અમદાવાદ, તા. 14 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં બેફામ બનેલા અધિકારીઓ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આકરા વલણમાં થયા છે અને ફરી એક વખત હળવા મૂડમાં આકરી ટકોર કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું, જે કીટલીઓ ગરમ છે, તે શાંત થઇ જવી જોઈએ.

આણંદમાં સારસા ગામના લાભાર્થીઓને લાભોના ચેક અને સાધનસહાયના વિતરણ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ જ મોટુ અને સૂચક નિવેદન આપ્યું હતું , મુખ્યમંત્રીએ કહ્યું કે, `અમે કલેક્ટર કચેરી જઈશું, કીટલીઓ ગરમ છે તે શાંત થવી’ આમ મુખ્યમંત્રીએ ઈશારામાં જે કામ ન કરનારા અને ભ્રષ્ટ અધિકારી તેમને મોટો સંકેત આપ્યો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં પ્રાંત કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા.
આ દરમિયાન અધિકારી રાજ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં જોવા મળ્યા હતા. ઘણી વખત એવું બન્યું છે કે અધિકારીઓ સામાન્ય જનતા સામે જેમ-તેમ વર્તન કરે છે અને ખોટી રીતે હેરાન-પરેશાન કરે છે. ભાજપના ધારાસભ્યએ જ અગાઉ અધિકારીરાજ અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અધિકારી પોતાની મનમાની કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ત્યારે હવે તંત્રની સાહેબશાહી અંગેની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચતાં મુખ્યમંત્રી એકશનમાં આવ્યા છે. રાજકોટના અગ્નિકાંડને પણ મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધો છે. ગઈકાલે પણ મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી હતી, ત્યારે હવે મુખ્યમંત્રીનું ઓપરેશન શરૂ થાય તેવા સંકેત મળી રહ્યા છે.

