Gujarat Politics: ગુજરાતના સત્તાના ચોકઠામાં નવા અખતરા? પાટીદારથી IPS સુધી, સરકારના નિર્ણયોને લઈને અનેક સવાલો

Arati Parmar
9 Min Read

Gujarat Politics: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે, છતાં સત્તાના રાજકીય ચોકઠા અત્યારથી ગોઠવાવા લાગ્યા છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર ફેક્ટર હંમેશા મહત્વનું રહ્યું છે. ખાસ કરીને ભાજપમાં પાટીદાર નેતાઓનું રાજકીય મહત્વ મોટું હોવા છતાં તેમને સત્તાના કેન્દ્રથી દૂર રાખવામાં આવતા હોવાની ચર્ચા સમયાંતરે થતી રહી છે.

આનંદીબેન પટેલ હોય કે નીતિન પટેલ, બંનેના રાજકીય કિસ્સાઓમાં તેમને ‘કટ ટુ સાઇઝ’ કરીને તેમના સ્થાને વિરોધી જૂથના નેતાઓને આગળ લાવવામાં આવ્યા હોવાની ચર્ચા રહી છે. પાટીદાર સમાજમાંથી આવતા આનંદીબેન પટેલ સક્ષમ મુખ્યમંત્રી હોવા છતાં તેમના સ્થાને જૈન સમાજના વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

- Advertisement -

હવે ફરી એક વખત પાટીદાર નેતાને દૂર કરીને જૈન નેતાને રાજ્યની ધુરા સોંપવાની ચર્ચા વચ્ચે પાટીદાર સમાજ પણ સાવચેત થયો હોવાની રાજકીય ચર્ચા છે. જો પાટીદાર સમાજના રોષને ઠારવા માટે ડેપ્યુટી CM પાટીદાર સમાજમાંથી બનાવવાનો પ્રયાસ થાય તો પણ આ વખતે રાજકીય ખેલ સરળ નહીં રહે તેવી ચર્ચા ચાલી રહી છે.

ગુજરાત સરકારને કાયમી ઓફિસર મળતા નથી? પહેલા ચાર્જ, પછી ટેસ્ટિંગ અને ફાવે નહીં તો બદલી

ગુજરાતની ભાજપ સરકારમાં છેલ્લા કેટલાક સમયથી મહત્વપૂર્ણ વહીવટી અને પોલીસ પદો પર કાયમી નિયુક્તિ કરવાને બદલે ચાર્જ આપવાની પદ્ધતિ ચર્ચામાં છે.

- Advertisement -

રાજ્યના પોલીસ વડા DGP હોય, જિલ્લાના કલેક્ટર હોય, DDO હોય કે મ્યુનિસિપલ કમિશનર—કેટલાક મહત્વપૂર્ણ પદો ખાલી થતાં કાયમી અધિકારીની નિમણૂક કરવાને બદલે પહેલા કોઈ અધિકારીને ચાર્જ સોંપવામાં આવે છે.

આને લઈને એવી ચર્ચા છે કે સરકાર પહેલા અધિકારીની કાર્યશૈલી અને સરકાર સાથેના સંકલનનું ‘ટેસ્ટિંગ’ કરે છે. જો અધિકારી સરકારની અપેક્ષા મુજબ કામ ન કરે તો તેમની બદલી થઈ શકે છે.

- Advertisement -

ગુજરાત પોલીસના ઇન્ચાર્જ DGP ડૉ. રાવના કિસ્સાથી લઈને અમદાવાદના પોલીસ કમિશનર, સુરતના મ્યુનિસિપલ કમિશનર, સુરતના પોલીસ કમિશનર અને હવે મહેસાણાના DDOને ચાર્જ આપવાના કિસ્સાઓ આ ચર્ચાને વધુ વેગ આપે છે.

સુરતના મ્યુનિસિપલ કમિશનર નાગરાજ ગયા, હવે IPS રાજદીપ નકુમનું શું?

સુરતના નાસિરનગર ડિમોલિશન કાંડમાં હાઈકોર્ટની સતત આકરી ટિપ્પણીઓ બાદ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનને સુરતથી ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે.

જોકે આ સમગ્ર મામલામાં IPS રાજદીપ નકુમનું નામ પણ સતત ચર્ચામાં રહ્યું છે. ડિમોલિશન સમયે તેમની હાજરી અંગે હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા. નકુમને સુરતમાંથી કેમ હટાવવામાં આવ્યા નથી તે અંગે પણ કોર્ટ દ્વારા ગંભીર પ્રશ્નો કરવામાં આવ્યા હોવા છતાં તેઓ હજુ સુરત પોલીસમાં SOGના DCP તરીકે યથાવત છે.

