખાસ કરીને એસયુવી, લોન્ચ થવાને કારણે અનેક કાર કંપનીઓએ જુલાઈમાં રેકોર્ડ વેચાણ નોંધાવ્યું છે. મોટી કંપનીઓમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સે સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે. કંપનીનું વેચાણ વાર્ષિક ધોરણે 59 ટકા વધીને 63,760 યુનિટ થયું છે. આ દરમિયાન કંપનીના ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ બમણાથી પણ વધુ વધીને 15,217 યુનિટ સુધી પહોંચી ગયું છે.
મારુતિએ કેટલી ગાડીઓ વેચી?
બજારમાં અગ્રણી મારુતિ સુઝુકીએ જુલાઈમાં 2.4 લાખ વાહનો વેચ્યાં, જ્યારે એક વર્ષ પહેલાં આ આંકડો 1.8 લાખ યુનિટ હતો. પ્રથમ વખત જુલાઈ મહિનામાં કંપનીનું સ્થાનિક વેચાણ બે લાખના આંકડાને પાર પહોંચ્યું છે. બીજી તરફ યુટિલિટી વાહનોનું વેચાણ અંદાજે 50 ટકા વધીને 78,851 યુનિટ રહ્યું. તેમાં ફ્રોન્ક્સ, ગ્રાન્ડ વિટારા, બ્રેઝા અને ઇલેક્ટ્રિક વિટારા જેવા મોડલ્સનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.
મહિન્દ્રાએ એસયુવીની વધતી માંગનો સંપૂર્ણ લાભ લીધો. કંપનીએ સ્થાનિક બજારમાં 60,048 યુટિલિટી વાહનો વેચ્યાં, જે વાર્ષિક ધોરણે 20 ટકા વધુ છે. એક્સપોર્ટ સહિત એસયુવીનું કુલ વેચાણ 60,887 યુનિટ રહ્યું, જ્યારે કુલ વાહનોનું વેચાણ 26 ટકા વધીને 1,03,860 યુનિટ થયું. એક્સપોર્ટમાં 47 ટકાનો વધારો નોંધાઈ 4,070 યુનિટ સુધી પહોંચ્યો.
એક્સપોર્ટમાં નોંધપાત્ર ઉછાળો
હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા અને કિયા ઇન્ડિયાએ પણ પોતાની એસયુવી શ્રેણીના આધારે જુલાઈમાં અત્યાર સુધીનું સૌથી વધુ હોલસેલ વેચાણ નોંધાવ્યું છે. હ્યુન્ડાઈએ 75,360 યુનિટના રેકોર્ડ માસિક વેચાણની માહિતી આપી છે. તેમાં 54,210 સ્થાનિક વેચાણ અને 21,150 એક્સપોર્ટનો સમાવેશ થાય છે. 100થી વધુ મહિનામાં કંપની માટે આ સૌથી વધુ એક્સપોર્ટનો આંકડો રહ્યો છે.
કિયાએ 28,200 યુનિટનું સપ્લાય કર્યું, જે એક વર્ષ અગાઉની સરખામણીએ 27.4 ટકા વધુ છે.
JSW MG મોટર ઇન્ડિયાએ સતત બીજા મહિને રેકોર્ડ હોલસેલ વેચાણ નોંધાવ્યું છે. કંપનીએ 8,158 વાહનોનું ડિસ્પેચ કર્યું, જેમાંથી 80 ટકા કરતાં વધુ ઇલેક્ટ્રિક વાહનો હતા.
બીજી તરફ નવી ગાડી લોન્ચ થવાનો સૌથી સ્પષ્ટ પ્રભાવ નિસાનના વેચાણમાં જોવા મળ્યો. 20 જુલાઈથી ટેક્ટોન એસયુવીની ડિલિવરી શરૂ થયા બાદ સ્થાનિક હોલસેલ વેચાણમાં 218 ટકાનો વધારો થઈ 4,518 યુનિટ થયું. ટેક્ટોનના લોન્ચના આધારે કંપનીએ એક્સપોર્ટ સહિત કુલ 9,339 વાહનોનું વેચાણ કર્યું.

