Rupee Hits Record Low 2026: રૂપિયો પહેલીવાર ૯૨ ને પાર, ડોલર સામે ૬૯ પૈસા તૂટ્યો, હોળી પર કેમ આવ્યો ઘટાડો, શું થશે અસર?

Arati Parmar
3 Min Read

Rupee Hits Record Low 2026: પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન સંઘર્ષ વધવાથી પેદા થયેલા ભૌગોલિક રાજકીય તણાવ અને કાચા તેલની કિંમતોમાં આવેલા ઉછાળાને કારણે બુધવારે શરૂઆતી કારોબારમાં ભારતીય રૂપિયો ૬૯ પૈસા તૂટીને ૯૨.૧૮ પ્રતિ ડોલરના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. વિદેશી મુદ્રા કારોબારીઓના જણાવ્યા અનુસાર ઈરાન સંકટને કારણે બ્રેન્ટ ક્રૂડ વાયદાના ભાવ ૮૨ ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગયા છે, જેનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પ્રભાવિત થયા છે. આ પહેલા રૂપિયો જાન્યુઆરીના અંતમાં ૯૧.૯૮૭૫ ના સ્તર સુધી ગયો હતો, પરંતુ આજે પહેલીવાર તે ૯૨ ને પાર કરી ગયો છે.

આંતરબેંક વિદેશી મુદ્રા વિનિમય બજારમાં રૂપિયો ૯૨.૦૫ પર ખુલ્યો અને પછી લપસીને ૯૨.૧૮ ના નીચલા સ્તરે પહોંચી ગયો. સોમવારે રૂપિયો ૯૧.૪૯ પર બંધ થયો હતો. મંગળવારે હોળી નિમિત્તે બજાર બંધ રહ્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની વધતી કિંમતોથી ભારતનું આયાત બિલ વધવાનું જોખમ છે, કારણ કે દેશ પોતાની ઈંધણની જરૂરિયાતનો ૮૫ ટકા હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે.

- Advertisement -

નફો-નુકસાન અને અસરો

  • નિકાસકારોને ફાયદો: ઇલેક્ટ્રોનિક્સ, રસાયણો, મશીનરી અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરનારાઓને રૂપિયાના ઘટાડાથી ફાયદો થશે.

  • વધતું આયાત બિલ: કાચા તેલની આયાત પર વધુ નિર્ભરતાને કારણે ઈમ્પોર્ટ બિલ વધી જાય છે, જેનાથી વેપાર ખાધ (Trade Deficit) વધે છે.

  • ઉત્પાદન ખર્ચમાં વધારો: મેન્યુફેક્ચરિંગમાં કાચા માલની આયાતનો ખર્ચ લગભગ એક તૃતીયાંશ હોય છે. ઇનપુટ ખર્ચ વધવાથી નિકાસમાં સ્પર્ધાત્મકતા ઘટે છે.

  • શેરબજારમાંથી પૈસા ખેંચાયા: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સોમવારે ૩,૨૯૫.૬૪ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા, જેણે રૂપિયા પર દબાણ વધાર્યું છે.

અર્થતંત્ર પર શું થશે અસર?

શનિવારથી કાચા તેલની કિંમતમાં ૧૩ ટકાની તેજી આવી ચૂકી છે. કોટક મહિન્દ્રા બેંકે એક નોટમાં જણાવ્યું છે કે જો પશ્ચિમ એશિયામાં લાંબા સમય સુધી સંકટ રહેશે તો મિડલ ઈસ્ટમાંથી આવતા રેમિટન્સ (વિદેશી નાણાં) અને કેપિટલ ફ્લો પ્રભાવિત થઈ શકે છે. ચાલુ ખાતાની ખાધ (CAD) વધવી, મોંઘવારી, રૂપિયામાં ઘટાડો અને નીચા જીડીપી ગ્રોથથી ભારતની ઇકોનોમી પ્રભાવિત થઈ શકે છે.

તેલની કિંમતમાં તેજી એવા સમયે આવી છે જ્યારે રૂપિયો પહેલીથી જ દબાણમાં છે. આ વર્ષે ડોલર સામે તેમાં ૨ ટકાનો ઘટાડો થયો છે અને તે ઉભરતા બજારોમાં (Emerging Markets) સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સીમાં સામેલ છે. ગયા વર્ષે રૂપિયાની કિંમત ડોલર સામે ૫ ટકા ઘટી હતી.

- Advertisement -
Share This Article