Gold and silver prices record high Ahmedabad: વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે કિંમતી ધાતુમાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી છે. દેશભરમાં આજે સોના અને ચાંદીનો ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. એમસીએક્સ સોનું પણ ઓલટાઈમ હાઈ નોંધાયું છે. કિંમતી ધાતુ બજારમાં સોના કરતાં ચાંદીમાં મજબૂત તેજી જોવા મળી છે.
અમદાવાદમાં સોનું 3900 રૂપિયા મોંઘુ થયું
અમદાવાદમાં આજે સોનાની કિંમતમાં રૂ. 1000નો ઉછાળો નોંધાયો છે. આ ઉછાળા સાથે 999 સોનું રેકોર્ડ રૂ.1,07,700 પ્રતિ 10 ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. 995 સોનાનો ભાનવ રૂ. 107400 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. અમદાવાદ સોની બજારમાં સોનાનો ભાવ છેલ્લા પાંચ દિવસથી રોજ નવી ટોચ બનાવી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ સોનું રૂ. 3900 પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયુ છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વધતી ઔદ્યોગિક માગના કારણે સોના કરતાં ચાંદીમાં મોંઘવારી સતત વધી રહી છે. ચાંદી છેલ્લા એક સપ્તાહમાં રૂ. 6000 પ્રતિ કિગ્રાનો ઉછાળો નોંધાયો છે.
ચાંદી પણ સર્વોચ્ચ ટોચે
અમદાવાદમાં આજે ચાંદીની કિંમત રૂ. 1122500 પ્રતિ કિગ્રાની સર્વોચ્ચ ટોચે પહોંચી હતી. જે ગત શનિવારની તુલનાએ રૂ. 3000 ઉછળી છે. ઉલ્લેખનીય છે, ભારતમાં હવે ચાંદીના ઘરેણાં માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2025થી સરકારે ચાંદીના ઘરેણાં પર નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ કરી છે. તે હજુ સંપૂર્ણપણે ફરજિયાત નથી, પરંતુ ગ્રાહકોની ઈચ્છા પર આધાર રાખે છે. એનો અર્થ એ કે, જો તમે ઈચ્છો તો હૉલમાર્કવાળી ચાંદી ખરીદી શકો છો, અથવા હૉલમાર્ક વિનાની પણ ખરીદી શકો છો. પરંતુ લાંબા ગાળે માત્ર હૉલમાર્કવાળા ઘરેણા જ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે. જો કે, ભારતમાં સોનાના ઘરેણાં પર હૉલમાર્કિંગ પહેલાથી જ ફરજિયાત છે.
MCX પર સોના અને ચાંદીમાં તોતિંગ ઉછાળો
MCX પર સોનાનો 3 ઓક્ટોબરનો વાયદો આજે રૂ. 1,03,899 પર ખૂલ્યા બાદ બપોરે 12 વાગ્યાની આસપાસ રૂ. 1,05,729ની રેકોર્ડ બ્રેક ટોચે પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો વાયદો રૂ. 124990 પ્રતિ 10 કિગ્રાની ઓલટાઈમ હાઈ સપાટીએ ક્વોટ થયો હતો. સાંજે 5.20 વાગ્યે સોનું રૂ. 928 ઉછળી 104752 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 2039 ઉછળી રૂ. 122410 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ રહ્યો હતો.