RBI Silver Loan New Rules: સોનાની જેમ હવે ચાંદી પર પણ લોન! RBI દ્વારા નવી ગાઈડલાઈન જાહેર

Arati Parmar
4 Min Read
RBI Silver Loan New Rules:  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હવે સોનાની સાથે ચાંદી પર પણ લોન લેવાની મંજૂરી આપી છે. એટલે કે, જો તમારી પાસે ચાંદીના દાગીના અથવા સિક્કા છે, તો તમે તેના પર પણ બેંક અથવા ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન લઈ શકો છો. RBIએ આ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ નિયમો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડાયરેકશન્સ 2025 હેઠળ છે. તેમાં સોના અને ચાંદીને ગિરવે રાખવાના તમામ નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમો 1 એપ્રિલ 2026 થી લાગુ થશે.
કોણ-કોણ સોના-ચાંદી પર લોન આપી શકે છે? – કમર્શિયલ બેંક (સહિત સ્મોલ ફાઇનાન્સ અને રીજનલ રુરલ બેંક) – અર્બન અને રુરલ કો-ઓપરેટિવ બેંક – એનબીએફસી (NBFCs) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ.
શેના પર લાગુ થશે આ નિયમો?- RBIએ સ્પષ્ટ કહ્યું છે કે, લોન માત્ર દાગીના, જ્વેલરી અથવા સિક્કા રૂપે રાખેલી ચાંદી અથવા સોના પર જ આપી શકાય છે. બુલિયન એટલે કે, શુદ્ધ સોનું અથવા ચાંદીની સિલ્લીઓ અથવા તેનાથી જોડાયેલા ફાઇનાન્સિયલ એસેટ્સ જેમ કે ગોલ્ડ ETF અથવા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ પર લોન નહીં મળે.
કયા દાગીના અથવા સિક્કા ગિરવે રાખી શકાય?- સોનાના દાગીના – મહત્તમ 1 કિલો સુધી, ચાંદીના દાગીના – મહત્તમ 10 કિલો સુધી, સોનાના સિક્કા – 50 ગ્રામ સુધી,
ચાંદીના સિક્કા – 500 ગ્રામ સુધી. આ મર્યાદા કરતાં વધુ વજનના દાગીના અથવા સિક્કા પર લોન નહીં મળી શકે.
કેટલી રકમ સુધી લોન મળશે? (Loan-to-Value Ratio)- RBI એ લોનની મહત્તમ મર્યાદા (Loan-to-Value અથવા LTV) પણ નક્કી કરી છે . 2.5 લાખ રૂપિયા સુધીની લોન પર 85% સુધી, 2.5 થી 5 લાખ રૂપિયા સુધીના લોન પર 80% સુધી, 5 લાખ રૂપિયા કરતાં વધુના લોન પર 75% સુધી. આનો અર્થ એ છે કે, જો તમારી પાસે 1 લાખ રૂપિયાની ચાંદી છે, તો તેના પર મહત્તમ 85,000 રૂપિયા સુધીની લોન મળી શકે છે.
વેલ્યુએશન કેવી રીતે થશે?- સોના અથવા ચાંદીની કિંમત નક્કી કરવા માટે બેંક અથવા NBFC છેલ્લા 30 દિવસની સરેરાશ ક્લોઝિંગ કિંમત અથવા છેલ્લા દિવસની ક્લોઝિંગ કિંમતમાંથી જે ઓછું હોય તેને આધાર માને છે. આ કિંમત IBJA (India Bullion and Jewellers Association Ltd) અથવા કોઈ માન્યતા પ્રાપ્ત કમોડિટી એક્સચેન્જના જાહેર દર પર આધારિત હશે. દાગીનામાં લાગેલા સ્ટોન અથવા અન્ય મેટલનું મૂલ્ય તેમાં ઉમેરવામાં નહીં આવે.
લોન લેવાની રીત- લોન લેતા વ્યક્તિની હાજરીમાં દાગીના અથવા ચાંદીની તપાસ કરવામાં આવશે. બેંક વેલ્યુએશનનો એક પ્રમાણિત રિપોર્ટ આપશે. લોન એગ્રીમેન્ટમાં તમામ ફી, હરાજી પ્રક્રિયા અને રિફંડની સમય મર્યાદા સ્પષ્ટ રીતે લખવામાં આવશે. તમામ દસ્તાવેજો અને માહિતી સ્થાનિક ભાષા અથવા ગ્રાહકની પસંદગીની ભાષામાં આપવામાં આવશે. ગિરવે રાખેલી ચાંદી અથવા સોનું બેંકના સુરક્ષિત વોલેટમાં રાખવામાં આવશે, જેને માત્ર અધિકૃત કર્મચારી જ સંભાળી શકશે. સાથે જ સમયાંતરે ઓડિટ અને તપાસ કરવામાં આવશે.
લોન ચૂકવ્યા પછી દાગીના કેટલા દિવસમાં પાછા મળશે- RBIના નિયમો અનુસાર, લોન પૂરી ચૂકવ્યા અથવા નિપટાવ્યા પછી 7 વર્કિંગ ડેઝની અંદર બેંકને ગિરવે રાખેલા દાગીના અથવા ચાંદી પાછા આપી દેવી પડશે. જો વિલંબ બેંકની ભૂલથી થાય છે, તો 5,000 રૂપિયા દૈનિક દરે ગ્રાહકને વળતર આપવું પડશે.
જો લોન ચૂકવવામાં નહીં આવે તો શું થશે?- જો ઉધારકર્તા સમયસર લોન ચૂકવતો નથી, તો બેંક તેના દાગીના અથવા ચાંદીની હરાજી (auction) કરી શકે છે. બેંક પહેલા ગ્રાહકને હરાજીની નોટિસ આપશે. જો ગ્રાહક સંપર્કમાં નથી, તો પબ્લિક નોટિસ જારી કરી એક મહિનાનો સમય આપશે. હરાજીની રિઝર્વ પ્રાઈસ હાલની કિંમતોના 90%થી ઓછી નહીં હોઈ શકે. જો બે વાર હરાજી નિષ્ફળ જાય છે, તો રિઝર્વ પ્રાઈસ 85% સુધી ઘટાડવામાં આવી શકે છે.
બે વર્ષ સુધી દાગીના નહીં લીધા તો શું થશે?- જો કોઈ ગ્રાહક લોન ચૂકવ્યા પછી બે વર્ષ સુધી પોતાનું સોનું અથવા ચાંદી નહીં લે, તો બેંક તેને અનક્લેમ્ડ કોલેટરલ જાહેર કરશે અને ગ્રાહક અથવા તેના વારસો સાથે સંપર્ક કરવા માટે વિશેષ અભિયાન ચલાવશે.
Share This Article