FDI Rules India: ચીનના રોકાણકારોની 10%થી ઓછી હિસ્સેદારી ધરાવતી વિદેશી કંપનીઓને ભારતમાં ઓટોમેટિક રૂટથી રોકાણની મંજૂરી આપવામાં આવ્યા બાદ ફૉરન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના આશરે 29 પ્રસ્તાવ આવ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે જણાવ્યું કે મેમાં આપવામાં આવેલી મંજૂરી બાદ કુલ આશરે 4,895 કરોડ રૂપિયાના પ્રત્યક્ષ વિદેશી રોકાણના પ્રસ્તાવો આવ્યા છે.
મે પહેલાં નિયમ એવો હતો કે જે પણ દેશ ભારતની જમીની સરહદ સાથે જોડાયેલા છે, ત્યાંના કોઈ વ્યક્તિ અથવા કંપનીના રોકાણવાળી કોઈપણ વિદેશી કંપનીના રોકાણ પ્રસ્તાવ માટે સરકારી મંજૂરી જરૂરી હતી. 10 માર્ચે કેબિનેટની મંજૂરી બાદ 1 મેના રોજ નાણાં મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું હતું.
નિયમોમાં ઢીલ
આમાં ભારતની જમીની સરહદ સાથે જોડાયેલા ચીન સહિત અન્ય દેશોના શેરહોલ્ડરો ધરાવતી વિદેશી કંપનીઓના FDIના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. જોકે ભારતની જમીની સરહદ સાથે જોડાયેલા ચીન સહિત કોઈપણ દેશ અને હોંગકોંગમાં રજિસ્ટર્ડ કંપની તરફથી FDIના મામલામાં આ છૂટ લાગુ થશે નહીં.
મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે નિયમોમાં ફેરફાર બાદ 20 ઑગસ્ટ સુધી 29 FDI પ્રસ્તાવ આવ્યા, જેમાં 4895.65 કરોડ રૂપિયાના રોકાણની વાત છે. આ પ્રસ્તાવો IT, AI, મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, ડેટા સેન્ટર અને ટ્રાન્સપોર્ટ સર્વિસિસ સહિત અનેક સેક્ટરમાં રોકાણ માટે છે. આ પ્રસ્તાવો મોરિશસ, અમેરિકા, કોરિયા, જાપાન, સિંગાપોર, લક્ઝમબર્ગ અને કેમેન આઇલેન્ડ્સ જેવા દેશોના રોકાણકારો અને કંપનીઓ તરફથી આવ્યા છે.