આ દરમિયાન નકુમ સોશિયલ મીડિયા પર રીલ બનાવતા હોવાને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. રાજ્ય સરકારે તેમને IPS કેડરમાં નોમિનેટ કર્યા છે. જાહેરમાં વરઘોડો કાઢવાના મામલે તેમની સામે હાઈકોર્ટમાં થયેલી રિટને લઈને પણ સવાલો ઉઠ્યા છે.

હવે તેમની રીલ બનાવવાની સ્ટાઇલમાં ફેરફાર જોવા મળ્યો હોવાની ચર્ચા છે. અગાઉ તેઓ કેમેરા સામે આરોપીને ફટકારતા જોવા મળતા હતા, જ્યારે હવે આરોપીથી થોડા ફૂટ દૂર ઊભા રહીને સલાહ આપતા જોવા મળે છે.

બનાસકાંઠાથી ગુજરાત આવતો દારૂ કયા IPSની રૂપિયાની ભૂખ સંતોષે છે? MLA જીગ્નેશ મેવાણીનો સવાલ

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લાના IPS અધિકારીઓને લઈને સવાલો ઉઠાવ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં મેવાણીએ ગુજરાત-રાજસ્થાન આંતરરાજ્ય બોર્ડરનો ઉલ્લેખ કરીને બનાસકાંઠાથી ગુજરાતમાં આવતા દારૂના ગેરકાયદે જથ્થા અંગે સવાલ કર્યો છે.

તેમણે દારૂના બુટલેગિંગ અને પોલીસ અધિકારીઓની કથિત હપ્તાખોરી અંગે પોતાના આગવા અંદાજમાં સવાલો ઉઠાવ્યા છે.

તાજેતરમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર સાથે જોડાયેલા બનાસકાંઠા, પાટણ અને નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાઓને સાંકળતી બનાસકાંઠા પોલીસ રેન્જ બનાવવામાં આવી છે. તેના પ્રથમ IG તરીકે મહિલા IPS પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.

ગૃહમંત્રીની ચાપલૂસીમાં પશ્ચિમ કચ્છ પોલીસે પોતાની આબરૂ ગુમાવી?

પોતાના ઉપરી અધિકારી કે વિભાગના મંત્રીની પ્રશંસા કરવી ખોટી નથી, પરંતુ પ્રશંસા અને ચાપલૂસી વચ્ચેની રેખા ઓળંગાય ત્યારે સવાલો ઊભા થાય છે.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મુન્દ્રાની એક મહિલા સાથે થયેલા ફ્રોડના નાણાં માત્ર ત્રણ દિવસમાં પરત અપાવ્યા હોવાનો દાવો કરીને ગૃહમંત્રીની પ્રશંસા કરવામાં આવી હતી.

જોકે મહિલાના જણાવ્યા મુજબ, તેની સાથે છ મહિના અગાઉ છેતરપિંડી થઈ હતી અને પોલીસે બેથી અઢી મહિનાના સમયગાળામાં તબક્કાવાર તેના લાખો રૂપિયા પરત અપાવ્યા હતા.

આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ વિના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી છે. બીજી તરફ કથિત આરોપીએ જાહેર નિવેદન કરીને પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો છે અને પોતાના વિશે વધુ બોલવા કે લખવા પર કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

બરતરફ થયેલા GAS કેડરના મહિલા અધિકારી કેતકી વ્યાસના રિમાન્ડનું રહસ્ય

આણંદના તત્કાલીન કલેક્ટર ગઢવીને લગતા વિવાદમાં ચર્ચામાં આવેલા GAS કેડરના મહિલા અધિકારી કેતકી વ્યાસની ધરપકડ બાદ તેમના રિમાન્ડ કેમ માંગવામાં આવ્યા નહીં તે મુદ્દો ગાંધીનગર સહિત રાજ્યના સનદી અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સચિવાલયના વર્તુળોમાં એવી ચર્ચા છે કે કેતકી વ્યાસના રિમાન્ડ ન લેવા માટે ઉપરથી સૂચના આપવામાં આવી હતી. ACB દ્વારા પણ રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હોવાની ચર્ચા છે.

કેતકી વ્યાસને અગાઉ કેટલાક સનદી અધિકારીઓ અને ભાજપના નેતાઓનું કથિત સમર્થન મળતું હોવાની ચર્ચા વચ્ચે, તેમના રિમાન્ડ ન લેવાય તે માટે તખ્તો ગોઠવાયો હોવાની પણ અટકળો ચાલી રહી છે.

