ગૌહાતી, તા.24 : આસામમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો મુખ્ય આરોપી તફઝુલ ઈસ્લામ પોલીસની અટકાયતમાંથી કથિત રીતે ફરાર થયા બાદ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. આરોપીના ગામના લોકોએ તેની અંતિમયાત્રામાં જોડાવાની અને તેના દેહને ગામના કબ્રસ્તાનમાં દફનાવવા દેવાનો ઈન્કાર કર્યો હતો.
પોલીસ આરોપીને તફઝુલને પરોઢિયે ચાર વાગ્યે અપરાધ સ્થળે લઈ જતી હતી ત્યારે તે પોલીસને ધક્કો આપીને નાસવા ગયો અને તળાવમાં કૂદી પડયો હતો. પોલીસે તરત જ તળાવમાં શોધ અભિયાન શરૂ કર્યું હતું અને આશરે બે કલાક બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

આરોપી તફઝુલ ઈસ્લામના ગામલોકોએ તેના મૃતદેહની અંતિમવિધિ કરવાનો ઈન્કાર કર્યો હતો. આરોપી બોરભેતી ગામનો રહેવાસી હતો. ગામલોકોએ તેના મૃતદેહની અંતિમવિધિ કરવા ન દેવા અને તેની અંતિમયાત્રામાં પણ ન જોડાવાનો નિર્ણય કર્યો હતો. આસામના નાગાંવ જિલ્લાના ધીંગમાં એક સગીરા સાથે ગેંગરેપનો બનાવ બન્યો હતો. પીડિતા ગુરુવારે સાંજે ટયૂશનથી પરત આવતી હતી ત્યારે મોટરસાઈકલથી આવેલા ત્રણ આરોપીએ તેના પર અત્યાચાર કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી તફઝુલને ઝડપી પાડયો હતો અને અન્ય બેની શોધખોળ જારી છે.

