NEET PwD Reservation Rules: ડોક્ટર બનવાની ઘેલછામાં યુવકે ગુમાવ્યો પગ: યુપીમાં નીટ એસ્પિરેન્ટે અનામત મેળવવા પોતે જ પોતાનો પંજો કાપ્યો, જાણો શું કહે છે PwD અનામતના નિયમો

Arati Parmar
4 Min Read

NEET PwD Reservation Rules: ઉત્તર પ્રદેશમાં ડોક્ટર બનવાની ચાહતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૌનપુર જિલ્લામાં એક ૨૪ વર્ષીય નેશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) એસ્પિરેન્ટે કથિત રીતે દિવ્યાંગતા ક્વોટા મેળવવા માટે પોતાનો જ પગ કાપી નાખ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, ૨૪ વર્ષીય સૂરજ ભાસ્કર ડી.ફાર્મા કરી ચૂક્યો છે અને હવે MBBS ડોક્ટર બનવા માટે નીટ-યુજી (NEET UG) ની તૈયારી કરી રહ્યો હતો. વારંવાર નિષ્ફળ ગયા પછી, આ યુવકે નીટ ક્વોટા દ્વારા એમબીબીએસમાં એડમિશન મેળવવા માટે આ ખતરનાક પગલું ભર્યું છે. હવે સવાલ એ ઉઠે છે કે આગળ શું થઈ શકે છે અને આવા મામલામાં નિયમો શું કહે છે?

શું છે સમગ્ર મામલો?

રવિવારની સવારે યુપીના જૌનપુરના લાઈન બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ખલીલપુર ગામમાં પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિને અજાણ્યા લોકોએ માર મારીને બેહોશ કરી દીધો છે અને તેના ડાબા પગનો પંજો પણ કાપી નાખ્યો છે. પ્રાથમિક અહેવાલના આધારે પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રવિવાર અને સોમવારે તપાસ દરમિયાન પોલીસ હોસ્પિટલ પહોંચી ત્યારે પૂછપરછ દરમિયાન સૂરજ વારંવાર નિવેદનો બદલી રહ્યો હતો, જેના કારણે પોલીસને શંકા ગઈ હતી. બાદમાં CDR અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ દ્વારા જાણવા મળ્યું કે આ કેસમાં કોઈ બહારની વ્યક્તિ સામેલ નથી.

- Advertisement -

પોતે જ દર્દનું ઈન્જેક્શન આપીને યુવકે પગ કાપ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, સૂરજ ડી.ફાર્મા કરી ચૂક્યો હોવાથી ઈન્જેક્શન આપતા જાણે છે. તેણે પહેલા પગને સુન્ન કરવાનું ઈન્જેક્શન આપ્યું અને પછી ધારધાર હથિયારથી પોતાનો પંજો કાપી નાખ્યો. સૂરજે આ બધું દિવ્યાંગતા સર્ટિફિકેટ મેળવવા માટે કર્યું જેથી નીટમાં દિવ્યાંગતાનો ક્વોટા મળી શકે. પોલીસને ખેતરમાંથી કેટલાક ઈન્જેક્શન અને રેપર મળ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે સૂરજ બે દિવસ પહેલા દિવ્યાંગતા સર્ટિફિકેટ મેળવવાની માહિતી લેવા માટે બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU), વારાણસી પણ ગયો હતો.

ડાયરીમાં લખ્યું હતું – ‘હું ૨૦૨૬માં MBBS ડોક્ટર બનીશ’

પોલીસે જણાવ્યું કે, ‘ઓક્ટોબરમાં તે બનારસ હિન્દુ યુનિવર્સિટી ગયો હતો અને દિવ્યાંગતા સંબંધિત કેટલાક જરૂરી દસ્તાવેજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થયો નહોતો. નિરાશ થઈને તે પાછો ફર્યો અને પોતાને દિવ્યાંગ બનાવવાનો નિર્ણય લીધો. એક નિર્માણાધીન મકાનમાં કોઈ મશીનનો ઉપયોગ કરીને તેણે પોતાનો પગ કાપી નાખ્યો.’ તપાસ દરમિયાન પોલીસને સૂરજની એક ડાયરી પણ મળી જેમાં તેણે લખ્યું હતું, ‘હું ૨૦૨૬માં MBBS ડોક્ટર બનીશ.’

- Advertisement -

નીટમાં બે વાર ફેલ થયો હતો સૂરજ

મળતી માહિતી મુજબ સૂરજ પહેલા બે વાર નીટ-યુજીની પરીક્ષા આપી ચૂક્યો છે, પરંતુ બંને પ્રયાસમાં ક્વોલિફાય થઈ શક્યો નહોતો. આ વખતે તે દિવ્યાંગતા ક્વોટા સાથે પરીક્ષા આપીને ડોક્ટર બનવા માંગતો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં કાયદાકીય અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે કે સૂરજ વિરુદ્ધ કઈ ગુનાહિત કલમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

આ મામલામાં શું થઈ શકે?

પોલીસ તપાસમાં આ કેસ ‘સેલ્ફ-ઇન્ફ્લિક્ટેડ ઇન્જરી’ (જાતે પહોંચાડેલી ઈજા) નો છે જેથી PwD ક્વોટા હેઠળ એડમિશન મળી શકે. PwD સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને કટ-ઓફમાં ૫% અનામત મળે છે. પરંતુ પોલીસ આને છેતરપિંડીનો કેસ માની રહી છે, તેથી એમબીબીએસ એડમિશન મળવાની કોઈ શક્યતા નથી. છેતરપિંડી સાબિત થયા બાદ અગાઉ પણ એડમિશન રદ થયા હોવાના કિસ્સાઓ બન્યા છે.

- Advertisement -

શું કહે છે નિયમો?

નીટ-યુજી દ્વારા એમબીબીએસ એડમિશન માટેનો PwD ક્વોટા ‘રાઈટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (RPWD) એક્ટ ૨૦૧૬’ પર આધારિત છે. આ નિયમ મુજબ દરેક કેટેગરી (SC, ST, OBC અને EWS) માં ૫ ટકા હોરિઝોન્ટલ રિઝર્વેશન મળે છે.

સૂરજ ભાસ્કર જેલમાં પણ જઈ શકે છે

RPWD એક્ટ ૨૦૧૬ મુજબ દિવ્યાંગતા ૪૦ ટકા કે તેથી વધુ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ફ્રોડ સહન કરવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિ છેતરપિંડીથી દિવ્યાંગતા ક્વોટાનો ફાયદો લેવાનો પ્રયાસ કરે તો:

  • પહેલીવાર: ૬ મહિનાની જેલ અથવા ૧૦ હજારનો દંડ અથવા બંને.

  • બીજીવાર: ૨ વર્ષ સુધીની જેલ અને ૫૦ હજારથી ૫ લાખ સુધીનો દંડ થઈ શકે છે. સૂરજ ભાસ્કરના કિસ્સામાં પણ જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Share This Article