Mercedes AMG G 63 Offroad PRO: લક્ઝરી અને પરફોર્મન્સ કારની દુનિયામાં પ્રભુત્વ ધરાવતી જર્મન કાર કંપની મર્સિડીઝ-બેન્ઝે ભારતીય બજારમાં પોતાની અત્યંત લોકપ્રિય અને શક્તિશાળી SUV AMG G 63નું નવું સ્વરૂપ રજૂ કર્યું છે. કંપનીએ Mercedes-AMG G 63 Offroad PROને લિમિટેડ-એડિશન વેરિઅન્ટ તરીકે લોન્ચ કર્યું છે, જેને ખાસ કરીને એવા શોખીનો માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેઓ આ આઇકોનિક G-Class પાસેથી શ્રેષ્ઠ ઓલ-ટેરેન પરફોર્મન્સની અપેક્ષા રાખે છે. ભારતમાં આ શાનદાર ઑફ-રોડ SUVની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 3.80 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
ઑફ-રોડ હાર્ડવેર અને અદ્યતન સસ્પેન્શન
મર્સિડીઝના આ પ્રથમ Offroad PRO વેરિઅન્ટની સૌથી મોટી ખાસિયત તેનું ખાસ AMG ઑફ-રોડ હાર્ડવેર અને એક્સપિડિશન-રેડી ડિઝાઇન છે.
તેમાં AMG Active Ride Control સસ્પેન્શન આપવામાં આવ્યું છે, જે ખાસ AMG Traction PRO અને AMG Active Balance Control ઑફ-રોડ મોડ્સ સાથે આવે છે.
આ ટેક્નોલોજી પડકારજનક રસ્તાઓ પર કારની એક્સલ આર્ટિક્યુલેશન, ટ્રેક્શન અને સ્થિરતાને વધુ મજબૂત બનાવે છે, જેથી તે કોઈપણ પ્રકારના ઉબડખાબડ રસ્તા પરથી સરળતાથી પસાર થઈ શકે છે.
શક્તિશાળી V8 એન્જિન અને હાઇબ્રિડ ટેક્નોલોજી
પરફોર્મન્સની વાત કરીએ તો મર્સિડીઝ AMG G 63 Offroad PRO જેવી લક્ઝરી બીસ્ટમાં હેન્ડક્રાફ્ટેડ 4.0-લિટર V8 બાયટર્બો એન્જિન આપવામાં આવ્યું છે, જે 48V માઇલ્ડ-હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ છે.
આ શક્તિશાળી એન્જિન 585 hpની જબરદસ્ત પાવર અને 850 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં મળતી AMG Performance 4MATIC ઑલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ તેને ઑન-રોડ અને ઑફ-રોડ બંને સ્થળોએ શાનદાર ક્ષમતા પ્રદાન કરે છે.
રગ્ડ ડિઝાઇન અને એક્સપિડિશન-રેડી લુક
મર્સિડીઝ AMG G 63 Offroad PROની બાહ્ય ડિઝાઇનની વાત કરીએ તો તેમાં પ્રોફેશનલ્સ માટે રૂફ લગેજ રેક અને અનોખા 20-ઇંચના AMG 5-Twin-Spoke મેટ બ્લેક વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જે તેને અલગ અને રગ્ડ એક્સપિડિશન-રેડી કેરેક્ટર આપે છે.
આ સાથે G-Classની પરંપરાગત અને આઇકોનિક બનાવટને જાળવી રાખીને તેમાં ફ્લેર્ડ વ્હીલ આર્ચ, AMG-સ્પેસિફિક બમ્પર અને ખાસ ફ્રન્ટ ફેશિયા આપવામાં આવ્યું છે.
લક્ઝરી કેબિન અને અત્યાધુનિક ટેક્નોલોજી
મર્સિડીઝ AMG G 63 Offroad PROમાં અલ્ટ્રા લક્ઝરી કેબિન, Nappa લેધર સીટ્સ, કસ્ટમાઇઝેબલ એમ્બિયન્ટ લાઇટિંગ સાથે ડ્રાઇવરની સુવિધા માટે નવું ઑફ-રોડ કૉકપિટ આપવામાં આવ્યું છે, જેના દ્વારા મુખ્ય ઑફ-રોડ ફંક્શન અને કારની માહિતી સરળતાથી મેળવી શકાય છે.
આ ઉપરાંત Augmented Reality Navigation સાથે લેટેસ્ટ MBUX NTG7 ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને Advanced Driver Assistance System (ADAS) ફીચર્સ આ કારને સુરક્ષા અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અત્યાધુનિક બનાવે છે.

