નવી દિલ્હી, તા. 27 : અદાણી ગ્રીન એનર્જીએ સ્પષ્ટીકરણ જારી કરતાં કહ્યું છે કે, ગૌતમ અદાણી, સાગર અદાણી અને વરિષ્ઠ કાર્યકારી વિનિત જૈન ઉપર અમેરિકી ન્યાય વિભાગના આરોપપત્રમાં અમેરિકી વિદેશ ભ્રષ્ટાચાર કાનૂન (એફસીપીએફ) હેઠળ કોઈ આરોપ મુકવામાં આવ્યો નથી. કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં આ જાણકારી આપી હતી. એકસચેન્જ ફાઈલિંગમાં એજીઈએલએ કહ્યું છે કે, અદાણી ગ્રુપ સામે ભ્રષ્ટાચારના આરોપો ઉપર વિભિન્ન મીડિયા ગ્રુપમાં જે અહેવાલો પ્રકાશિત થયા છે તે પણ ખોટા છે. કંપનીએ એવા તમામ મીડિયા રિપોર્ટસનું ખંડન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અદાણી ગ્રુપના પ્રમુખ અધિકારીઓ ગૌતમ અદાણી, સાગર અદાણી અને સિનિયર ડાયરેક્ટર વિનિત જૈન લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે.
અદાણી ગ્રીને કહ્યું છે કે, આવા કોઈ આરોપો મુકવામાં આવ્યા નથી. કંપનીએ ભાર મુકીને કહ્યું હતું કે એઝયુર પાવરના અધિકારી અને એક કેનેડીયન રોકાણકાર ઉપર જ લાંચના આરોપ છે. જેમાં એઝયુર પાવરના રંજીત ગુપ્તા, સિરિલ કેંબેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રુપેશ અગ્રવાલ તેમજ સીડીપીક્યુ-કેનેડીયન રોકાણકાર અને એઝયુરના શેરધારકનું નામ સામેલ છે. અદાણી સમૂહના કોઈપણ અધિકારીનું નામ સામેલ નથી. મુંદરાના હેવાલ મુજબ અદાણી ગ્રીન એનર્જી લિ.ની સત્તાવાર યાદી પ્રમાણે, ગ્રુપ ડિરેક્ટરો ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનિત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (એફસીપીએ)નાં ઉલ્લંઘનના માધ્યમોએ પ્રકાશિત કરેલા લેખોમાં મુકાયેલા આરોપ જૂઠા છે. અદાણી ગ્રીન એનર્જી લિ. દ્વારા કરવામાં આવેલા ફાઇલિંગમાં આરોપોને જૂઠા ગણાવાયા છે. વધુમાં આ નિવેદનમાં જણાવાયું છે કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનિત જૈન પર યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અથવા યુ.એસ. એસઈસીની મુલકી ફરિયાદના આરોપમાંની નિર્ધારિત ગણતરીઓમાં એફસીપીએના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી.
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં પાંચ ગણતરી પૈકીના પ્રથમ કાઉન્ટમાં કોઈ ઉલ્લેખ નથી.યાદી મુજબ, જો કે, વિદેશી તેમજ ભારતીય વિવિધ માધ્યમો દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના આરોપો વિશે અપૂરતી કે ખામીયુક્ત સમજણને કારણે અદાણીના ડિરેક્ટર્સ પર યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને એસઈસી દ્વારા અથવા તમામ પાંચ ગણતરી હેઠળ ભ્રષ્ટાચાર અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હોવાના જૂઠા અને અવિચારી અહેવાલો પ્રસિધ્ધ થયા હતા. હકીકતમાં અદાણીના અધિકારીઓ પર માત્ર કાઉન્ટ 2: `કથિત સિક્યોરિટીઝ છેતરાપિંડીનું કાવતરું,’ કાઉન્ટ 3: `કથિત વાયર છેતરાપિંડીનું કાવતરું’ અને કાઉન્ટ `કથિત સિક્યોરિટીઝ છેતરાપિંડી’નો આરોપ મૂકવામાં આવ્યો છે. અદાણી સામે પૂરાવાનો કોઇ ઉલ્લેખ નથી. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના આરોપ સામે અદાણીના અધિકારીઓ દ્વારા ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવામાં આવી હોવાના કોઈ પુરાવા નથી, આરોપ અને ફરિયાદ ફક્ત એવા દાવા પર આધારિત છે કે, લાંચનું વચન આપવામાં આવ્યું હતું અથવા તેની ચર્ચા કરવામાં આવી હતી.
