Bhavnagar Medical College Ragging: ભાવનગરની સરકારી મેડિકલ કૉલેજના ત્રણ ઈન્ટર્ન ડૉકટર્સનું અપહરણ કરી અલગ-અલગ બે સ્થળોએ માર મારવાની તથા તેમનું રેગિંગ કરવાની ચકચારી ઘટનાના ભાવનગર સહિત સમગ્ર રાજ્યની મેડિકલ કૉલેજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ઈન્ટર્નશિપ પૂર્ણ થયા બાદ દિક્ષાંત સમારોહના આયોજનને લઈ વિદ્યાર્થીઓમાં પડી ગયેલાં બે જૂથ વચ્ચે વકરેલી લડાઈ અને સોશિયલ મીડિયામાં થયેલી મજાકનું મનદુઃખ રાખી સહ અધ્યાયીઓ અને સિનિયર્સ સહિત ૮ લોકોએ ત્રણ ઈન્ટર્ન ડૉકટર્સ પર કરેલાં હુમલા, રેગિંગ અને અપહરણની ઘટનાને લઈ તમામ સામે અપહરણ, માર મારવા સહિતની કલમ અન્વયે બે ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. તો, બીજી તરફ રેગિંગની ગંભીર ઘટનાને લઈ એન્ટી રેગિંગ કમિટીએ આ ગુન્હો આચરનાર ચાર ઈન્ટર્ન ડૉકટર્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મેડિકલ કૉલેજ સહિત સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના વર્ષ-૨૦૧૯ની બેચના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ પૂર્ણ થતાં દિક્ષાંત સમારોહના આયોજનને લઈને વિદ્યાર્થીઓમાં રીતસર બે જૂથ પડી ગયા હતા. દરમિયાનમાં દિક્ષાંત સમારોહના આયોજનને લઈને સોશિયલ મીડિયામાં થયેલી મજાકનું મન દુઃખ રાખી ગત ગુરૂવારે રાત્રિના સુમારે ડૉ.મિલન કાકલોતર, ડૉ.પિયુષ ચૌહાણ, ડૉ.નરેન ચૌધરી, ડૉ.મન પટેલ, ડૉ.અભિરાજ પરમાર તથા ડૉ. બળભદ્રએ સહઅધ્યાયી તથા જૂનિયર્સ એવા ડૉ.આકાશ કરથિયા અને ડૉ.ઈશાન કોટકનું મેડિકલ કોલેજ પાસે આવેલી સ્વામી વિવેકાનંદ સર્કલ પાસેથી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફેરવ્યો હતો અને બન્નેને ધાક ધમકી આપી અપશબ્દો કહી ઢીકાપાટુંનો માર માર માર્યો હતો. આ પણ અધુરૂં હોય તેમ બન્ને અપહ્યત ઈન્ટર્ન ડોકટર્સને વલભીપુર વાડીએ લઈ જઈને ડૉ. બળભદ્રએ બે દિવસ સુધી ઉંધા લટકાડવાની ધમકી આપી હતી.ઉપરાંત આ તમામે એકસંપ કરી બન્ને ઈન્ટર્ન પાસેથી અશ્લિલ શબ્દો બોલાવ્યા હતા અને જો તે ન બોલે તો તેમને ફરી માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત અપહ્યત બન્નેને અટપટાં સવાલો પુછવામાં આવ્યા હતા. જેના ખોટા જવાબ આપે તો ફરી તેમને માર મારી જાનથી મારી નાઁખવાની ધમકી આપવામાં આવી હતી.
આ ઘટનાક્રમ સાથે બન્ને અપહ્યત ઈન્ટર્નને સતત ત્રણ કલાક સુધી ગોંધી રાખી રાત્રિના બે કલાકના અરસામાં કાળુભા રોડ પર આવેલી ન્યુ બોયઝ હોસ્ટેલ ખાતે લાવવામાં આવ્યા હતા. જયાં અપહ્યત બન્ને ઈન્ટર્નના અન્ય એક સાથી ડૉ.અમન શૈલેષભાઈ જોષીને ઊંઘમાંથી ઉઠાડી ડૉ.મન પટેલ, ડૉ.નરેન ચૌધરી, ડૉ.બળભદ્ર અને મિલન કાકલોતરે મોંઢા અને ગાલ પર લાફા મારી, અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયારે, ડૉ.નરેન ચૌધરીને આજીવન નરેનભાઈ કહી બોલાવવાનુ કહી તેને મૂર્ગો બનાવી મોંઢા પર સિગરેટના ખાલી ખોખા ફેંક્યા હતા.
