Apple Leadership Change: આઈફોન બનાવતી અમેરિકાની કંપની એપલના સીઈઓ ટિમ કૂક 15 વર્ષની સર્વિસ બાદ પદ છોડવા જઈ રહ્યા છે. તેઓ ઓગસ્ટ 2011માં એપલના સીઈઓ બન્યા હતા અને આ વર્ષે 1 સપ્ટેમ્બરથી એક્ઝિક્યુટિવ ચેરમેન બનવા જઈ રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન કંપનીના રેવન્યુમાં 3.8 ગણો વધારો થયો છે જ્યારે માર્કેટ કેપ 10.6 ગણું વધ્યું છે. આ દરમિયાન કંપનીના શેરમાં આશરે 2000 ટકાની તેજી આવી છે. એપલ માર્કેટ કેપની દ્રષ્ટિએ દુનિયાની ત્રીજી સૌથી મોટી કંપની છે. તેની આગળ માત્ર એનવીડિયા અને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ છે.
કૂકના 15 વર્ષના કાર્યકાળમાં કંપનીએ મેક અને આઈફોનની સફળતાથી આગળ વધીને હેલ્થ સર્વિસિસ, સ્માર્ટ વોચ અને ઈયરબડ્સમાં સફળતાના ઝંડા ગાડ્યા. આ દરમિયાન કંપનીએ 2015માં એપલ વોચ, 2016માં એરપોડ્સ અને 2018માં આઈફોન XR, XS અને XS Max લોન્ચ કર્યા. 2021માં કંપની M1 મેક લઈને આવી જ્યારે 2023માં તેમણે વિઝન પ્રો લોન્ચ કર્યું. કંપનીનો બિઝનેસ વીડિયો સ્ટ્રીમિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસિસ સુધી ફેલાયેલો છે. આજે આ કંપની એન્ટરટેઈનમેન્ટ, હેલ્થ અને વિયરેબલ જેવા નવા ક્ષેત્રોમાં મહત્વની પ્લેયર બની ચૂકી છે.
માર્કેટ કેપમાં ઉછાળો
કૂક વર્ષ 2011માં એપલના સીઈઓ બન્યા હતા જ્યારે કંપનીના ફાઉન્ડર સ્ટીવ જોબ્સે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું. તે સમયે કંપનીનું માર્કેટ કેપ 350 અબજ ડોલર હતું. વર્ષ 2015 આવતા-આવતા તે 500 અબજ ડોલરને પાર કરી ગયું હતું અને પછીના વર્ષે તે 600 અબજ ડોલરથી ઉપર પહોંચી ગયું. 2018માં કંપનીનું માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલર પહોંચ્યું અને માત્ર બે વર્ષમાં તે બમણું થઈને 2 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું. વર્ષ 2023માં એપલનું માર્કેટ કેપ 3 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું જ્યારે ગયા વર્ષે તે 4 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું હતું.
કૂકે 15 વર્ષ પહેલા જ્યારે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે એપલના શેરનો ભાવ 13 ડોલર હતો જ્યારે મંગળવારે તેનો બંધ ભાવ 266.17 ડોલર હતો. આ રીતે કંપનીના શેરમાં છેલ્લા 15 વર્ષમાં આશરે 2000 ટકા તેજી આવી છે. કૂકના સીઈઓ પદ છોડવાની જાહેરાત બાદ કંપનીના શેરમાં મંગળવારે 2.52 ટકાનો ઘટાડો આવ્યો અને તેનું માર્કેટ કેપ 3.912 ટ્રિલિયન ડોલર રહી ગયું. આજે કંપનીના 200 થી વધુ સ્ટોર છે અને 2.5 અબજથી વધુ એક્ટિવ ડિવાઈસ છે.
કોણ છે ઉત્તરાધિકારી?
એપલનું કહેવું છે કે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કૂકનું કામ દુનિયાભરના પોલિસીમેકર્સ સાથે કામ કરવાનું રહેશે. 65 વર્ષના થઈ ચૂકેલા કૂકની જગ્યાએ હવે 50 વર્ષના જોન ટર્નસ સીઈઓની ખુરશી સંભાળશે. તેઓ 2001માં એપલની પ્રોડક્ટ ડિઝાઈન ટીમ સાથે જોડાયા હતા. 2013માં તેમને હાર્ડવેર એન્જિનિયરિંગના વાઈસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા અને પછી 2021માં તેમને પ્રમોટ કરીને સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા. ટર્નસે આઈપેડ અને એરપોડ્સ જેવી પ્રોડક્ટ્સના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

