Stock Market Today: શેરબજારમાં વોલેટિલિટી જળવાઈ, સેન્સેક્સ-નિફ્ટીમાં સુધારો; આઈટી શેરમાં ઉછાળો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Stock Market Today:  વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે ભારતીય શેરબજારમાં વોલેટિલિટી જળવાઈ રહી છે. ગઈકાલે મોટા કડાકા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ આજે ફ્લેટ ખૂલ્યા બાદ 953.18 પોઈન્ટ ઉછળ્યો હતો. જે 10.32 વાગ્યે 502.25 પોઈન્ટ ઉછાળા સાથે 81454 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 152.40 પોઈન્ટ સુધારા સાથે 24762.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આઈટી-ટેક્નો શેર્સમાં ઉછાળો

- Advertisement -

અમેરિકા પર તોળાઈ રહેલું દેવાંના સંકટના કારણે ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે. યુએસ યીલ્ડ પણ વધી છે. પરિણામે આઈટી અને ટેક્નોલોજી સેક્ટરમાં કમાણી વધવાના અંદાજ સાથે શેર્સ ઉછળ્યા છે. આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ આજે 1 ટકાથી વધુ ઉછાળે કારોબાર થઈ રહ્યા છે. ઈન્ફોસિસ, એચસીએલ ટેક્, ટેક્ મહિન્દ્રાના શેર્સમાં 2 ટકાનો ઉછાળો નોંધાયો છે. ટીસીએસ પણ 1.21 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.

વૈશ્વિક શેરબજાર ફ્લેટ રહ્યાં

અમેરિકાની વેપાર ખાધમાં વૃદ્ધિની સાથે ફુગાવો વધવાની ભીતિ વચ્ચે અમેરિકન શેરબજાર ગઈકાલે ભારે અફરાતફરી બાદ ફ્લેટ બંધ રહ્યા હતાં. ડાઉ જોન્સ 1.35  પોઈન્ટ અને નાસડેક 0.01 પોઈન્ટના સામાન્ય ઘટાડે બંધ રહ્યો હતો. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ફ્લેટ બંધ રહ્યા હતાં. બીજી બાજુ એશિયાની ઈકોનોમી મજબૂત ગ્રોથ સાથે આગળ વધી રહી હોવાનો અહેવાલો વચ્ચે એશિયન શેરબજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ભારતના અર્થતંત્રની ગાડી પણ વૃદ્ધિના પાટા પર હોવાના અહેવાલો સાથે શેરબજારને ટેકો મળ્યો છે.

માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ

બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3694 શેર પૈકી 2030 સુધારા તરફી અને 1460 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 144 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 62 શેર વર્ષની નવી ટોચે પહોંચ્યા હતાં. સેન્સેક્સ પેકમાં પણ માત્ર સન ફાર્મા સિવાય તમામ શેર 3 ટકા સુધી ઉછાળે કારોબાર થઈ રહ્યા હતાં. આજે સન ફાર્માનો શેર 2.91 ટકા તૂટ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ INDIA VIX  પણ 1.48 ટકા તૂટી 17 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ દર્શાવે છે. જો કે, માર્કેટ નિષ્ણાતો વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે નાના રોકાણકારોને સાવચેતી રાખવા સલાહ આપી રહ્યા છે.

Share This Article