માધ્યમોમાં તેમના કનેક્શન અને લાંબા સમય સુધી કાર્યવાહી ન થવા અંગે ચર્ચા વધ્યા બાદ ટર્મિનેશન અને ધરપકડનું નાટક રચવામાં આવ્યું હોવાની પણ ચર્ચા છે.

ગાંધીનગરનું સર્કિટ હાઉસ બન્યું IAS વહીવટનું કેન્દ્ર?

ગુજરાતની ભાજપ સરકારમાં ઉપર સુધી પહોંચ અને સિનિયર IAS અધિકારીઓની મહેરબાની હોય તો કામ ઝડપથી થઈ જાય છે એવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે.

આવા કામો માટે કેટલાક સનદી અધિકારીઓ અને તેમના મળતીયાઓ ગાંધીનગરમાં રાજભવન નજીક આવેલા સર્કિટ હાઉસમાં મળતા હોવાની ચર્ચા છે. જો મામલો મોટો હોય તો બેઠકો GIFT Cityમાં પણ ગોઠવાતી હોવાની વાત છે.

વહીવટી સંકલન માટેના કેન્દ્ર તરીકે સર્કિટ હાઉસનો ઉપયોગ થતો હોવાની ચર્ચાને કારણે ત્યાં આવતા-જતા લોકો પર પણ અલગ નજર રાખવામાં આવતી હોવાની વાત સામે આવી છે.

GAS કેડરની મહિલા અધિકારી કલેક્ટરને પ્રભાવિત કરીને જમીન પ્રકરણમાંથી બચી ગયા?

બરતરફ થયેલા કેતકી વ્યાસનો મામલો હજુ ચર્ચામાં છે ત્યારે GAS કેડરના અન્ય એક મહિલા અધિકારીને લઈને કચ્છથી ગાંધીનગર સુધી ચર્ચા ચાલી રહી છે.

ચર્ચા મુજબ, GAS કેડરના આ મહિલા અધિકારી જમીન સંબંધિત એક પ્રકરણમાં આવ્યા હતા. સ્થાનિક સ્તરે મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ મહિલા અધિકારીએ પોતાના ઉપરી અધિકારી જિલ્લા કલેક્ટર સમક્ષ પોતે નિર્દોષ હોવાનું જણાવી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની વાત છે.

ચર્ચા એવી પણ છે કે કલેક્ટરે તેમની વાત પર વિશ્વાસ રાખીને તેમને આ જમીન પ્રકરણમાંથી બહાર કાઢી લીધા.

મહેસાણાના ઇન્ચાર્જ DDO IAS પી.બી. રાઠોડ જેવું નસીબ દરેક ઓફિસરનું હોતું નથી

2022 બેચના પ્રમોટી IAS પ્રદીપ રાઠોડ ઉર્ફે પી.બી. રાઠોડને ગાંધીનગરમાં બેઠા બેઠા મહેસાણાના DDOનો ચાર્જ આપવામાં આવ્યો ત્યારે અનેક લોકોને આશ્ચર્ય થયું હતું.

જોકે, સરકારના વહીવટને નજીકથી જોનારા વર્તુળોમાં આને રાઠોડના ‘નસીબ’ સાથે જોડવામાં આવી રહ્યું છે. અગાઉ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહના કાર્યાલયમાંથી GAS કેડરમાં ફરજ બજાવતા રાઠોડને અચાનક દૂર કરવામાં આવ્યા હતા અને છ મહિનાથી વધુ સમય સુધી તેઓ કોઈ પોસ્ટિંગ વિના રહ્યા હતા.

IASમાં નોમિનેટ થયેલા પ્રદીપ રાઠોડનો મોટાભાગનો નોકરીકાળ મહેસાણા અને પાટણ આસપાસ રહ્યો છે. ગાંધીનગરમાં સ્કિલ ડેવલોપમેન્ટના ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા રાઠોડને હવે માત્ર 50 કિલોમીટર દૂર મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ આપવામાં આવ્યો છે.

આ નિર્ણયને લઈને સવાલ એ છે કે ગુજરાત સરકારને મહેસાણામાં DDOનો ચાર્જ સોંપવા માટે બીજો કોઈ અધિકારી મળ્યો નહીં?

સામાન્ય રીતે જિલ્લામાં કલેક્ટરનો ચાર્જ DDOને અને DDOનો ચાર્જ DRDAના નિયામક અથવા GAS કેડરના કોઈ સિનિયર અધિકારીને આપવામાં આવતો હોય છે. તેમ છતાં મહેસાણામાં DDOની કાયમી નિમણૂક કરવાને બદલે ચાર્જ સોંપવામાં આવ્યો છે, જે ફરી એક વખત સરકારની વહીવટી કાર્યપદ્ધતિ અંગે ચર્ચા ઊભી કરે છે.

Share This Article