Central University of Gujarat VC: ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીને તેની સ્થાપના બાદ પ્રથમ મહિલા કુલપતિ મળ્યાં છે. પ્રો. વિજિતા સિંહ અગ્રવાલે સોમવારે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે વિધિવત પદભાર સંભાળ્યો. આ સાથે તેઓ યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા કુલપતિ બન્યાં છે. પ્રો. અગ્રવાલ આ પહેલાં નવી દિલ્હી સ્થિત ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી સાથે સંકળાયેલાં હતાં. તેમને શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રનો બહોળો અનુભવ છે. આ યુનિવર્સિટી આશરે 17 વર્ષ જૂની છે. યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસરોએ નવા કુલપતિએ પદભાર સંભાળતાં તેમનું સ્વાગત કર્યું.
એક વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા રમાશંકર દુબે
પ્રો. રમાશંકર દુબેનો ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યકાળ 22 નવેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયા બાદ કાર્યકારી કુલપતિ જવાબદારી સંભાળી રહ્યા હતા. દુબેએ 22 નવેમ્બર, 2019ના રોજ કુલપતિનું પદ સંભાળ્યું હતું. એક વર્ષના કાર્યકાળના વિસ્તરણ બાદ તેઓ 22 નવેમ્બર, 2025ના રોજ આ પદ પરથી નિવૃત્ત થયા હતા. આશરે એક વર્ષના ઇંતજાર બાદ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી (CUG)માં કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. દિવાળી પહેલાં સરકારે ગુજરાત યુનિવર્સિટીમાં પણ કુલપતિની નિમણૂક કરી હતી.
પ્રથમ મહિલા કુલપતિ બન્યાં
CUGએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રો. વિજિતા સિંહ અગ્રવાલની નિમણૂક યુનિવર્સિટીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. કુલપતિ તરીકે તેઓ યુનિવર્સિટીની શૈક્ષણિક અને વહીવટી કામગીરીનું નેતૃત્વ કરશે. તેમના નેતૃત્વમાં યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ, સંશોધન, નવીનતા તથા સંસ્થાકીય વિકાસને નવી દિશા અને ગતિ મળવાની અપેક્ષા છે. યુનિવર્સિટી વિવિધ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા તથા રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.
ગાંધીનગરમાં શરૂઆત, વડોદરામાં બન્યો કેમ્પસ
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 2009માં થઈ હતી. સ્થાપના બાદ આશરે દોઢ દાયકા સુધી યુનિવર્સિટીનું સંચાલન ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર-29 અને સેક્ટર-30માં આવેલા કામચલાઉ પરિસરોમાંથી કરવામાં આવ્યું હતું. પ્રોફેસર એસ. એ. બારી અને ત્યારબાદ પ્રોફેસર રમાશંકર દુબે તેના કુલપતિ રહ્યા હતા. યુનિવર્સિટીને રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (NAAC) તરફથી પ્રતિષ્ઠિત ‘A+’ ગ્રેડ મળ્યો છે. જૂન 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કુંઢેલા ગામમાં યુનિવર્સિટીના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. આશરે 100 એકર વિસ્તારમાં ફેલાયેલા આ કાયમી કેમ્પસનો વિકાસ આધુનિક પ્રયોગશાળાઓ, કેન્દ્રીય પુસ્તકાલય, વ્યાખ્યાન ખંડો અને છાત્રાલયની સુવિધાઓ સાથે કરવામાં આવ્યો છે.

