Best Gold Investment: 16 મે, 2025ના રોજ સોનાનો ભાવ ઘટીને 95,900 રૂપિયા થયો પરંતુ વર્ષમાં એકંદરે 27 ટકાનો વધારો થયો હતો. આનાથી ઇન્વેસ્ટિંગની દૃષ્ટિએ કમાણીમાં મોટો ફરક પડ્યો છે. તો ચાલો જાણીએ કે, SGB, ETF, મ્યુચ્યુઅલ ફંડ અને ફિઝિકલ ગોલ્ડમાંથી કોણે સૌથી વધુ નફો આપ્યો.
સોવરિન ગોલ્ડ બોન્ડ: જો તમે એક વર્ષ પહેલા સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)માં રોકાણ કર્યું હોત, તો 27% જેટલું રિટર્ન મેળવ્યું હોત અને તેની સાથે જ દર વર્ષે 2.5% વ્યાજ પણ મેળવ્યું હોત. આ ગોલ્ડ બોન્ડ સ્કીમની ખાસિયત એ છે કે, જો તમે તેને મેચ્યોરિટી સુધી હોલ્ડ કરો છો તો તેમાં કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી.
આ બોન્ડ્સ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે, તેમ છતાં તેમાં ટ્રેડિંગ ખૂબ ઓછું થાય છે. હવે સરકાર તરફથી SGB સ્કીમનો ઇશ્યૂ બંધ કરી દેવામાં આવ્યો છે. આ સ્કીમમાં અત્યાર સુધીમાં લગભગ ₹72,000 કરોડનું રોકાણ જોવા મળ્યું છે અને રોકાણકારો પાસે આજે પણ આશરે 1.32 લાખ કિલો સોનાના બોન્ડ્સ પડ્યા છે.
ગોલ્ડ ETF: છેલ્લા એક વર્ષમાં, આ ગોલ્ડે સરેરાશ 26.5 ટકા રિટર્ન આપ્યું છે. આમાં રિટર્ન થોડું ઓછું હતું કારણ કે આનો એક્સચેન્જ રેશિયો 0.3 થી 0.5 ટકા છે. જણાવી દઈએ કે, ETFમાં કોઈ વ્યાજ નથી મળતું અને ટેક્સમાં પણ છૂટછાટ જોવા મળતી નથી. એક વર્ષથી ઓછા સમયગાળાના રોકાણ પર 20 ટકા ટેક્સ અને લાંબા ગાળાના રોકાણ પર 12.5 ટકા ટેક્સ ચૂકવવો પડે છે.
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ: જેમની પાસે ડીમેટ ખાતું નથી તેમના માટે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ફંડ્સ ગોલ્ડ ETFમાં રોકાણ કરે છે અને SIP અથવા સિસ્ટમેટિક વિડ્રોલ જેવા વિકલ્પો થકી તમે તેમાં જોડાઈ શકો છો. આ ફંડસે ગયા વર્ષે 25.5 થી 26 ટકા રિટર્ન આપ્યું હતું. આમાં બે પ્રકારની ફી લાદવામાં આવતા રિટર્ન ઓછું રહ્યું હતું. એક મ્યુચ્યુઅલ ફંડની મેનેજમેન્ટ ફી અને બીજી ETFની એક્સપેન્સ ફી લાગતી હતી.
ફિઝિકલ ગોલ્ડ: ગયા વર્ષે સોનાના ભાવમાં લગભગ 27%નો વધારો થયો હતો પરંતુ ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરનારને વાસ્તવિક રિટર્ન માત્ર 23-24%ના નજીક મળ્યું છે. આ તફાવતનું મુખ્ય કારણ છે 3% GST, મેકિંગ ચાર્જ અને દુકાનદારનો માર્જિન. વધુમાં જોઈએ તો, વેચાણ સમયે પણ પૂરી કિંમત મળતી નથી અને શુદ્ધતા ચકાસવાની મુશ્કેલીઓ આવે એ અલગ.
ડિજિટલ ગોલ્ડ: આજકાલ ઘણી ફિનટેક એપ્સ અને વોલેટ્સ પર ડિજિટલ સોનું સરળતાથી મળી આવે છે. આ ખરીદેલું સોનું એક સુરક્ષિત તિજોરીમાં રાખવામાં આવે છે. ગયા વર્ષે ડિજિટલ ગોલ્ડે લગભગ 26 થી 27 ટકા રિટર્ન આપ્યું હતું પરંતુ હાલના ખરીદીના અને વેચાણના ભાવ વચ્ચે 2 થી 3 ટકાનો તફાવત જોવા મળ્યો છે, જેના કારણે વાસ્તવિક નફામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આ ગોલ્ડ પર કોઈ વ્યાજ નથી લાગતું, ટેક્સમાં છૂટછાટ પણ છે અને સેબી કે આરબીઆઈ દ્વારા કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી. નાનું રોકાણ કરવું હોય તો આ એક સારો વિકલ્પ છે પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે આ યોગ્ય વિકલ્પ નથી.
તમે બોન્ડ ખરીદો, ETF ખરીદો કે દાગીના પહેરો આ બધુ એક જ છે અને ટૂંકમાં જોઈએ તો તમે રોકાણ ગોલ્ડમાં જ કરી રહ્યા છો. આમાં રિટર્ન અલગ અલગ હોય છે કારણ કે દરેક માધ્યમની પોતાની કિંમતો, સુવિધાઓ અને મર્યાદાઓ હોય છે.