Stock Market Today: ભારતીય શેરબજારમાં ગઈકાલે કડાકો નોંધાયા બાદ આજે નીચા મથાળે ખરીદી વધી છે. સેન્સેક્સ 200 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ 835 પોઈન્ટ વધી 82000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. 10.45 વાગ્યે 746.78 પોઈન્ટના ઉછાળે 81933.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સાર્વત્રિક બુલિશ ટ્રેન્ડના કારણે રોકાણકારોની મૂડી ચાર લાખ કરોડ વધી છે.
નિફ્ટી 25000 નજીક
નિફ્ટીએ પણ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 25000નું લેવલ ગુમાવ્યા બાદ આજે ફરી 25000 નજીક પહોંચ્યો છે. જે 10.46 વાગ્યે 228.50 પોઈન્ટ ઉછળી 24915.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 400 પોઈન્ટ ઉછળ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો મોટાપાયે ખરીદી કરી બુલને ટેકો આપી રહ્યા છે.
વૈશ્વિક પડકારો વચ્ચે શેરબજાર સુધર્યા
જિયો પોલિટિકિલ ક્રાઈસિસ, ક્રૂડના વધતા ભાવો, અને વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે આજે ભારતીય શેરબજાર સુધર્યા છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી વિદેશી રોકાણકારોએ રૂ. 10542.05 કરોડની વેચવાલી નોંધાવી છે. સામે ગઈકાલે ડીઆઈઆઈએ રૂ. 6738.39 કરોડની ખરીદી કરી હતી.
માર્કેટમાં સુધારા પાછળનું કારણ
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે ગઈકાલે જેપી મોર્ગને ભારતનું અર્થતંત્ર વિવિધ પડકારો વચ્ચે પણ મજબૂત ગ્રોથ સાથે વેગવાન રહેવાનો રિપોર્ટ આપ્યો છે. સ્થાનિક સ્તરે આર્થિક વૃદ્ધિમાં વધારો અને ફુગાવો કંટ્રોલમાં રહેવાની અપેક્ષા છે. બીજી બાજુ માર્કેટમાં ઘટાડા સામે નીચા મથાળે ખરીદી પણ વધી છે. મીડકેપ અને સ્મોલકેપ શેર્સ બુલિશ રહેતા ઈન્ડેક્સ 1 ટકા સુધી ઉછળ્યા છે. એકંદરે માર્કેટ આજે ગ્રીન ઝોનમાં છે.