બોલીવુડના લોકપ્રિય અને પાવર કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપના સમાચાર ઘણા સમયથી વાયરલ થઈ રહ્યા છે, પરંતુ હવે સત્ય શું છે તેની પુષ્ટિ થઈ ગઈ છે. હવે અર્જુન કપૂરે પોતે અફવાઓને સમર્થન આપતા જણાવ્યું છે કે તે હાલમાં સિંગલ છે.
હાલમાં અર્જુન કપૂર તેની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’નું પ્રમોશન કરી રહ્યો છે. હાલમાં જ મનસેના રાજ ઠાકરેએ મુંબઈમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સિંઘમ અગેઇનની આખી ટીમ પણ પહોંચી હતી. પાપારાઝીઓએ જ્યારે અર્જુનને પૂછ્યું કે, મલાઈકા કેમ છે તો અર્જુન કપૂરે કંઈક એવો જવાબ આપ્યો હતો જેનાથી બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અર્જુન કપૂરે મલાઈકા સાથેના બ્રેકઅપની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે તે હાલમાં સિંગલ છે. આમ આખરે અર્જુન કપૂરે જણાવી દીધું છે કે તેનો અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થઈ ગયું છે. કપલ 2019 થી એકબીજાને ડેટ કરી રહ્યું હતું. બંને સોશિયલ મીડિયા પર અવારનવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળતા હતા, પરંતુ બંને છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળ્યા નહોતા.
અર્જુને બધાને દિવાળીની શુભકામના પાઠવી હતી અને લોકોને દિવાળીના અવસર પર રિલીઝ થનારી તેની ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ જોવા માટે પણ જણાવ્યું હતું.
રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ પહેલી નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં અર્જુન કપૂર નેગેટીવ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ઘણા સ્ટાર્સનો કેમિયો છે જેમાં સલમાન ખાન, ટાઇગર શ્રોફ, રણવીર સિંહ, અક્ષય કુમાર અને દીપિકા પદુકોણના નામ સામેલ છે.
મલાઈકા અને અર્જુનના સંબંધોની વાત કરીએ તો બંને એક સમયે ગળાડૂબ પ્રેમમાં હતા. તેમનું બ્રેકઅપ કયા કારણોસર થયું તે જાણી શકાયું નથી. તાજેતરમાં જ્યારે મલાઈકાના પિતાનું નિધન થયું ત્યારે આ મુશ્કેલ સમયમાં અર્જુન પડછાયાની જેમ તેની સાથે રહ્યો હતો. ચાહકોને પણ તેમની જોડી ખૂબ પસંદ આવતી હતી અને તેમના લગ્ન અંગે અટકળો ચાલી રહી હતી, પરંતુ કોને ખબર હતી કે લગ્ન પહેલા જ આ સંબંધ તૂટી જશે