Platinum: ૯૯ ટકાથી ઓછી શુદ્ધતા સાથેના પ્લેટિનમની આયાત પર સરકારે અંકૂશ મૂકયા છે. સોના સાથે મિકસ કરીને પ્લેટિનમની કરાતી ગેરકાયદે આયાતને અટકાવવાના ભાગરૂપ આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.
પ્લેટિનમ એલોયસના આયાતકારોએ હવેથી ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) પાસેથી ઈમ્પોર્ટ ઓથોરાઈઝેશન મેળવવાનું રહેશે એમ ડીજીએફટી દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે.સોના તથા પ્લેટિનમની આયાત ડયૂટીમાં રહેલા તફાવતને ધ્યાનમાં રાખી આયાતકારો પ્લેટિનમમાં મોટી માત્રામાં સોનુ મિકસ કરી આયાત કરતા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ સરકારનો આ નિર્ણય આવી પડયો છે. હાલમાં દેશમાં ગોલ્ડ પર ૬ ટકા જ્યારે પ્લેટિનમ પર ૬.૪૦ ટકા ઈમ્પોર્ટ ડયૂટી વસૂલવામાં આવે છે.
પ્લેટિનમની આયાત નીતિ બદલવામાં આવી છે, જેમાં ૯૯ કે તેથી વધુની શુદ્ધતા સાથેના પ્લેટિનમની આયાત મુકત રહેશે જ્યારે ૯૯ ટકાથી ઓછી શુદ્ધતા સાથેના પ્લેટિનમને પ્રતિબંધિત માલસામાનની યાદીમાં આવરી લેવાયું છે, એમ ડીજીએફટી દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે. જ્વેલરીના ઉત્પાદન માટે પ્લેટિનમનો પૂરવઠો જળવાઈ રહે તેની તકેદારી રાખવા સરકારે ૯૯ ટકા કે તેથી વધુની શુદ્ધતા સાથેના પ્લેટિનમની મુકત આયાતની છૂટ આપી છે.