આ તમામ એઝયુર પાવર અને સીડીપીકયુના ભૂતપૂર્વ કર્મચારીઓની સંભાવનાઓ અને કર્ણોપકર્ણ સાંભળેલી વાતો પર આધારિત છે, યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુ.એસ.ના એસઈસી બંને નૈતિક અને કાનૂની રીતે અદાણી સમૂહ સામેની કાર્યવાહીને એક ખતરનાક રીતે અસ્થિરતા તરફ ધકેલવાનું ગણાવે છે. ઉલ્લેખનીય છે કે, યુ.એસ.ની આ ગલત-સ્થાપિત કાર્યવાહી અને જૂઠા અવિચારી અહેવાલોને પગલે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ રદ થવા, નાણાકીય બજાર ઉપર નકારાત્મક અસર અને વ્યૂહાત્મક ભાગીદારો, રોકાણકારો અને જનતા તરફથી સર્જાયેલા અચાનક પડકાર જેવા પરિબળોનાં કારણે ભારતીય સમૂહને નોંધપાત્ર અસર થઈ છે. – વિકાસને રોકવાનું ષડયંત્ર : પૂર્વ એટર્ની જનરલ : મુંદરા, તા. 26 : સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણી અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ અદાણી સામેના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. દરમિયાન, યુ.એસ. જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર્જશીટ પરની સ્પષ્ટતા બાદ શેરબજારે અદાણી ગ્રુપના શેરોમાં વિશ્વાસનો પુનરોચ્ચાર કર્યો છે. બુધવારે અદાણી ગ્રુપના તમામ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રાડિંગમાં ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.2 લાખ કરોડ (બપોરે 2 વાગ્યા સુધી)નો વધારો થયો હતો.ગ્રુપની 11 લિસ્ટેડ કંપનીના શેરમાં 4.5 ટકાથી 16 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ અદાણી ગ્રુપ સામેના લાંચના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતાં કહ્યું કે, અદાણી ગ્રુપ પર આવા આક્ષેપો કરીને ભારતના વિકાસને રોકવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
તેમણે કોંગ્રેસ પાર્ટી પર આ મુદ્દે માત્ર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીએ કોઈપણ જાતના પુરાવાઓ વિના જ આ મામલે ભ્રમ ફેલાવ્યો છે, જેનાં કારણે રોકાણકારોને ભારે નુકસાન સહન કરવું પડયું છે. અદાણી ગ્રીન અંગેના જવાબમાં પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, ચાર્જશીટના લાંચના મુદ્દામાં અદાણી પરિવારના કોઈપણ સભ્યનું નામ નથી. ચાર્જશીટમાં લાંચ કોને અને કેવી રીતે આપવામાં આવી તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસ જે અવાજ ઉઠાવી રહી છે તેનો કોઈ આધાર નથી. મુકુલ રોહતગીએ કહ્યું કે, ચાર્જશીટ જોયા બાદ સ્પષ્ટ થાય છે કે, ગૌતમ અદાણી નહીં, પરંતુ અન્ય કેટલાક લોકોને પ્રથમ આરોપમાં સામેલ કરવામાં આવ્યા છે. તે (યુ.એસ.) ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટનું ઉલ્લંઘન કરવાના ષડયંત્રનો આરોપ મૂકે છે. તેમાં અદાણી ગ્રુપના અધિકારીઓનાં નામ નથી. બુધવારે અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર 10 ટકા વધ્યા હતા, જ્યારે જૂથની અન્ય મોટી કંપની અદાણી પોર્ટ્સના શેરમાં પણ છ ટકાનો વધારો થયો હતો. અદાણી ગ્રીન અને અદાણી એનર્જીનો શેર 10 ટકાના ઉછાળા બાદ અપર સર્કિટ પર અથડાયો હતો. બપોરે 1:20 વાગ્યે અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આ તરફ શિવસેનાના પ્રવક્તા મનીષા કાયંદેએ કહ્યું હતું કે, `રાહુલ ગાંધી અને તેમની ટોળકી ઉદ્યોગપતિઓને નિશાન બનાવી રહી છે. તેઓ આ બધું માત્ર મોદીજીને અપમાનિત કરવા માટે કરે છે.’ તો રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલાએ સંસદથી લઈને શેરીઓ સુધી માત્ર અદાણી જૂથને જ નિશાન બનાવવું દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.

