Gautam Adani Net Worth 2026: મુકેશ અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી મોટા રઈસ, ક્યાં પહોંચી નેટવર્થ?

Arati Parmar
2 Min Read

Gautam Adani Net Worth 2026: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એશિયાના સૌથી મોટા રઈસ બની ગયા છે. તેમણે પોતાના જ દેશના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પછાડીને આ સિદ્ધિ મેળવી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અદાણીની નેટવર્થ હવે ૯૨.૬ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૮.૧૦ અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે. આ સાથે જ તેઓ દુનિયાના અમીરોની યાદીમાં ૧૯મા નંબરે પહોંચી ગયા છે. બીજી તરફ અંબાણીની નેટવર્થ ૯૦.૮ અબજ ડોલર રહી ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૧૬.૯ અબજ ડોલરનો ઘટાડો થયો છે.

ગુરુવારે ભારતીય શેરબજારમાં મામૂલી ઘટાડો રહ્યો. સેન્સેક્સ ૧૨૩ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો. પરંતુ અદાણી ગ્રુપના શેરોમાં તેજી રહી. જેનાથી અદાણીની નેટવર્થમાં ૩.૫૬ અબજ ડોલરનો ઉછાળો આવ્યો. બીજી તરફ અંબાણીની નેટવર્થમાં ૭૬.૭ મિલિયન ડોલરનો વધારો થયો. રિલાયન્સનો શેર ગઈકાલે લગભગ સપાટ બંધ રહ્યો હતો. અંબાણી એશિયામાં બીજા અને દુનિયામાં ૨૦મા નંબરે છે.

- Advertisement -

કોણે કોણે નેટવર્થ ગુમાવી

આ વર્ષે દુનિયાના ટોપ ૨૦ અમીરોમાંથી ૭ અમીરોની નેટવર્થમાં ઘટાડો થયો છે. ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટે સૌથી વધુ ૪૪ અબજ ડોલર ગુમાવ્યા છે. આ યાદીમાં આર્નોલ્ટ સિવાય સ્ટીવ બાલમર, ઓરેકલના ફાઉન્ડર લેરી એલિસન, માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ, જાણીતા રોકાણકાર વોરેન બફેટ, સ્પેનના દિગ્ગજ એમેન્સિયો ઓર્ટેગા અને મુકેશ અંબાણી સામેલ છે.

  • ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી મોટા રઈસ

  • મુકેશ અંબાણીને પછાડીને હાંસલ કર્યું સ્થાન

  • અદાણીની નેટવર્થ ૯૨.૬ અબજ ડોલર પહોંચી

  • અંબાણીની નેટવર્થ ૯૦.૮ અબજ ડોલર રહી ગઈ છે

કોણ કોણ છે ટોપ ૧૦ માં

એલોન મસ્ક ૬૫૬ અબજ ડોલર સાથે આ યાદીમાં પહેલા નંબરે યથાવત છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૩૬.૭ અબજ ડોલરની તેજી આવી છે. ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ ૨૮૬ અબજ ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં બીજા નંબરે છે. એમેઝોનના જેફ બેઝોસ (૨૬૯ અબજ), સેર્ગેઈ બ્રિન (૨૬૬ અબજ), માર્ક ઝુકરબર્ગ ($૨૩૯ અબજ), લેરી એલિસન ($૨૩૦ અબજ), માઈકલ ડેલ ($૧૭૦ અબજ), જેન્સેન હુઆંગ ($૧૬૪ અબજ), બર્નાર્ડ આર્નોલ્ટ ($૧૬૪ અબજ) અને જિમ વોલ્ટન ($૧૫૦ અબજ) પણ ટોપ ૧૦ માં સામેલ છે.

- Advertisement -
Share This Article