ઈન્ટર્ન તબીબ સાથે થયેલા આ વ્યવહાર અંગે ત્રણેય પિડિત ઈન્ટર્ન ડૉકટર્સ ભાવનગરની મેડિકલ કોલેજના ડીનને લેખિતમાં ફરિયાદ કરી સારવાર અર્થે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં દાખલ થયા હતા. જયાં હાલ તેમની સારવાર શરૂ હોવાનું જાણવા મળેલ છે. જયારે, બનાવને લઈ આ મામલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં છ વિરૂદ્ધ બે અલગ-અલગ ગુન્હા નોંધવામાં આવ્યા છે. બીજી તરફ, મેડિકલ કોલેજના ત્રણ વિદ્યાર્થીના અપહરણ, મારા મારવા અને રેગિંગના બનાવને લઈને ગત મોડી રાતે મોટી સંખ્યામાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સર ટી. હોસ્પિટલ પરસરમાં એકત્રિત થયા હતા. જે બાદ આ મુદ્દે આજે મેડિકલ કોલેજ ખાતે બપોરે ૧.૩૦ કલાકે રેગિંગ કમિટિના ૧૧ સભ્યોની મિટિંગ મળી હતી. મેડિકલ કોલેજના ડીન, ડીવાયએસપી, સીટી મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિતિમાં ત્રણ વિદ્યાર્થીઓના અપહરણ, હુમલો તથા રેગિંગ કરનાર ભાવનગરની જ મેડિકલ કોલેજના ચાર ઈન્ટર્ન ડૉકટર્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.આ મામલે આગામી શનિવારે કમિટિની વધુ એક મિટિંગ મળશે તેમ વિગત આપતાં ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડૉ.સુશિલકુમાર ઝાએ જણાવ્યું હતું.
આ 4 ઈન્ટર્ન ડૉકટર્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબોનું અપહરણ કરી મારમારી રેગિંગ કરવાના મામલે મેડિકલ કોલેજ ખાતે મળેલી રેગિંગ કમિટિની બેઠકમાં ચાર ઈન્ટર્ન તબીબ ડૉ.નરેન ચૌધરી, ડૉ.મિલન કાકલોતર, ડૉ.મન પટેલ અને ડૉ.પિયુષ ચૌહાણને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો તથા આ ચારેય વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપ સર્ટિફિકેટ તથા કોલેજમાંથી તેમના કોઈ પણ સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવશે નહી તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
રેગિંગને લઈ એનએસયુઆઈનું હલ્લાબોલ
મેડિકલ કોલેજમાં રેગિંગ, અપહરણ અને મારામારીના બનાવને લઈને આજે બપોરે મેડિકલ કોલેજ ખાતે રેગિંગ કમિટિની મિટિંગ ચાલી રહી હતી ત્યારે બપોરના સમયે એનએસયુઆઈ દ્વારા મેડિકલ કોલેજ ખાતે આવી રેગિંગ કમિટિ સમક્ષ આવુ કૃત્ય કરનારાને સસ્પેન્ડ કરી સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
6 ઈસમો વિરૂદ્ધ અપહરણ, માર મારવા, અશ્લિલ શબ્દો કહી ધમકી આપ્યાના બે અલગ- અલગ ગુન્હા નોંધાયા
ભાવનગર મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબના અપહરણ, રેગિંગ અને મારામારીના બનાવમાં ઈશાનભાઈ કાર્તિકકુમાર કોટકે ડૉ.મિલન કાકલોતર, ડૉ.પિયુષ ચૌહાણ, ડૉ.નરેન ચૌધરી, ડૉ.મન પટેલ, ડૉ.અભિરાજ પરમાર અને ડૉ. બળભદ્ર વિરૂદ્ધ અપહરણ કરી ગોંધી રાખી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની તથા અશ્લિલ શબ્દો કહી તથા બળજબરીપૂર્વક બોલાવ્યાની નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો, ડૉ.અમન શૈલેષભાઈ જોષીએ ડૉ.મન પટેલ, ડૉ.નરેન ચૌધરી, ડૉ.બળભદ્ર અને ડૉ.મિલન કાકલોતર વિરૂદ્ધ અપશબ્દો કહી લાફા મારી મૂર્ગો બનાવી, સિગરેટના ખોખા મોં પર ફેંકી જાનથી મારી નાઁખવાની ધમકી આપ્યાની નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પ્રકરણે બે અલગ-અલગ ફરિયાદ નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

