Ahmedabad Municipal Election: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો

Arati Parmar
3 Min Read

Ahmedabad Municipal Election: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ શહેરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ વખતે ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ કરવા માટે અવનવા પ્રયોગો થઈ રહ્યા હોય તેમ જણાય છે. આશ્ચર્યની વાત એ છે કે, અનેક વિસ્તારોમાં જમીન માફિયાઓ, બુટલેગરો અને વિવાદિત બિલ્ડરોએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઝુકાવ્યું છે. ચર્ચા એવી પણ છે કે, કેટલાક કિસ્સાઓમાં ‘ખાખી’ ના ઈશારે અથવા રાજકીય દબાણ હેઠળ આ લોકોને અપક્ષ તરીકે ઉભા રાખવામાં આવ્યા છે જેથી મુખ્ય પક્ષોના મતોમાં ગાબડું પાડી શકાય.

લઘુમતી વિસ્તારોમાં બદલાતા સમીકરણો અને ‘આપ’ની ભૂમિકા

શહેરના કોટ વિસ્તાર અને લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં આ વખતે રાજકીય ચિત્ર બદલાયેલું જોવા મળે છે. અગાઉ સક્રિય રહેલી ઓવૈસીની પાર્ટી (AIMIM) નો પ્રભાવ ઘટતો દેખાઈ રહ્યો છે, કારણ કે તેના બે વર્તમાન કોર્પોરેટરોએ તાજેતરમાં જ રાજીનામાં આપી દીધા છે. બીજી તરફ, ભાજપે આ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP) પર ભરોસો મૂક્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. અન્ય વિસ્તારોમાં ઉમેદવારોના ફાંફા હોવા છતાં લઘુમતી વિસ્તારોમાં ‘આપ’ દ્વારા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, જેને રાજકીય વિશ્લેષકો મતોના વિભાજનની રણનીતિ તરીકે જોઈ રહ્યા છે.

- Advertisement -

ભાજપમાં આંતરિક ખેંચતાણ અને ટિકિટ માટે હોબાળો

ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમાં પણ આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. ચાંદખેડા વોર્ડમાં ટિકિટની ફાળવણીને લઈને કાર્યકરોએ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઓફિસે પહોંચીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ મહામંત્રીને ટિકિટ મળતા રોષે ભરાયેલા કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે ધારાસભ્યએ ઓફિસથી અંતર રાખવું પડ્યું હતું. આ ઉપરાંત, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પણ પોતાના પુત્ર અને ભાણીને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ પક્ષના પ્રદેશ નેતૃત્વએ તેમની માંગણી સ્વીકારી ન હતી.

મોંઘવારી અને એન્ટી-ઈન્કમ્બન્સી વચ્ચે ચૂંટણી જંગ

હાલમાં જનતામાં મોંઘવારી અને સ્થાનિક પ્રશ્નોને લઈને વહીવટી તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. આ ‘એન્ટી-ઈન્કમ્બન્સી’ ના માહોલને ખાળવા માટે ફરી એકવાર હિન્દુ-મુસ્લિમ અને પાકિસ્તાન જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને ઉજાગર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લઘુમતી બિલ્ડરોને બુલડોઝરની ધમકી આપીને ચૂંટણી કામે લગાડવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. મ્યુનિસિપલ ચૂંટણીમાં આ વખતે માત્ર વિકાસના મુદ્દાઓ જ નહીં, પણ અપરાધિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની એન્ટ્રી અને જ્ઞાતિગત સમીકરણો જીત-હારમાં મહત્વનો ભાગ ભજવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

- Advertisement -
Share This Article