અમદાવાદ, તા. 19 : હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાઇક્લોનિકસ સ્ટોર્મની શક્યતા દર્શાવી છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં ફરી એકવાર મે મહિનાના અંતમાં તૌકતે જેવું વાવાઝોડું આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યના લોકોને 26 મે સુધી ગરમીથી રાહત નહી મળે. હાલ તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેશે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં આગામી તા. 22 મે આસપાસ હળવું દબાણ સર્જાવાની અને તે ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે અને તા. 24 મે આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેની અસર હેઠળ ગુજરાતમાં પણ તીવ્ર ઝડપે પવન ફુંકાઇ શકે છે. વરસાદ પડતાં સામાન્ય ગરમીમાં ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાના આરંભ પૂર્વે આમ પણ વાવાઝોડાંની શક્યતા વધારે હોય છે. 1600 કિલોમીટર લાંબા રાજ્યના દરિયાકાંઠે વાવાઝોડાં ગુજરાતમાં અવારનવાર ટકરાતા હોય છે. ગુજરાતમાં બે વર્ષ પહેલાં આવેલા તૌકતે વાવાઝોડાંએ ભારે વિનાશ વેર્યો હતો. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર મે મહિનાના અંતમાં તૌકતે જેવું વાવાઝોડું આવે તેવી શક્યતા છે. જો આ વાવઝોડું શક્તિશાળી બને અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી તા. 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના નકારી શકાતી નથી. જો કે, હજુ સુધી આ માટે કોઇ સ્પષ્ટ આગાહી હવામાન વિભાગે જાહેર કરી નથી. પરંતુ હવામાન નિષ્ણાતોના મત મુજબ, અરબ સાગરમાં મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. આ સમયે 100-120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 8 જૂન બાદ આરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા પણ છે.

આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિની શક્યતા છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય અને સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ કિનારાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, મૌસમ વિભાગે આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન નિકોબાર ટાપુઓમાં નૈઋઍત્ય ચોમાસું આગળ વધવાની આગાહી કરી છે. દરમિયાન હવામાન નિષ્ણાતો મુજબ, 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14થી 18 જૂનમાં ભારે આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે.
25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે. રાજ્યમાં 2024ના ચોમાસામાં 106 ટકા વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. અમુક સ્વતંત્ર હવામાન નિષ્ણાતો દ્વારા ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતને પ્રભાવીત કરી શકે તેવો ચક્રવાત સર્જાવાની સંભાવના અંગે ચેતવણી આપવામાં આવી. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના નિયામક ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે હળવું દબાણ આંદામાન સમુદ્ર અને તેની નજીકની બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધારવામાં મદદ કરશે પણ કેરળમાં ચોમાસાની શરૂઆત પર નહીં પડે જો કે અમો અત્યાર સુધી સિસ્ટમમાં ચક્રવાતમાં ફેરવાઈ જવાની શકયતા નકારી નથી. કારણ કે મે મહિનો વાવાઝોડાની રચના માટે જાણીતો છે તે ચક્રવાતમાં પરિવર્તીત થશે કે નહીં તેની પુષ્ટિ અત્યારે કરવી ખૂબ જ વહેલું છે. જો કે સ્કાયમેટ વેધર સર્વિસીસના પ્રમુખ જી. પી. શર્માએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ચક્રવાત બનવાની નોંધપાત્ર સંભાવના છે. પરંતુ ચોમાસામાં અવરોધ ઉભા થવાની શકયતાઓ નથી. બંગાળની ખાડીની સ્સ્ટિમ ધીમે ધીમે ચક્રવાતમાં પરિવર્તિત થાય તેવી પુરી શકયતાઓ છે. પણ તે રચાય તો ચોમાસામાં વિક્ષેપ પડવાની સંભાવના નથી પણ તે ચોમાસાની પ્રગતિમાં મદદ કરશે.

