FIR on Madhabi Puri Buch: મુંબઈની વિશેષ ACB કોર્ટે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં SEBIના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને SEBIના ટોચના અધિકારીઓ સામે FIR નોંધવાનો તેમજ 30 દિવસમાં કેસ સાથે સંબંધિત સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ આપ્યા બાદ સેબીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
અમે કોર્ટના આદેશને પડકારીશું : સેબી
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ કહ્યું છે કે, ‘તેઓ મુંબઈની વિશેષ એસીબી કોર્ટના આદેશને પડકાશે.’ સેબીએ આદેશને નિરાધાન ગણાવી કહ્યું કે, તેઓ આદેશ વિરુદ્ધ કાયદાકીય પગલા ભરશે. સેબીએ સત્તાવાર કહ્યું છે કે, ‘ફરિયાદી અગાઉ પણ આવી અરજીઓ કોર્ટમાં દાખલ કરી ચુક્યા છે, જેમાં કોર્ટે દંડ સાથે ફગાવી દીધી છે. કોર્ટના આદેશ વિરુદ્ધ સેબી યોગ્ય કાયદાકીય પગલા ભરશે. અને તમામ બાબતોમાં નિયમનકારી અનુપાલન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.’
SEBI અને BSEના ટોચના અધિકારીઓ પર FIRનો આદેશ
ઉલ્લેખનીય છે કે, મુંબઈને વિશેષ એસીબી કોર્ટે ઠાણેના એક પત્રકારની અરજી પર આ આદેશ આપ્યો છે. વિશેષ ન્યાયાધીશ એસ.ઈ.બાંગરે શનિવારે (1 માર્ચ) મુંબઈ એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ને આદેશ આપ્યો કે, માધબી પુરી બુચ, સેબીના સભ્યો અશ્વિની ભાટિયા, આનંદ નારાયણ અને કમલેશ ચંદ્ર વાર્શ્નેય તેમજ બીએસઈના સીઈઓ સુંદરરામન રામામૂર્તિ અને પૂર્વ ચેરમેન પ્રમોદ અગ્રવાલ સામે એફઆઈઆર નોંધવામાં આવે.’
કોર્ટે અમને નોટિસ પણ આપી નહીં : સેબી
સેબીએ કહ્યું કે, ‘કોર્ટે તે અધિકારીઓ વિરુદ્ધ આદેશ આપ્યો છે, જેઓ તે સમયે સંબંધીત પદો પર કાર્યરત પણ ન હતા. તેમ છતાં કોર્ટે સેબીને નોટિસ પાઠવ્યા વગર અને અમને અમારો પક્ષ રાખવાની તક આપ્યા વગર આ આદેશ પસાર કર્યો છે.’
કોર્ટે શું કહ્યું હતું?
અરજદારે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, સેબીના અધિકારીઓએ તેમની કાનૂની જવાબદારીઓ પૂરી નથી કરી, માર્કેટમાં હેરફેર પ્રોત્સાહન આપ્યું અને નિર્ધારિત માપદંડોને પૂર્ણ ન કરતી કંપનીના લિસ્ટિંગની મંજૂરી આપી. પિટિશનમાં કેલ્સ રિફાઇનરીઝ નામની કંપનીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જેના સ્ટોક લિસ્ટિંગમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા છે. કોર્ટે આદેશમાં કહ્યું હતું કે, નિયમનકારી ક્ષતિઓ અને મિલીભગતના પ્રથમદર્શી પુરાવા છે, જેના માટે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની જરૂર છે. કાયદા અમલીકરણ એજન્સીઓ અને સેબીની નિષ્ક્રિયતાને જોતાં ન્યાયિક હસ્તક્ષેપ જરૂરી છે. રેકોર્ડ પર ઉપલબ્ધ સામગ્રીનો અભ્યાસ કર્યા પછી કોર્ટે ACB વર્લીને FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે.
બૂચ તાજેતરમાં જ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું
માધબી પુરી બુચનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થવા પર કેન્દ્ર સરકારે આ પદ માટે પાંડેના નામની જાહેરાત કરી છે. સેબીના વડાની જવાબદારી સંભાળ્યા બાદ બુચનો 28મી ફેબ્રુઆરી છેલ્લો દિવસ હતો. સેબી ઓફિસની પરંપરા મુજબ ગયા શુક્રવારે બૂચને ફેરવેલ આપવાની હતી, પરંતુ તેમ ન થયું અને માધબી બૂચને ફેરવેલ વિના જ જતા રહેવું પડ્યું હતું.
માધબી પુરી બુચ પર આરોપ શું હતો?
હિન્ડનબર્ગના રિપોર્ટમાં અદાણી જૂથના શેર્સમાં ગેરરીતિ થઈ હોવાના આરોપમાં સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિની પણ સંડોવણી હોવાનો આરોપ મૂકાયો હતો. જો કે, માધબી પુરી બુચ સતત આ આરોપોને નકારી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ લગાવ્યો હતો કે, માધબી બુચે સેબીમાં તેમના કાર્યકાળ દરમિયાન લિસ્ટેડ સિક્યોરિટીઝમાં 36.9 કરોડ રૂપિયાનું ટ્રેડિંગ કરીને સેબીના મહત્ત્વપૂર્ણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ખેરાએ દાવો કર્યો હતો કે, આ ટ્રેડિંગ પ્રવૃત્તિ વર્ષ 2017 થી 2023 ની વચ્ચે થઈ હતી, જેમાં નાણાકીય વર્ષ 2018-19માં કુલ 19.54 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા.

