CBI Action on Anil Ambani: કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ રિલાયન્સ કેપિટલ લિમિટેડ (RCL), તેના પૂર્વ ચેરમેન અનિલ અંબાણી (Anil Ambani), અજ્ઞાત સરકારી કર્મચારીઓ અને અન્ય અજ્ઞાત વ્યક્તિઓ સામે છેતરપિંડીનો નવો કેસ નોંધ્યો છે.
આ FIR કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી મળેલી લેખિત ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપનીઓ દ્વારા કરવામાં આવેલી કથિત ગેરરીતિઓના કારણે EPFOને 1,007.55 કરોડ રૂપિયાનું મૂળ નુકસાન અને 808.67 કરોડ રૂપિયાની વ્યાજની જવાબદારી, એટલે કે કુલ 1,816.22 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.
શું છે મામલો?
CBIની તપાસ મુજબ, વર્ષ 2013 અને 2014 દરમિયાન રિલાયન્સ કેપિટલે સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) જાહેર કર્યા હતા.
EPFOએ ચાર પોર્ટફોલિયો મેનેજરો (જેમાં રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ પણ સામેલ હતી) મારફતે રિલાયન્સ કેપિટલના આ NCDsમાં 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
આ ડિબેન્ચર્સ વર્ષ 2023 અને 2024 વચ્ચે પરિપક્વ થવાના હતા. જોકે, આરોપીઓએ કથિત રીતે બનાવટી નાણાકીય વ્યવહારો અને નાણાંની હેરફેર કરી, જેના કારણે કંપની સમયસર ચુકવણી કરવામાં અસમર્થ રહી.
1,816 કરોડના નુકસાનનો આરોપ
CBIના જણાવ્યા મુજબ, ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીઓએ કથિત રીતે છેતરપિંડીયુક્ત નાણાકીય વ્યવહારો અને ફંડના ડાયવર્ઝનને અંજામ આપ્યો હતો. તેના કારણે રિલાયન્સ કેપિટલ NCDsની રકમ સમયસર પરત કરી શકી નહોતી.
એજન્સીના જણાવ્યા મુજબ, આ સમગ્ર મામલામાં EPFOને કથિત રીતે 1,007.55 કરોડ રૂપિયાનું નુકસાન થયું, જ્યારે તેના પર 808.67 કરોડ રૂપિયાની વ્યાજની જવાબદારી પણ ઊભી થઈ. આ રીતે કથિત કુલ નુકસાન 1,816.22 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.
CBI કરશે તપાસ
CBIએ જણાવ્યું છે કે તપાસ દરમિયાન આ મામલામાં સામેલ તમામ લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. એજન્સી કથિત આપરાધિક ષડયંત્રની પણ તપાસ કરશે અને EPFO દ્વારા રોકાયેલા ફંડનો આખરે ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જાણવા પ્રયાસ કરશે.
ગ્રુપની અન્ય કંપનીઓ સામે પણ કેસ નોંધાયેલા
CBIએ જણાવ્યું કે આ પહેલાં પણ રિલાયન્સ કમ્યુનિકેશન્સ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ, રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ અને રિલાયન્સ ટેલિકોમ સામે જાહેર ક્ષેત્રની બેંકો અને LIC તરફથી મળેલી ફરિયાદોના આધારે સાત FIR નોંધવામાં આવી ચૂકી છે.
એજન્સીના જણાવ્યા મુજબ, રિલાયન્સ ADA ગ્રુપ સાથે જોડાયેલા મામલાઓમાં અત્યાર સુધી ચાર ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચૂકી છે અને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. CBIએ જણાવ્યું છે કે આ તમામ કેસો હજુ તપાસ હેઠળ છે અને તેમની દેખરેખ સુપ્રીમ કોર્ટ કરી રહી છે. એજન્સીએ જણાવ્યું છે કે તે આ કેસોની ઝડપી અને વ્યાપક તપાસ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે.

