Norway Economic Model: ફૂટબોલ વર્લ્ડ કપમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. યુરોપના નાના એવા દેશ નોર્વેએ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પાંચ વારના ચેમ્પિયન બ્રાઝિલને હરાવીને તહલકો મચાવી દીધો છે. નોર્વેની ટીમ પહેલીવાર ફૂટબોલ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. માત્ર ૫૬ લાખની વસ્તી ધરાવતા દેશ નોર્વેની ગણતરી દુનિયાના સૌથી અમીર દેશોમાં થાય છે. આ માનવ સૂચકાંક ઇન્ડેક્સમાં ટોપ પર રહેનારા દેશોમાંનો એક છે. આખરે નોર્વેની કમાણી ક્યાંથી થાય છે?
નોર્વે સ્કેન્ડિનેવિયન દેશોમાં આવે છે. નોર્વે સિવાય તેમાં સ્વીડન અને ડેનમાર્ક સામેલ છે. નોર્વેનો કુલ વિસ્તાર ૩,૮૫,૨૦૭ વર્ગ કિમી છે. તેમાં મુખ્ય ભૂમિનો વિસ્તાર ૩,૨૩,૮૦૨ વર્ગ કિમી છે જ્યારે ટાપુઓનો વિસ્તાર ૬૧,૪૨૫ વર્ગ કિમી છે. નોર્વેની ઈકોનોમી ખૂબ સમૃદ્ધ અને મિશ્રિત કલ્યાણકારી અર્થવ્યવસ્થા માનવામાં આવે છે. તેની જીડીપી આશરે ૫૦૦ બિલિયન અમેરિકી ડોલર છે. તેની માથાદીઠ જીડીપી ૧,૦૫,૮૭૭ ડોલર છે જે ભારતીય રૂપિયાના હિસાબે આશરે ૧,૦૧,૦૨,૮૩૦ રૂપિયા થાય છે.
ક્યાંથી થાય છે કમાણી?
નોર્વેની કમાણીનું સૌથી મોટું સાધન નોર્થ સી માંથી નીકળતું તેલ અને ગેસ છે. નોર્વે યુરોપમાં તેલ અને કુદરતી ગેસનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર છે. દેશની કુલ નિકાસમાં પેટ્રોલિયમ સેક્ટરનો હિસ્સો ૪૦% થી વધારે છે. નોર્વેમાંથી મોટાભાગની નિકાસ યુનાઈટેડ કિંગડમ, જર્મની અને નેધરલેન્ડને થાય છે. નોર્વે દુનિયામાં કુદરતી ગેસનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર છે. દેશમાં દરરોજ આશરે ૨ મિલિયન બેરલનું ઉત્પાદન થાય છે. નોર્વે દુનિયામાં કાચા તેલનો ૧૨ મો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે.
જોકે તેલ અને ગેસ પર અત્યાધિક નિર્ભરતા નોર્વેની ઈકોનોમી માટે એક સ્ટ્રક્ચરલ રિસ્ક પેદા કરે છે. દુનિયામાં ફોસિલ ફ્યુઅલ એટલે કે અશ્મિભૂત ઈંધણના વપરાશને ઘટાડવાની ઝુંબેશ ચાલી રહી છે. આને જોતા તેલ અને ગેસ પર નિર્ભર દેશોની ઈકોનોમી માટે પણ ખતરો પેદા થયો છે. આ જ કારણ છે કે તેઓ પોતાની ઈકોનોમીને ડાયવર્સિફાઈ કરવામાં લાગ્યા છે. નોર્વે પણ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઈનોવેશન, પ્રોડક્ટિવિટી અને ગ્રીન ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપી રહ્યું છે.

