અમેરિકાનું દેવું 40.6 ટ્રિલિયન ડૉલરે પહોંચ્યું, એક મહિનામાં પાકિસ્તાનની GDP જેટલો વધારો
નવી દિલ્હી. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશ અમેરિકાનું દેવું સતત વધી રહ્યું છે. ઓક્ટોબરમાં અમેરિકાની ફેડરલ સરકારનું દેવું 422 અબજ ડૉલર વધીને 40.6 ટ્રિલિયન ડૉલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. આ રીતે એક જ મહિનામાં તેમાં પાકિસ્તાનની GDP જેટલો વધારો થયો. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનું કદ ગયા વર્ષે 2025માં 407 અબજ ડૉલર હતું અને આ વર્ષે તેના 450 અબજ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે.
જુલાઈથી જ અમેરિકાની સરકારનું દેવું 1.2 ટ્રિલિયન ડૉલર વધી ચૂક્યું છે. એટલે કે આ સમયગાળા દરમિયાન દેશનું દેવું દર મહિને 300 અબજ ડૉલર વધ્યું છે. દરરોજ તેમાં 10 અબજ ડૉલરનો વધારો થયો છે. આ કારણોસર અમેરિકાનો ડેટ ટુ GDP રેશિયો 123 ટકા સુધી પહોંચી ગયો છે, જે 2020માં કોરોના સમયગાળાના ટોચના સ્તર પછી સૌથી વધુ છે.
ટ્રેઝરી બિલ્સ અને નોટ્સની હરાજી
આ દરમિયાન ટ્રેઝરી વિભાગે ગયા અઠવાડિયે ટ્રેઝરી બિલ્સ અને નોટ્સની હરાજી દ્વારા રેકોર્ડ 839 અબજ ડૉલર એકત્ર કર્યા. આમાંથી મોટાભાગની રકમનો ઉપયોગ પાકતી મુદતવાળા બિલ્સની ચુકવણી માટે કરવામાં આવશે. આ પહેલાં ટ્રેઝરી બિલ્સ અને નોટ્સની હરાજી દ્વારા સૌથી વધુ નાણાં એકત્ર કરવાનો રેકોર્ડ ગયા વર્ષે બન્યો હતો. 2025માં પણ ટ્રેઝરી વિભાગે આ જ સમયગાળા દરમિયાન 834 અબજ ડૉલર એકત્ર કર્યા હતા.
ટ્રેઝરી બિલ અમેરિકી સરકારનું ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. ફેડરલ સરકારના ખર્ચ માટે નાણાં એકત્ર કરવાના હેતુથી ટ્રેઝરી વિભાગ તેને બહાર પાડે છે. તેવી જ રીતે ટ્રેઝરી નોટ ટૂંકા ગાળાની ડેટ સિક્યોરિટી હોય છે. તેમાં દર છ મહિને નિશ્ચિત દરે વ્યાજની ચુકવણી કરવામાં આવે છે અને મુદત પૂરી થતાં તેની ફેસ વેલ્યુ પરત મળી જાય છે.
સૌથી વધુ ડેટ-GDP રેશિયો ધરાવતા દેશો
| ક્રમ | દેશ | દેવું-GDP રેશિયો |
|---|---|---|
| 1 | સુદાન | 334.4% |
| 2 | જાપાન | 204.4% |
| 3 | સિંગાપોર | 171.9% |
| 4 | બહેરીન | 162.8% |
| 5 | ઇટાલી | 138.4% |
| 6 | ગ્રીસ | 140.8% |
| 7 | સેનેગલ | 132.3% |
| 8 | માલદીવ | 129.4% |
| 9 | અમેરિકા | 123% |
| 10 | યુક્રેન | 122.6% |
અમેરિકાનું વધતું દેવું
અમેરાનું દેવું વર્ષ 1990માં 3.2 ટ્રિલિયન ડૉલર હતું, જે 1995માં વધીને 5 ટ્રિલિયન ડૉલર થયું. ત્યાર પછીનાં પાંચ વર્ષમાં તેમાં 700 અબજ ડૉલરનો વધારો થયો અને વર્ષ 2000માં તે 5.7 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચ્યું. વર્ષ 2005માં તે 8 ટ્રિલિયન ડૉલર, 2010માં 13.6 ટ્રિલિયન ડૉલર, 2015માં 18.2 ટ્રિલિયન ડૉલર, 2020માં 27 ટ્રિલિયન ડૉલર અને 2025માં 38.5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચ્યું.

