Adani Enterprises Q1 Loss: અદાણી એન્ટરપ્રાઇઝિસને પ્રથમ ત્રિમાસિકમાં નુકસાન, ઓએફએસીને રૂ. 2,644 કરોડની ચુકવણી બની મોટું કારણ

Arati Parmar
2 Min Read

Adani Enterprises Q1 Loss: અદાણી એન્ટરપ્રાઇઝિસે 29 જુલાઈએ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા, જેમાં નુકસાન નોંધાયું છે. કંપનીએ તેનું એક મોટું કારણ ઈરાની ગેસની શિપિંગ સાથે જોડાયેલા મામલામાં અમેરિકી ઑફિસ ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (ઓએફએસી)ને રૂ. 2,644 કરોડની ચુકવણી હોવાનું જણાવ્યું.

મે મહિનામાં અમેરિકી નાણાં વિભાગ (યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ)એ જાહેરાત કરી હતી કે ઈરાન પર લાગેલા અમેરિકી પ્રતિબંધોના કથિત ઉલ્લંઘનના મામલામાં અદાણી એન્ટરપ્રાઇઝિસે 27.5 કરોડ ડૉલર (275 મિલિયન ડૉલર)માં સમાધાન કર્યું છે.

- Advertisement -

રોયટર્સ સમાચાર એજન્સી મુજબ, ગૌતમ અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસે 30 જૂને પૂર્ણ થયેલા ત્રિમાસિકમાં રૂ. 1,160 કરોડનું કન્સોલિડેટેડ ચોખ્ખું નુકસાન નોંધાવ્યું.

કંપનીનો કુલ ખર્ચ અંદાજે 54 ટકા વધીને રૂ. 32,252 કરોડ થયો. કાચા માલનો ખર્ચ રૂ. 14,255 કરોડ રહ્યો, જ્યારે એક વર્ષ પહેલાં સમાન સમયગાળામાં તે રૂ. 3,393 કરોડ હતો. અગાઉના ત્રિમાસિકમાં કંપનીએ 17 ત્રિમાસિક પછી પ્રથમ વખત નુકસાન નોંધાવ્યું હતું.

- Advertisement -

કંપનીએ જણાવ્યું કે પ્રથમ ત્રિમાસિકના પરિણામો પર વૈશ્વિક અસ્થિરતાના કારણે ઈંધણના વધેલા ભાવથી ખર્ચમાં થયેલા વધારાની અસર પડી છે.

ઓએફએસીના આદેશમાં શું જણાવાયું?

- Advertisement -

આ મામલો નવેમ્બર 2023થી જૂન 2025 દરમિયાન દુબઈ સ્થિત એક સપ્લાયર મારફતે આયાત કરવામાં આવેલા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સાથે સંબંધિત છે. ઓએફએસી દ્વારા જાહેર કરાયેલા સમાધાન આદેશની પ્રેસ જાહેરાત મુજબ, અદાણી એન્ટરપ્રાઇઝિસ આ વ્યવહારોમાં રહેલા ‘રેડ ફ્લેગ્સ’ (શંકાસ્પદ સંકેતો) ઓળખવામાં નિષ્ફળ રહી હતી.

ઓએફએસીના જણાવ્યા મુજબ, તેના પરિણામે અદાણી એન્ટરપ્રાઇઝિસે અમેરિકી નાણાકીય સંસ્થાઓ મારફતે 19.2 કરોડ ડૉલર (192 મિલિયન ડૉલર)ના 32 ડૉલર આધારિત ચૂકવણાં કરાવ્યાં હતા. આ એલપીજીની ખેપો નવેમ્બર 2023થી જૂન 2025 દરમિયાન ગુજરાતના મુન્દ્રા બંદર મારફતે ભારતમાં લાવવામાં આવી હતી.

એસઈસી મામલે સમાધાન માટે પ્રસ્તાવિત દંડ

આ દરમિયાન, ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ સાથે જોડાયેલા મામલામાં અમેરિકી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)ના આરોપોના સમાધાન માટે 1.8 કરોડ ડૉલર (18 મિલિયન ડૉલર)નો પ્રસ્તાવિત દંડ ભરવા માટે સંમતિ દર્શાવી છે. એસઈસીએ આરોપ લગાવ્યો છે કે ભારતીય અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી અથવા લાંચ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જોકે, બંનેએ આ આરોપોને ન તો સ્વીકાર્યા છે અને ન તો નકારી કાઢ્યા છે.

Share This Article