Illegal immigrants in us: અમેરિકાનું ઘેલું લાગ્યું અને કરોડોનો ધૂમાડો કરીને ત્યાં ગયા તેમની હાલત કફોડી થઈ ગઈ છે, જેઓ અમેરિકામાં ગેરકાયદે પહોંચ્યા છે પરંતુ બચી ગયા છે તેમની હાલત પણ કફોડી બની ગઈ છે. અમેરિકાની એજન્સીઓથી બચવા માટેના પ્રયાસો તેમના દ્વારા શરુ કરી દેવામાં આવ્યા છે, આવામાં અમેરિકાનો મોહ એનકેન પ્રકારે સફળ થઈ ગયો છે તેમને પણ પરસેવો છૂટી જાય તેવી હાલ થઈ ગઈ છે. અમેરિકા દ્વારા ગેરકાયદે રહેતા ઈમિગ્રન્ટ્સને પરત મોકલવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે અને જેઓ અગાઉથી અહીં આવી ગયા છે તેમને શોધવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને અંડરગ્રાઉન્ડ થવાનો વારો પણ આવ્યો છે તેવી વિગતો સામે આવી છે. પરંતુ આજે અમે એવી વાત તમારી સમક્ષ કરવાના છીએ કે જેમાં તમે કબૂતરબાજી વગર દર વર્ષે મોજથી અમેરિકા જઈ શકશો. આ સાથે ભારતમાં તમે બહુ સારું જીવન પણ જીવી શકો છો.
ગેરકાયદે જેઓ અમેરિકા જાય છે તેઓને લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ હાલના સમયમાં કરવો પડે છે, આવામાં પણ તેમણે ઘણી યાતનાઓ અને 6 મહિનાથી 1 વર્ષ સુધી અલગ-અલગ દેશોમાં ફરીને અમેરિકા પહોંચવું પડે છે. પરંતુ જો આ એક કરોડ રૂપિયાનું સારું ગણિત માંડવામાં આવે તો ખોટી રીતે અમેરિકા જવાની જરુર જ ન પડે અને સ્વમાન સાથે તેઓ ઈચ્છે તો દર વર્ષે અમેરિકા જઈ શકે છે.
SWP એટલે કે સિસ્ટેમેટિક વીડ્રો પ્લાન, આ પ્લાન દ્વારા ઘરના ખર્ચા કાઢવાની સાથે અમેરિકા કરતા પણ સારી લાઈફ ભારતમાં જીવવા મળી શકે છે.ધારોકે, કબુતરબાજીમાં અમેરિકા ગયા છે તેમણે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોય અને હવે પાછા આવવું પડ્યું હોય તો તે રૂપિયા તેમના હાથમાં આવવાના નથી. પરંતુ તેમણે આ 1 કરોડ રૂપિયાનું રોકાણ SWPમાં કર્યું હોત તો તેમને અમેરિકા ગયા વગર અમેરિકા કરતા વધારે જલસાવાળી લાઈફ અહીં જીવવા મળી શકે છે.
SBI મ્યુચ્યુઅલ ફંડના SWPના કેલક્યુલેટર પ્રમાણે જોઈએ તો 1 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો તેમે 10 વર્ષ કરતા વધુ સમય માટે દર મહિને 1 લાખ રૂપિયાનો ઉપાડ કરી શકશો. જેના દ્વારા તમને વાર્ષિક 12 લાખ રૂપિયા જેટલી રકમ મળી શકે છે. આમ એક કરોડ રૂપિયાના રોકાણ સામે 11 વર્ષ અને 10 મહિનાના અંતે જે રૂપિયા વાપરવા મળશે તે આંકડો 1.80 કરોડથી વધુ થાય છે. (ચેતવણીઃ અહીં સામાન્ય માહિતીના આધારે આ ગણતરી કરવામાં આવી છે વધુ માહિતી માટે જાણકાર અથવા બેંકની મદદ લેવી જરુરી છે.)
હવે જો 1 કરોડ આપવા છતાં તમે અમેરિકામાં ફરી ન શકો તેવી સ્થિતિમાં જવાના બદલે તમને રોકાણ દ્વારા જે રૂપિયા મળે છે તેનાથી સારું જીવન જીવી શકો છો અને તે રૂપિયામાંથી દર વર્ષે અમેરિકા કે દુનિયાના બીજા દેશમાં ફરવા જવા માગતા હોય તો તેનું પ્લાનિંગ પણ પરિવાર સાથે કરી શકો છો. આ સાથે તમે 1 કરોડ રૂપિયાની સારી રીતે બચત કરીને આગામી પેઢીનું ભવિષ્ય પણ ઉજળું બનાવી શકો છો.
એવા પણ કિસ્સા આવ્યા છે કે લોકોએ પ્રોપર્ટી વેચીને કે ખેતર વેચીને ખોટી રીતે અમેરિકા ગયા છે કે જવા માગે છે, જો તેઓ આ ખેતરમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને નવી ખેતી કરે અથવા તો ખેતરને ભાડે આપીને કે તેને વેચીને પણ તેની આવકમાંથી સારો ધંધો કરીને સારી કમાણી કરી શકે છે, આ કમાણી તેમને સાચી રીતે અમેરિકા લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ખોટી રીતે અમેરિકા ગયેલા લોકોને પરત આવવું પડી રહ્યું છે, અમેરિકાની એજન્સીઓ ઈલીગલ ઈમિગ્રન્ટ્સને શોધી-શોધીને પરત મોકલી રહી છે, પહેલા 104 અને હવે વધુ 120 લોકો ભારત પાછા આવવાના છે. જેમાં શનિવારે આવનારા પ્લેનમાં 10 જેટલા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.
