આ બાતમીના આધારે હોસ્પિટલ ખાતે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું.

newzcafe
1 Min Read

કચ્છ ગાંધીધામની ખાનગી હોસ્પિટલનો કર્મચારી રૂા.500ની લાંચ લેતાં ઝડપાયો


ગાંધીધામ, તા. 20 : શહેરની ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ બનાવવા  માટે લાંચ લેતા કર્મચારીને એ.સી.બી.ની ટુકડીએ રંગેહાથ ઝડપી લેતાં ચકચાર પ્રસરી છે. આ અંગે સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ બાતમીના આધારે આજે સવારના અરસામાં પૂર્વ કચ્છ એ.સી.બી.ની ટીમે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે કાર્યવાહી કરીને આરોપી હર્ષ રાજેશભાઈ ગુર્જરને ઝડપી પાડયો હતો.આયુષ્માન કાર્ડ બનાવવાની કામગીરી સરકારના નિયમ મુજબ નિ:શુલ્ક કરવાની હોય છે. હોસ્પિટલમાં કાર્ડ કાઢવાની કાર્યવાહી કરતા આરોપી  કર્મચારી દ્વારા રૂા.400થી 500 લેવાતા હોવાની બાતમી મળી હતી. 


 


આ બાતમીના આધારે હોસ્પિટલ ખાતે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું. આરોપી  હેતુલક્ષી વાતચીત કરી રૂા. 500ની લાંચની માગણી કરી હતી. આ દરમ્યાન તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી એ.સી.બી. બોર્ડર એકમના મદદનીશ નિયામક  કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એ.સી.બી.ના પી.આઈ. ટી.એચ. પટેલ જોડાયા હતા. આ આરોપીને રિમાન્ડની માંગ સાથે  આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે, તેવું પોલીસે કહ્યું હતું. ખાનગી એકમમાં એ.સી.બી.ની સંભવત પ્રથમ કાર્યવાહીના પગલે ભ્રષ્ટાચાર કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. દરમ્યાન, સ્ટર્લિંગ હોસ્પિટલના મેનેજમેન્ટના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બાબત હોસ્પિટલની જાણ બહાર હતી અને આ કાર્યવાહીની જાણ થતાં તરત જ લાંચ લેતા ઝડપાયેલા કર્મચારીને   નોકરીમાંથી પાણીચું આપી દેવાયું હોવાનું જણાવ્યું હતું.

Share This Article